નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં એક તરફ સુધારો જોવા મળ્યો છે ત્યાં બીજી તરફ શુગર શેરોમાં સાત ટકા સુધીનો કડવો કડાકો જોવા મળ્યો છે. સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો હોવાના અહેવાલે આજે ૧૪ મે, ૨૦૨૬ના રોજ ભારતીય ખાંડના શેર સવારના સત્રમાં સાત ટકા સુધી તુટ્યા હતા. પ્રતિબંધનો હેતુ સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને વધતા ભાવોને નિયંત્રિત કરવાનો છે.
સરકારના ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને પગલે, અસરગ્રસ્ત મુખ્ય શુગર શેરોમાં ધામપુર સુગર મિલ્સ, દ્વારિકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ અને બલરામપુર ચીની મિલ્સનો સમાવેશ થાય છે.
સરકારે ૩૦ સપ્ટેમ્બર સુધી અથવા આગામી આદેશો સુધી તાત્કાલિક અસરથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી, ૧૪ મે, ગુરુવારના રોજ બલરામપુર ચીની મિલ્સ, દાલમિયા ભારત સુગર, બજાજ હિન્દુસ્તાન સુગર, શ્રી રેણુકા શુગર્સ, ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ઇઆઇડી પેરી અને બન્નારી અમ્માન શુગર્સ જેવા ખાંડના શેરમાં જોરદાર વેચવાલી અને ધોવાણ જોવા મળ્યું હતું.
ખૂલતા સત્રમાં જ બલરામપુર ચીની મિલ્સ, શ્રી રેણુકા શુગર્સ અને ઇઆઇડી પેરીના શેરના ભાવમાં અનુક્રમે ૩.૧૩ ટકા, ૧.૧૩ ટકા અને ૧.૦૮ ટકાનો ઘટાડો થયો હતો. દાલમિયા ભારત શુગર, બજાજ હિન્દુસ્તાન શુગર, ત્રિવેણી એન્જિનિયરિંગ અને ઇન્ડસ્ટ્રીઝ અને બન્નારી અમ્માન શુગરના સ્ટોકમાં પણ અનુક્રમે ૨.૩૮ ટકા, ૨.૭૮ ટકા, ૧.૨૦ ટકા અને ૧.૩૮ ટકાનો ઘટાડો થયો હતો.
વિદેશ વેપાર મહાનિર્દેશાલય (ડીજીએફટી)એ ૧૩મી મેના રોજ એક જાહેરનામામાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધ કાચી ખાંડ, સફેદ ખાંડ અને શુદ્ધ ખાંડ પર લાગુ પડે છે. સરકારે નિકાસ નીતિમાં પ્રતિબંધિતથી પ્રતિબંધિત સુધીનો સુધારો પણ કર્યો છે. આ પ્રતિબંધ સીએક્સએલ અને ટીઆરક્યુ ક્વોટા હેઠળ અમેરિકા અને યુરોપિયન સંઘમાં નિકાસ કરવામાં આવતી ખાંડ પર લાગુ પડશે નહીં. એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ ખાંડની નિકાસ વિદેશી વેપાર નીતિ, ૨૦૨૩ અને હેન્ડબુક ઓફ પ્રોસિજર, ૨૦૨૩ ની હાલની જોગવાઈઓ અનુસાર સત્તાવાર રહેશે.