ચાંદીમાં રૂ. 5299નું ગાબડું, સોનામાં રૂ. 1539ની નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદને કારણે ફુગાવામાં વધારો થવાની ચિંતા સપાટી પર રહેતાં વ્યાજદરમાં કાપ મુકાવાનો આશાવાદ નબળો પડતાં વૈશ્વિક બજારમાં આજે સતત બીજા સત્રમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે ખાસ કરીને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 5299નું ગાબડું પડ્યું હતું, જ્યારે સોનામાં રૂ. 1533થી 1539નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં ચાંદીના ભાવમાં ત્રણ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતાં વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહી હતી અને જ્વેલરી ઉત્પાદકો નવી લેવાલીથી દૂર રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 5299ના ઘટાડા સાથે રૂ. 2,60,917ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવઘટાડાનું વલણ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1533 ઘટીને રૂ. 1,55,447 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1539ના ઘટાડા સાથે રૂ. 1,56,072ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં છૂટીછવાઈ રોકાણકારોની લેવાલીને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 1.3 ટકા ઘટીને આૈંસદીઠ 4448.43 ડૉલર અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 1.3 ટકા ઘટીને 4446.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 3.3 ટકા ઘટીને આૈંસદીઠ 74.38 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ નજીકનાં લક્ષ્યાંકો પર કરેલા હુમલા યુદ્ધવિરામનો ભંગ છે અને તેનાથી યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો વધુ જટીલ બની રહ્યા છે, એવું આજે ઈરાને જણાવતાં ઊંચો ફુગાવો લાંબા સમય સુધી રહેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટ કરવામાં આવે તેવી શક્યતા ધૂંધળી બનતાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું એફએક્સટીએમના વિશ્લેષક લુકમાન ઑટુન્ગાએ જણાવ્યું હતું. જોકે, કોમર્ઝ બૅન્કે એક નોટ્સમાં જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હળવો થવા અંગેના કોઈપણ સમાચારની સોનાના ભાવ પર સકારાત્મક અસર જોવા મળી શકે છે.
દરમિયાન ગઈકાલે મિનિયાપોલિસ ફેડના પ્રમુખ નીલ કશ્કરીએ જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ મુખ્યત્વે ફુગાવો અંકુશમાં રાખવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે આથી નજીકના ભવિષ્યમાં વ્યાજદરની સ્થિતિ બદલાય તેવી શક્યતા નથી જણાતી. આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી 37 ટકા શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે. વધુમાં રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના એપ્રિલ મહિનાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.