Thu Jul 23 2026

Logo

ડાંગના સુબીરમાં બે કલાકમાં 3.50 ઇંચ વરસાદથી જળબંબાકાર

2026-07-07 11:09:00
Author: Mumbai Samachar Team
Article Image

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ, સવારે 8 થી 10ના સમયગાળામાં રાજ્યના 61 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ડાંગના સુબીરમાં બે કલાકમાં જ 3.50 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર થઈ ગયું હતું. વ્યારામાં બે કલાકમાં 2.05 ઇંચ, સુરતના મહુવામાં 1.81 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો તાપીના ડોલવણમાં 1.65 ઇંચ, સુરતના બારડોલીમાં 1.38 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

વલસાડના નાનાપોંધામાં 1.34 ઇંચ, સુરતના પલસાણામાં 1.30 ઇંચ, વલસાડના ધરમપુરમાં પણ 1.30 ઇંચ, ડાંગ તાલુકામા 1.30 ઇંચ, સુરતના કામરેજમાં 1.10 ઇંચ, નવસારીના જલાલપોરમાં 1.10 ઇંચ, વલસાડના પારડી તાલુકામાં 1.06 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં 1.02 ઇંચ, મહિસાગરના બાલાસિનોરમાં 1.02 ઇંચ, નવસારી તાલુકામાં 0.98 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં 0.98 ઇંચ, તાપીના વાલોદમાં 0.91, સુરતના માંડવીમાં 0.91 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 25-25 ટકા વરસાદ

ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બંને ઝોનમાં ચાલુ સિઝનનો 25 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

ઝોન વાઈઝ રિપોર્ટ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 26.79 ટકા, દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા, પૂર્વ મધ્યમાં 15.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 11.99 ટકા અને કચ્છમાં 1.92 ટકા વરસાદ નોંધાયો છે.

આ જિલ્લા હજી કોરાધાકોડ

કચ્છના અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, રાપર અને દેવભૂમિ દ્વાકાના દ્વારકા તથા કલ્યાણપુરમાં વરસાદનું આગમન થયું નથી. એટલે કે આ જિલ્લાઓ હજુ પણ કોરાધાકોડ છે.

આજે ક્યાં છે વરસાદનું રેડ એલર્ટ

આજે ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવી શકે છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ ખતરનાક આગાહી કરી છે. જે મુજબ વડોદરા, મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં સારો વરસાદ થશે. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત ભાવનગર અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.