Thu May 28 2026

Logo

યુએનમાં ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી: આતંકવાદ સામે લેવાશે આકરા પગલાં

New York   2026-05-27 21:26:19
Author: mumbai samachar team
Article Image

United Nations (UN)


સંયુક્ત રાષ્ટ્રઃ આતંકવાદ અને જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને ખખડાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે કહ્યું કે સરહદ પારના આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જ તેમણે આના પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી હતી.

યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વથનેનીએ યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી પાયાવિહોણી અને અયોગ્ય ટિપ્પણીઓનો જવાબ આપવા માટે હું મજબૂર છું. ભારત તથ્યો સ્પષ્ટ કરવા માંગે છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું કે દેશને તેના પડોશી દ્વારા કરવામાં આવતા આતંકવાદી હુમલાઓથી રક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

પર્વથનેનીએ જણાવ્યું કે સ્વતંત્ર ભારતની શરૂઆત જ પાકિસ્તાન દ્વારા સરહદ પારની આક્રમકતા સામે ઝઝૂમવા સાથે થઇ હતી. પાકિસ્તાન એવા ભારતીય પ્રદેશો પર કબજો કરવા માંગતું હતું જે સંપૂર્ણ રીતે કાનૂની અને અટલ વિલીનીકરણના પરિણામે ભારતનો ભાગ બની ચૂક્યા હતા.

પાકિસ્તાન વિરુદ્ધ પર્વથનેનીની આ આકરી પ્રતિક્રિયા સુરક્ષા પરિષદમાં યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોનું સમર્થન અને યુએન-કેન્દ્રિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરવાની ચર્ચા દરમિયાન આવી હતી. 

આ ચર્ચાની અધ્યક્ષતા ચીને કરી હતી. જે મે મહિના માટે ૧૫ દેશોની આ યુએન સંસ્થાનું અધ્યક્ષ છે. આ ચર્ચાના પ્રારંભિક સત્રની અધ્યક્ષતા ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કરી હતી.