Sat Jun 20 2026

Logo

ભીમ અગિયારસના મુહૂર્તે જ વાવણી થશે: ચોમાસું ફરી સક્રિય થતાં જગતનો તાત ખુશખુશાલ

2026-06-20 13:15:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ દેશભરમાં થોડા દિવસના વિરામ બાદ ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને પગલે ધરતીપુત્રોમાં આનંદની હેલી વ્યાપી ગઈ છે. હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, બંગાળની ખાડીમાં નવું  હવાનું હળવું દબાણ આકાર લઈ રહ્યું છે અને સાથોસાથ અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો પણ જોર પકડી રહ્યા છે. આ બેવડી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી બેથી ત્રણ દિવસમાં સાર્વત્રિક ભારે વરસાદ પડવાની સંભાવના છે.

મે મહિનાના અંતમાં કેરળમાં સમયસર એન્ટ્રી કર્યા બાદ ચોમાસું ઝડપથી આગળ વધ્યું હતું, પરંતુ જૂનના ત્રીજા સપ્તાહમાં તેની ગતિ અચાનક ધીમી પડી જતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જો કે, હવે પાસા પલટાયા છે અને ગુરુવારથી જ બિહાર, ઓડિશા, ઝારખંડ અને મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં મેઘરાજાએ ધોધમાર વરસવાનું શરૂ કરી દીધું છે. આગામી ૨૪થી ૩૬ કલાકમાં આ વરસાદી સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધીને ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબને ધમરોળશે. હવામાન નિષ્ણાતોના મતે, આ સિસ્ટમ આગામી આખું અઠવાડિયું સક્રિય રહેશે, જે ડાંગર, કપાસ, મગફળી અને કઠોળના વાવેતર માટે અમૃત સમાન સાબિત થશે.

દરમ્યાન, ખેતી પ્રધાન ભારતમાં ભીમ અગિયારસના તહેવારને વાવણી માટેનું સર્વોત્તમ અને શુભ મુહૂર્ત માનવામાં આવે છે. ચાલુ વર્ષે ભીમ અગિયારસને આડે હવે માત્ર પાંચ દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે બરાબર સમયસર મેઘ મહેર થતાં ખેડૂતોનું વાવણીનું મુહૂર્ત સચવાઈ જશે. અગાઉ વરસાદ ખેંચાવાના કારણે દેશમાં સરેરાશ વરસાદ ૨૨ ટકા ઓછો નોંધાયો હતો અને દેશના મુખ્ય ૮૪ જળાશયોમાં પાણીનું સ્તર ગત વર્ષની સરખામણીએ ઘટીને માત્ર ૧૯ ટકાએ પહોંચી ગયું હતું. લાંબી પ્રતીક્ષા કરાવ્યા બાદ વરસી રહેલો આ વ્યાપક વરસાદ જળાશયોના જળસ્તર વધારવામાં અને રવી સિઝન માટે જમીનમાં પૂરતો ભેજ સંગ્રહવામાં ખૂબ જ મદદરૂપ થશે.

બીજી તરફ, વૈશ્વિક સ્તરે પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલી ‘અલ-નીનો’ની સ્થિતિને કારણે ચોમાસા પર હજુ પણ આંશિક જોખમ તોળાઈ રહ્યું છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે હિંદ મહાસાગરમાં પોઝિટિવ આઈઓડી  રચાવાની પૂરેપૂરી શક્યતા છે, જે અલ-નીનોની નકારાત્મક અસરને નાબૂદ કરશે. એકંદરે, વિરામ બાદ ચોમાસાના બીજા રાઉન્ડે જોર પકડતાં દેશભરમાં વાવણી કાર્યો વેગવંતા બનશે.

(ઉત્સવ વૈદ્ય)