લખનઊઃ ચેન્નઈ (5/187)ની શુક્રવારે અહીં લખનઊ (16.4 ઓવરમાં 3/188) સામે આઇપીએલની 59મી મૅચમાં સાત વિકેટે હાર થઈ હતી. લખનઊએ જીતીને મુંબઈની જેમ થોડી આબરૂ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લખનઊ અને મુંબઈ બન્ને ટીમ પ્લે-ઑફની રેસની બહાર થઈ ચૂકી છે. ગુરુવારે જેમ મુંબઈએ બુમરાહની કૅપ્ટન્સીમાં જીતીને પંજાબ માટે પ્લે-ઑફનો પ્રવેશ થોડો મુશ્કેલ બનાવ્યો એમ શુક્રવારે લખનઊ (lukhnow)એ ચેન્નઈ (Chennai)ને પરાજિત કરીને એને પણ પંજાબ જેવી થોડી નાજુક સ્થિતિમાં લાવી દીધું હતું.
લખનઊનો ઓપનર મિચલ માર્શ (90 રન, 38 બૉલ, સાત સિક્સર, નવ ફોર) રનઆઉટ થતાં પહેલાં 10 રન માટે સદી ચૂકી ગયો હતો. જોકે તેની અને જૉશ ઇંગ્લિસ (36 રન, 32 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) વચ્ચેની 135 રનની ઓપનિંગ ભાગીદારીએ લખનઊને જીતનો પાયો નાખી આપ્યો હતો. નિકોલસ પૂરન (32 અણનમ, 17 બૉલ, ચાર સિક્સર, એક ફોર) અને મુકુલ ચૌધરી (13 અણનમ, 10 બૉલ, બે ફોર) છેક સુધી ક્રીઝમાં રહ્યા હતા. નિકોલસ પૂરને અંશુલ કમ્બોજની ઓવરના પહેલા ચાર બૉલમાં ચાર સિક્સર ફટકારીને ખેલ વહેલો ખતમ કરી નાખ્યો હતો. ચેન્નઈના મુકેશ ચૌધરી અને સ્પેન્સર જૉન્સનને એક-એક વિકેટ મળી હતી.
IPL
એ પહેલાં, ચેન્નઈએ 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 187 રન કર્યા છે જેમાં કાર્તિક શર્મા (71 રન, 42 બૉલ, પાંચ સિક્સર, છ ફોર)નો સૌથી વધુ ફાળો હતો. ચેન્નઈએ હરાજીમાં કાર્તિકને 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 16 ઓવરમાં ચેન્નઈનો સ્કોર 5/142 હતો, પરંતુ શિવમ દુબે (32 અણનમ, 16 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) અને પ્રશાંત વીર (13 અણનમ, 10 બૉલ, એક ફોર)ની જોડીએ ફટકાબાજી કરીને છેલ્લે સ્કોર 187 રન સુધી પહોંચાડ્યો હતો.
IPL
ખેલાડીઓના હાથ પર કાળી પટ્ટી કેમ હતી?
ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં વરસાદ અને વંટોળમાં મૃત્યુ પામેલા 100 જેટલા લોકોને અંજલિ આપવા શુક્રવારની મૅચમાં બન્ને ટીમના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા.
આકાશ સિંહ રમ્યો એવો ત્રાટક્યો
આઇપીએલમાં ઘણી વખત કોઈક ટીમ મૅનેજમેન્ટ ટૂર્નામેન્ટની શરૂઆત બાદ ઘણી મૅચો સુધી પોતાના જાણીતા-અજાણ્યા ટૅલન્ટેડ ખેલાડીઓને રમાડવાનું ટાળતી હોય છે અને નવોદિત લેફ્ટ-આર્મ પેસ બોલર આકાશ સિંહ સાથે શુક્રવારે આવું જ બન્યું જેમાં લખનઊએ તેને પહેલી વાર રમાડ્યો અને ચેન્નઈની પહેલી ત્રણેય વિકેટ તેણે લીધી હતી. મૂળ રાજસ્થાન રાજ્યના આકાશ સિંહે ચેન્નઈના સૅમસન (20 રન), કૅપ્ટન ગાયકવાડ (13 રન) અને ઉર્વિલ પટેલ (છ રન)ની પ્રાઇઝ વિકેટ લીધી હતી. આકાશે ત્રણેયને કૅચઆઉટ કરાવ્યા હતા. ડેવાલ્ડ બે્રવિસ (પચીસ રન)ની ચોથી વિકેટ મોહમ્મદ શમીએ લીધી હતી અને એમાં પણ આકાશ સિંહની ભૂમિકા હતી. આકાશે શૉર્ટ ફાઇન લેગ પર તેનો આસાન કૅચ ઝીલ્યો હતો.
શનિવારે કઈ મૅચ રમાશે?
ગુજરાત વિરુદ્ધ કોલકાતા
ઈડન ગાર્ડન્સ, સાંજે 7.30