Tue Oct 06 2026

Logo

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે એર ઈન્ડિયાએ જાહેર કર્યો વિન્ટર શેડ્યુલ, જાણો નવું ટાઈમટેબલ

2026-10-03 18:20:19
Author: Mumbai Samachar Team
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે એર ઈન્ડિયાએ જાહેર કર્યો વિન્ટર શેડ્યુલ, જાણો નવું ટાઈમટેબલ

રાજકોટઃ રાજકોટમાં હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગામી તા.25 ઑક્ટોબરથી વિન્ટર શેડ્યુલ લાગુ થશે. આગામી વિન્ટર શેડ્યુલમાં દિલ્હી-મુંબઈની દૈનિક ફ્લાઈટનો સમાવેશ કરાયો છે. એર ઈન્ડિયાની આ ફ્લાઈટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સાંજે 6 કલાકે જતી મુંબઈની ફ્લાઈટ રાત્રે 9.35 કલાકે ટેકઓફ થશે જ્યારે સવારે 10 વાગ્યે દિલ્હી માટે રવાના થતી ફ્લાઈટ 11 કલાકે ટેકઓફ થશે. 

સમયમાં થયો મોટો ફેરફાર

હાલના દિવસોમાં એર ઈન્ડિયાની દૈનિક ફ્લાઈટ સવારે 8.35 વાગ્યે મુંબઈ, સવારે 10 વાગ્યે દિલ્હી અને સાંજે 6 વાગ્યે મુંબઈ માટે રવાના થાય છે. જ્યારે રાત્રે 8 વાગ્યે ફરી એક દિલ્હીની ફ્લાઈટ રવાના થાય છે. આ શેડ્યુલમાં આગામી 25 ઑક્ટોબરથી મોટો ફેરફાર થવાનો છે.  એર ઈન્ડિયાના વિન્ટર શેડ્યુલમાં સવારે રાજકોટથી મુંબઈ માટેની ફ્લાઈટ સવારે 8.30 વાગ્યે, રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ સવારે 11 વાગ્યે, રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ સાંજે 8 વાગ્યે અને રાજકોટથી મુંબઈની ફ્લાઈટ રાત્રે 9.35 વાગ્યે રવાના થશે.

આ વિન્ટર શેડ્યુલ 27મી માર્ચ સુધી યથાવત રહેશે. રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખાસ તો એર ઈન્ડિયા, ઈન્ડિગોની ફ્લાઈટની અવરજવર વધારે છે. ખાસ કરીને દિલ્હી અને મુંબઈના રૂટ પર સારી એવી ફ્રિક્વન્સી મળી રહે છે. આ સિવાય હૈદરાબાદ, પૂના અને બેંગ્લુરૂ સુધીની બેસ્ટ ક્નેક્ટિવિટી રાજકોટથી મળી છે. 

ઈન્ડિગો ઑપરેશન વધારશે.

આવનારા દિવસોમાં ઈન્ડિગો રાજકોટ ખાતેના ઑપરેશનમાં વધારો કરી શકે છે. હાલ તો વિન્ટર શેડ્યુલને લઈ ઈન્ડિગો પણ પોતાનો એક શેડ્યુલ જાહેર કરે એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં આ વિન્ટર શેડ્યુલમાં કોઈ નવી ફ્લાઈટની જાહેરાત કરવામાં આવી નથી.

આ ઉપરાંત હજુ સુધી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થયું હોવા છતાં કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટ મળી નથી, કારણ કે હજુ સુધી આ મુદ્દાને મંજૂરીનું ગ્રીન સિગ્નલ મળ્યું નથી.આ વિન્ટર શેડ્યુલમાં તો ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થાય એવા કોઈ ખાસ સંકેત નથી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દિવાળી સુધીમાં કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટની ક્નેક્ટિવિટી માટે અપીલ કરવામાં આવી છે.