Thu May 28 2026

Logo

ગાઝામાં ઇઝરાયલનો મોટો હવાઇ હુમલો: હમાસના નવા લશ્કરી વડાને ઠાર માર્યાનો દાવો

Deir al Balah   2026-05-27 21:16:37
Author: mumbai samachar team
Article Image

દેઇર અલ-બલાહઃ ગાઝામાં ઇઝરાયલના હવાઇ હુમલામાં હમાસના નવા લશ્કરી વડાને નિશાન બનાવીને ઠાર કરવામાં આવ્યો હોવાનો ઇઝરાયલે દાવો કર્યો હતો. આ ઘટના અગાઉના નેતાના મોતના બે અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં બની છે.

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝ અને લશ્કરે જણાવ્યું કે મંગળવારે થયેલા હુમલામાં મોહમ્મદ ઓદેહને ઠાર મરાયો છે. મોહમ્મદ ઓદેહ નામના એક વ્યક્તિના પરિવારે તે હુમલામાં માર્યો ગયો હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેમણે પુષ્ટિ કરી નથી કે તે લશ્કરી પાંખનો નેતા હતો કે નહીં. આ અંગે હમાસે કોઇ ટિપ્પણી કરી નથી.

કાત્ઝે તેને ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના હુમલાના મુખ્ય સૂત્રધારો પૈકીનો એક ગણાવ્યો હતો. આ હુમલાને કારણે ગાઝામાં લાંબો સમય યુદ્ધ ચાલ્યું હતું. કાત્ઝે કહ્યું કે તે હત્યાકાંડ પછી ઇઝરાયલે ચોથી વખત હમાસના લશ્કરી પાંખના વડાની હત્યા કરી છે. અગાઉના વડા ઇઝ્ઝ અલ-દીન અલ- હદ્દાદનું ૧૬ મેના રોજ મોત થયું હતું.

મંગળવારે થયેલા હુમલામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૧૨ ઘાયલ થયા હતા. આ હુમલો મુસ્લિમોના મોટા તહેવાર બકરી ઇદની પૂર્વસંધ્યાએ થયો હતો. કાત્ઝે એક્સ પર કહ્યું કે અમે ૭ ઓક્ટોબરના નરસંહારનું નેતૃત્વ કરનારા દરેક વ્યક્તિને ખતમ કરવાનો સંકલ્પ લીધો છે અને અમે એમ જ કરીશું. તેઓ જ્યાં પણ હશે, માર્યા જશે.