Thu May 28 2026

Logo

કપૂર પરિવારની ત્રણ પેઢી સાથે નાતો

2026-05-08 09:35:00
Author: Henry Shastri
Article Image

હેન્રી શાસ્ત્રી

હિન્દી ચિત્રપટ સૃષ્ટિના સુવર્ણ દોર પર નજર નાખતા જે કેટલીક વિશેષતા ધ્યાનમાં આવે છે એમાંની એક એ છે કે ઘણા અભિનેતા રંગભૂમિમાં અભિનયના અજવાળા પાથર્યા પછી ફિલ્મોમાં પ્રવેશ્યા હતા. બીજી વિશેષતા એ પણ હતી કે ફિલ્મોમાં એક્ટિંગ કરી બે પૈસા ભેગા થયા પછી ફિલ્મ નિર્માણમાં ઝંપલાવનારા કલાકાર પણ હતા.

ગયા શુક્રવારે જેમણે સદેહે આપણી વચ્ચેથી વિદાય લીધી એ અભિનેતા-ફિલ્મ નિર્માતા સુદેશ કુમાર એ જ વ્યાખ્યામાં ફિટ બેસે છે. 95 વર્ષની જૈફ ઉંમરે એક્ઝિટ લેનારા સુદેશ કુમાર નામાંકિત અભિનેતા કે અગ્રણી ફિલ્મ નિર્માતા નહોતા. અલબત્ત, એમનાં કેટલાંક યોગદાન અવિસ્મરણીય છે.

સુદેશ કુમારની એક સિદ્ધિ એ છે કે કપૂર પરિવારની ત્રણ પેઢી-પૃથ્વીરાજ કપૂર, રાજ કપૂર અને રિશી કપૂર સાથે તેમણે કામ કર્યું છે. ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરતાં પહેલાં તે પૃથ્વીરાજ કપૂરે શરૂ કરેલી નાટ્ય કંપની ‘પૃથ્વી થિયેટર્સ’ સાથે સંકળાયા હતા. રંગભૂમિ પરનો ઉછેર કામે લાગ્યો અને લાગવગ કે ઓળખાણથી નહીં, પણ એક્ટિંગની આવડતના જોરે ચિત્રપટમાં કામ કરવાની તક મળી. 

1950માં રિલીઝ થયેલી ‘સરગમ’માં સુદેશ કુમારની પહેલી ફિલ્મ હતી, જેના હીરો હતા રાજ કપૂર. આ ફિલ્મ તો વિસરાઈ ગઈ પણ ફિલ્મનું ‘બાપ ભલા ન ભૈયા ભૈયા સબસે ભલા રૂપૈયા’ ગીતને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. સંભવત: આ જ ગીતની પ્રેરણા લઈ મજરૂહ સુલ્તાનપુરીએ ‘ના બીવી ના બચ્ચા, ના બાપ બડા ના મૈયા, ધ હોલ થિંગ ઈઝ ધેટ કે ભૈયા સબસે બડા રૂપૈયા’ (સબસે બડા રૂપૈયા-1976) ગીત તૈયાર કર્યું હશે. કોઈ અકળ કારણસર ફિલ્મ સૃષ્ટિમાં પા પા પગલી માંડયા પછી સુદેશ કુમાર પાંચેક વર્ષ માટે રૂપેરી પડદા પરથી ગાયબ રહ્યા. હા, નાટકોમાં અભિનય પ્રવાસ તેમણે જારી રાખ્યો. 

1957માં પૃથ્વી થિયેટર્સના બેનર હેઠળ પૃથ્વીરાજ કપૂરે ‘પૈસા’ નામની ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું અને મુખ્ય ભૂમિકા પણ તેમણે જ કરી હતી. આ ફિલ્મથી સુદેશ કુમારે ફિલ્મોમાં વાપસી કરી. યોગાનુયોગ આ ફિલ્મમાં પણ પૈસાનો પાવર નૈતિક મૂલ્યો કે સામાજિક સંબંધો કરતા ચડિયાતો હોય છે એ વાત પર ભાર આપવામાં આવ્યો હતો. મોહમ્મદ રફીએ ગાયેલું ‘પૈસા હી રંગરૂપ હૈ, પૈસા હી માલ હૈ, પૈસા ના હો તો આદમી ચરખે કી માલ હૈ’ ગીત ખાસ્સું ગાજ્યું હતું. આ ફિલ્મના 21 વર્ષ પછી સુદેશ કુમારે કપૂર ખાનદાનની ત્રીજી પેઢી સાથે કામ કર્યું. ‘વિજયશ્રી પિક્ચર્સ’ના બેનર હેઠળ પ્રોડ્યુસ કરેલી ’બદલતે રિશ્તે’માં રિશી કપૂરને એક્ટર તરીકે લીધો હતો.

આ સિવાય સુદેશ કુમાર મુખ્યત્વે ભક્તિચિત્રો બનાવનારા નિર્માતા - દિગ્દર્શક ધીરુભાઈ દેસાઈની ટ્રેજિક લવસ્ટોરી ‘સારંગા’ના બે સદાબહાર ગીતને કારણે સિને રસિકોના સ્મરણમાં સચવાયા છે. સરદાર મલિક દ્વારા સ્વરબદ્ધ બે ગીત ‘સારંગા તેરી યાદ મેં’ અને ‘હાં દીવાના હૂં મૈં’ આજે પણ સંગીત શોખીનો ભૂલ્યા નહીં હોય. ગાયક મુકેશજીની કોન્સર્ટમાં આ ગીતોની અચૂક ફરમાઈશ થતી હતી. 1960 - 70ના દાયકામાં તે ‘છોટી બહન’, ‘ભરોસા’, ‘ખાનદાન’ વગેરે ફિલ્મોમાં ચમકતા રહ્યા. 1970ના દાયકામાં ‘મન મંદિર’, ‘ઉલઝન’, ‘બદલતે રિશ્તે’ જેવી ફિલ્મો નિર્માણ કરી ચિત્રપટ સૃષ્ટિ સાથે ઘરોબો જાળવી રાખ્યો. 

ફિલ્મનું કલેક્શન ગૂણી ભરીને બળદગાડામાં જતું! 

‘બાહુબલી 2: ધ કન્કલુઝન’ (2017) ફિલ્મની ગંજાવર બોક્સ ઓફિસ સફળતાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક હજાર કરોડના કલેક્શનનું સપનું દેખાડી સાકાર પણ કરી દીધું. 2008માં આમિર ખાનની ‘ગઝની’એ દેશમાં 100 કરોડનો વકરો કરનારી પ્રથમ ફિલ્મની સિદ્ધિ મેળવી ત્યારે અનેક આંખો પહોળી થઈ ગઈ હતી. બીજા નવ વર્ષમાં ‘બાહુબલી 2: ધ કન્કલુઝન’નું કલેક્શન રિલીઝ થયાના ત્રણ જ અઠવાડિયામાં 1500 કરોડને આંબી ગયું હતું. 2015માં આવેલી ’બાહુબલી: ધ બિગિનિંગ’નો વૈશ્વિક વકરો 600 કરોડ હતો અને બીજી ફિલ્મ 1800 કરોડ સુધી પહોંચી હતી. બંને ફિલ્મના વકરાનો સરવાળો 2400 કરોડથી આગળ વધી ગયો હતો. 

બીજાં નવ વર્ષ પછી વાત ક્યાં પહોંચી છે? 
વેલ, આદિત્ય ધરની ‘’ધુરંધર’ (2025)નો વૈશ્વિક વકરો 1300 કરોડ હતો જ્યારે ‘ધુરંધર: ધ રિવેન્જ’ (2026) 1800 કરોડની નજીક પહોંચી ગઈ છે. બંનેનું કુલ કલેક્શન 3000 કરોડને ઓળંગી ગયું છે. ખાસ નોંધવાની વાત તો એ છે કે ‘ધુરંધર’ તો ફક્ત હિન્દીમાં જ રિલીઝ કરવામાં આવી હતી. અન્ય ભાષાની આર્થિક સફળતાનો લાભ એને નહોતો મળ્યો. ભવિષ્યમાં 3500 કરોડ, 4000 કરોડ કે એથી વધુ કલેક્શનના આંકડા જોવા મળશે? ભગવાન જાણે. સોરી, પ્રેક્ષકો જાણે.

મલ્ટીપ્લેક્સ તો છેલ્લી એકવીસમી સદીની દેન છે. પહેલા તો સિંગલ સ્ક્રીન થિયેટર જ હતાં. 12થી ત્રણનો શો મેટિની શો કહેવાતો અને પછી ત્રણથી છનો ફર્સ્ટ શો, છથી નઉનો સેક્ધડ શો અને નવથી બારનો લાસ્ટ શો રહેતા. આ ઉપરાંત ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનું એટલે કે શુક્રવારે (ફિલ્મો શુક્રવારે જ રિલીઝ થતી) મેટિની શોનું અલાયદું આકર્ષણ રહેતું. હવે તો સવારે આઠ વાગ્યે અને ક્યારેક તો વળી સવારે છ વાગ્યાથી ફિલ્મો દેખાડવાનું શરૂ થઇ જાય છે. સિંગલ સ્ક્રીન થિયેટર પર સતત હાઉસફુલનાં પાટિયાં લાગે તો જ તગડો વકરો થતો. 

લોકોએ ચિત્રપટ પર પ્રેમ અને પૈસા એ બેઉનો વરસાદ કર્યો હોય એવી પહેલી ફિલ્મની નોંધ છેક 1917માં મળેલી. દાદાસાહેબ ફાળકે તરીકે વધુ જાણીતા ધૂંડીરાજ ગોવિંદ ફાળકેએ 1917માં પૌરાણિક કથા પર આધારિત ‘લંકા દહન’ નામની એક મૂંગી ફિલ્મ બનાવી હતી. ફિલ્મોના ઊંડા અભ્યાસુ અમૃત ગંગરે નોંધેલી માહિતી મુજબ ટિકિટ કાઉન્ટર પરથી સિક્કાઓ ગૂણીમાં ભરી ભરીને બળદગાડા મારફતે નિર્માતાની ઓફિસે પહોંચાડવા પડતા હતા. 

‘લંકા દહન’ મૂંગી ફિલ્મ હતી, પણ લોકોને એનું ઘેલું લાગ્યું હતું. ગિરગામના મેજેસ્ટિક થિયેટરમાં આ ફિલ્મે ધૂમ મચાવી હતી. ટિકિટો ખરીદવા માટે લાંબી લાંબી લાઈનો લાગતી, પડાપડી થતી અને ક્યારેક વાત બાધાબાધી સુધી પણ પહોંચી જતી. ’હાઉસ ફૂલ’નું પાટિયું ન હોય એવું ક્યારેક જ જોવા મળતું. એ વખતે હિસાબ કિતાબની કે નોંધ રાખવાની સરખી સગવડનો અભાવ હોવાથી ‘લંકા દહન’ના વકરાનો કે કમાણીનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી.