Thu Sep 03 2026

Logo

વૈભવે એક મૅચમાં અનેક રેકૉર્ડ તોડ્યા, દિગ્ગજોને પાછળ મૂકી દીધા

2026-05-27 22:13:29
Author: Ajay Motiwala
વૈભવે એક મૅચમાં અનેક રેકૉર્ડ તોડ્યા, દિગ્ગજોને પાછળ મૂકી દીધા

PTI


ન્ચૂ ચંડીગઢઃ રાજસ્થાન રૉયલ્સના ટીનેજ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીએ બુધવારે આઇપીએલના એલિમિનેટરમાં અનેક વિક્રમ તોડીને સનસનાટી મચાવી દીધી હતી. એ સાથે, 15 વર્ષના વૈભવે દિગ્ગજ બૅટ્સમેનોને ઝાંખા પાડી દીધા હતા.

27મી મે વૈભવ (Vaibhav) માટે સુવર્ણ અક્ષરે લખાશે, કારણકે આ દિવસે તે સેન્ચુરી ચૂકી ગયો, પરંતુ 29 બૉલમાં બનાવેલા 97 રનની ઇનિંગ્સમાં બાર છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકારીને તેણે આ દિવસને યાદગાર બનાવી દીધો. એક સમયે તેણે ચાર બૉલમાં ફક્ત સાત રન બનાવ્યા હતા, પણ પછીના 12 બૉલમાં તેણે 41 રન ફટકારી દીધા હતા. 

15 વર્ષના વૈભવે આઇપીએલ-2026માં 600 રન પૂરા કર્યા, 16 બૉલમાં હાફ સેન્ચુરી ફટકારી અને ક્રિસ ગેઇલનો એક આઇપીએલ સીઝનમાં 59 છગ્ગા મારવાનો રેકૉર્ડ (Record) તોડી નાખ્યો. વૈભવના નામે હાલમાં આ સીઝનમાં 65 સિક્સર છે.

વૈભવે 16 બૉલમાં 50 રન પૂરા કરીને આઇપીએલના પ્લે-ઑફના ઇતિહાસમાં સૌથી ઝડપે હાફ સેન્ચુરી ફટકારવાના સુરેશ રૈનાના વિક્રમ (16 બૉલમાં ફિફટી)ની બરાબરી કરી હતી. ગિલક્રિસ્ટ આ રેકૉર્ડ-બુકમાં ત્રીજા નંબરે છે. તેણે 17 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા.

વૈભવ એક આઇપીએલ સીઝનમાં 600-પ્લસ રન બનાવનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે. તે 15 વર્ષનો છે અને અગાઉ 21મા વર્ષે આ સિદ્ધિ મેળવનાર રિષભ પંતનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.

વૈભવે આઇપીએલમાં પાંચમી વખત પાવરપ્લેની છ ઓવર પૂરી થતાં પહેલાં જ હાફ સેન્ચુરી પૂરી કરી લીધી હતી. આ રેકૉર્ડ ડેવિડ વૉર્નરના નામે છે જેણે છ વખત પાવરપ્લેની ઓવર્સમાં 50 રન પૂરા કર્યા હતા.

વૈભવે આઇપીએલની એક મૅચમાં પાવરપ્લેની અંદર કુલ આઠ છગ્ગા ફટકારીને નવો વિક્રમ સ્થાપિત કર્યો. તેણે સાત-સાત છગ્ગા ફટકારનાર સનથ જયસૂર્યા અને જૉસ બટલર જેવા મહારથીઓને ઝાંખા પાડી દીધા છે.