Thu May 28 2026

Logo

સ્ટાર-યાર-કલાકારઃ ફિલ્મી હીરો: સ્ટારમાંથી અવતાર ને પછી સરકાર ...

2026-05-22 10:37:00
Author: Sanjay Chel
Article Image

 

સંજય છેલ 

‘અર્ધ સત્ય’ ફિલ્મમાં ઓમપુરીની સાથે, આમતૌર પર આપણી પ્રજા સામે ફિલ્મોવાળાઓની બે જ ઇમેજ હોય છે.

એક : સ્વિમિંગ પૂલમાં બિકીની પહેરેલી છોકરીઓ સાથે શરાબની જ્યાફત ઉડાડતાં નફ્ફટ લોકો.
બે: નિષ્ફળ થઇને ગુમનામીનાં અંધકારમાં ટૂંટિયુંવાળીને બેઠેલો કોઇ ભિખારી, જે એક જમાનામાં મોટો સ્ટાર હતો અને હાય, હવે તો શું હાલત થઇ છે! 

આ રીતે લોકો માટે ફિલ્મવાળાઓ કાં તો ઐયાશ કાં તો ખલ્લાસ!

જોકે સાઉથ ઇંડિયામાં એક બીજી ઇમેજ છે: ભગવાનના અવતારની. તામિલનાડુમાં એમ.જી. રામચંદ્રન હોય કે તેલુગુભાષીઓ માટે એમ.ટી રામારાવ હોય, કરોડો લોકો એમને ઇશ્વરના અવતાર માનતા અને પછી એમાંથી એ બન્નેએ પોતાના પક્ષ બનાવ્યા- સી.એમ બન્યા અને આજે એમના જ વંશજો પાર્ટી ચલાવે છે. રજનીકાંત અહીં ઈશ્વરની જેમ પૂજાય છે તો ખૂશ્બુ જેવી સામાન્ય હીરોઇનના મંદિર બન્યા છે! ને એ બધાંમાં છેલ્લો દાખલો છે : વિજય જોસેફ. જે આજે તામિળનાડુનો સી.એમ. છે. 

કોઇને કલ્પના પણ નહોતી કે આટલી બહુમતી મેળવીને જુવાનીયાઓનો પ્યારો વિજય, છેક મુખ્ય મંત્રી બની જશે. ચલો, એમ.જી.આર. કે એન.ટી.રામારાવ તો ભગવાનના રોલ કરતા એટલે અભણ લોકો એમને ર્ઇશ્વરી અવતાર ગણતા પણ રજનીકાંત અને વિજયની ઘેલછા અકલ્પ્ય છે. ફિલ્મ રિલીઝ વખતે એમના આદમકદ પોસ્ટરો પર લિટરો દૂધ ચઢાવવામાં આવે, નાળિયેરો ફૂટે, લોકો ઉપવાસ માનતા રાખે.    

આ બધાંનું કારણ માત્ર ફિલ્મોની લોકપ્રિયતા નથી... આ બધાં સ્ટાર્સના ગામેગામ ફેનક્લબ હોય છે અને એ સ્ટાર લોકો ખૂબ દાનસખાવતના સારા કામ કરે છે અને શિક્ષણથી માંડીને ક્ધયાઓના સમૂહ લગ્નો કરાવે છે, જેની પબ્લિસિટી પણ થાય છે, જેથી એક અવતારી ઇમેજ ઘડાય, જેની સીધી અસર સ્ટારના બોક્સ ઓફિસ પર અને ચૂંટણી પર પણ થાય.

અહીં નવાઇની વાત છે કે સમાજ માટે ખૂબ સારાં કામ કરનારા સુનીલ દત્ત, શાહરુખ ખાન કે હ્રતિક રોશન કે અનેક બોલિવૂડના સ્ટાર્સને આવું બધું ના આવડ્યું કે કદાચ એ લોકો ચૂપચાપ ચેરિટીનાં સારા કામ કરવામાં માનતા હશે?

2014માં જાણીતાં ફિલ્મ-નાટ્ય કલાકાર સદાશિવ અમરાપુરકરનું મૃત્યું થયું ત્યારે આ જ વિચાર આવેલો. ‘અર્ધસત્ય’ ફિલ્મનો વિલન રામા શેટ્ટી કે મહેશ ભટ્ટની સંજય દત્તવાળી ‘સડક’ ફિલ્મમાં મહારાણી તરીકે વ્યંઢળ બનેલો વિલન અદ્ભુત કલાકાર તો હતો જ, એ પણ ખૂબ સમાજસેવી માણસ હતો. સદાશિવ માત્ર વિલન કે કોમેડિયન નહોતો, પણ સમાજનાં શોષિત-દલિત-ગરીબ વર્ગ માટે કામ કરનારો પ્રતિબદ્ધ સમાજવાદી માણસ હતો. 

અમારો એક મિત્ર શશીકાંત સાવંત જૂનાં અલભ્ય પુસ્તકોનો  સંગ્રાહક છે. ફિલ્મ લાઇનમાં બહુ ગણ્યા-ગાંઠ્યા લોકો એની પાસેથી મોંઘાભાવે બૂક્સ ખરીદે એમાંના એક એટલે સદાશિવ. એ ફિલ્મમાં રોલ ભલે નેગેટીવ કરે પણ માણસ ભારોભાર પોઝિટીવ. સદાશિવ જ્યારે મળે ત્યારે મને મિત્રભાવે પૂછે : ‘તારી લખેલી કોઇ ફિલ્મમાં મને કેમ કોઇ રોલ નથી અપાવતો?’ 

આખરે એકવાર શાહરુખ ખાન, જૂહી ચાવલા દ્વારા નિર્મિત ફિલ્મ ‘ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની’ માટે એક ખટપટી રાજકારણીના રોલ માટે એમનો મેં સંપર્ક કર્યો. રોલ સાંભળ્યો, પણ એક યુવાન યુવતી પર રેપ સીન એમાં એમણે ભજવવાનો હતો. સદાશિવે રોલ સાંભળીને તરત જ વિનય પૂર્વક ના પાડી કે હવે આવા રોલ નથી કરવા.  જોકે એ સમયે સદાશિવને કામની બહુ ખૂબ જરૂર હતી અને એમના જિદ્દી સિદ્ધાંતવાદી સ્વભાવને લીધે કામ પણ ઓછું મળતું હતું, છતાંયે એક મોટી ફિલ્મમાં, મોટું મહેનતાણું ઠુકરાવીને ના કહેવાની ખુમારી સદાશિવે દાખવી, જે ફિલ્મ લાઇનમાં લગબગ અસંભવ છે.

ફિલ્મોમાં ગંદા, ભ્રષ્ટ કે વિલનનું કામ કરનાર સદાશિવ પોતે અંગત જીવનમાં ખૂબ જ પરગજુ માણસ હતાં. ગરીબો કે દલિતો માટેની સામાજિક ચળવળમાં ખૂબ ભાગ લેતા અને સત્તા અને સરકારો સામે બિંદાસ લડી પણ લેતાં. ‘શિવસેના’ના સ્થાપક સ્વ.બાળ ઠાકરેએ જેની બોલવાની કળાની સ્ટાઇલ અપનાવી હતી એવાં મરાઠી વક્તા-લેખક સ્વ.આચાર્ય અત્રેનું રમૂજી નાટક છે: 

‘લગ્નાચી બેડી!’ આ નાટકનાં અસંખ્ય શો, વિના મૂલ્યે ગાંઠનાં નાણાં ખર્ચીને સદાશિવે આખા મહારાષ્ટ્રમાં ગામે ગામ કર્યાં અને એ જમાનામાં કરોડો રૂપિયા જમા કરીને એક ટ્રસ્ટ બનાવ્યું. એ ટ્રસ્ટમાંથી અનેક સામાજિક સંસ્થાઓ, સમાજ સેવકોને દર મહિને વરસોથી આર્થિક મદદ મળતી રહે છે. આ વાતના સદાશિવે કોઇ ઢંઢેરા પણ નહોતા પીટાવ્યા.

આજે અદાકાર સદાશિવ ભલે હયાત નથી પણ ઇન્સાન સદાશિવ એ સંસ્થાઓની મદદ પામતાં લોકોની આંખોમાં જીવે છે. મરાઠીમાં આવાં ઘણાં કલાકારો મળી આવે છે, જેમ કે- મરાઠી નાટકો ને ફિલ્મોના અદ્ભુત અભિનેતા નીળુ ફૂલે (‘કૂલી’ ફિલ્મનો વૃદ્ધ કૂલી કે ‘સારાંશ’ ફિલ્મમાં રાજનેતા) અને રીમા લાગુ જેવાં અનેક કલાકારો સદાશિવનાં સામાજિક કામોમાં સાથ અને સમય આપતાં. સદાશિવે, ગામડાંઓમાં નશામુક્તિ કરાવતી સંસ્થા-મુક્તાંગણ માટે પણ મરતાં દમ સુધી ખૂબ કામ કર્યું.

સદાશિવને જ્યારે જ્યારે મેં ફિલ્મી સેટ પર જોયાં ત્યારે એ હંમેશાં પુસ્તકો વાંચવામાં ખૂંપેલાં જ દેખાતાં. ફિલ્મના સેટ પર કોઇ સાથે ખા-ખા-ખી-ખી કરતાં નહીં, પણ ખૂણામાં બેસીને વિશ્વસાહિત્ય વાંચે રાખે. પુસ્તકોનો પ્રેમ તો ત્યાં સુધીનો હતો કે નાનાં ગામોમાં બૂકસેલરોને સપોર્ટ આપવાં પુસ્તકો ખરીદતાં ને પછી લોકોને ભેટમાં આપી દેતાં. ‘ટ્યુસડે વિથ મોરી’ નામની અંગ્રેજી નવલકથા સદાશિવને એટલી બધી ગમી કે પત્ની સુનંદા  અમરાપુરકર પાસે મરાઠીમાં અનુવાદિત કરાવી અને પ્રગટ કરી, જે આજેય મરાઠી ભાષામાં બેસ્ટસેલર કિતાબ છે.

વ્યવસાયે વિલન એવા સદાશિવને ગાંધીવાદી અને બૌદ્ધ સાહિત્યનો પ્રેમ હતો. ગાંધીપ્રેમને લીધે એમણે મરાઠીમાં ‘વાસ્તુ-પુરુષ’ નામની ફિલ્મ પૈસો લીધાં વિના કરી, જેમાં એક ગાંધીવાદીની અદ્ભુત ભૂમિકા ભજવેલી. આજનાં જમાનામાં સદાશિવે બે રેંટિયાં વસાવેલાં અને પોતે ચરખો કાંતતા પણ! સમાન્ય પ્રજાને કયાંથી સમજાય કે ફિલ્મોમાં બળાત્કાર કે મર્ડર કરતો વિલન, અંગત જીવનમાં ગાંધીવાદી પણ હોઇ શકે!

આજે જાહેરજીવનમાં ‘ગાંધી-ગાંધી’ જપતા જૂઠ્ઠા નેતાઓ અંદરખાને ફિલ્મી વિલનને શરમાવે એવાં હોય છે અને ફિલ્મી વિલન ખરેખર ગાંધીવાદી નીકળી આવે છે! જોકે આપણે ત્યાં આવા કલાકારો પૂજાવાના તો છોડો, લોકોના  દિમાગમાંથી સાવ ભુલાઇ જાય છે... આવી છે વિધિની વક્રતા!