નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા (South Africa)એ અહીં ટી-20 વર્લ્ડ કપમાં બુધવારે સતત ચોથી મૅચ જીતીને ક્લીન રેકૉર્ડ જાળવી રાખ્યો હતો અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ને વન-સાઇડેડ મુકાબલામાં 40 બૉલ બાકી રાખીને છ વિકેટે હરાવ્યું એની ખાસિયત એ છે કે એઇડન માર્કરમ (MARKRAM)ની ટીમના બૅટ્સમેનોએ દિલ્હીવાસીઓને આ ટૂંકી ઇનિંગ્સમાં પણ છગ્ગા-ચોગ્ગાની કમાલ બતાવી હતી.
યુએઇએ બૅટિંગ મળ્યા બાદ અલીશાન શરાફુના 45 રનની મદદથી છ વિકેટે માત્ર 122 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાની ટીમના 123 રનના ટોટલમાં છ સિક્સર અને બાર ફોર સામેલ હતી. બૅટ્સમેનોએ છગ્ગા-ચોગ્ગા ફટકારતાં સાઉથ આફ્રિકાએ 13.2 ઓવરમાં ચાર વિકેટના ભોગે 123 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો.
જે ત્રણ બૅટ્સમેનોની ટૂંકી ઇનિંગ્સમાં ચોગ્ગા ઉપરાંત છગ્ગા પણ સામેલ હતા એમાં માર્કરમ (28 રન, 11 બૉલ, એક સિક્સર, પાંચ ફોર), ડેવાલ્ડ બે્રવિસ (36 રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) અને રાયન રિકલ્ટન (30 રન, 16 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) સામેલ હતા અને આ ત્રણ બૅટ્સમેને દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમના હજારો પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.
યુએઇના ચાર બોલર એક-એક વિકેટ લઈ શક્યા હતા. એ પહેલાં, યુએઇની 6/122ની ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકાના કૉર્બિન બૉશ્ચે ત્રણ, ઍન્રિક નોર્કિયાએ બે અને જ્યોર્જ લિન્ડેએ એક વિકેટ લીધી હતી. કૅગિસો રબાડા અને ક્વેના મફાકાની ચાર-ચાર ઓવરમાં 30-30 રન બન્યા હતા અને તેમને યુએઇના એકેય બૅટ્સમૅનની વિકેટ નહોતી મળી.