Wed Jun 10 2026

Logo

અકસ્માતમાં પગ ગુમાવનારા સોફ્ટવેર એન્જિનિયરને 58 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

2026-02-26 18:01:03
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણેમાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2019માં ટ્રકે ટક્કર માર્યા બાદ પોતાનો પગ ગુમાવનારા સોફ્ટવેર એન્જિનિયરને 58.3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

એમએસીટીનાં સભ્ય આર.વી. મોહિતેએ 23 ફેબ્રુઆરીએ આપેલા આદેશમાં ઇન્શ્યૂરન્સ પોલિસીની વાસ્તવિકતા અંગેના વિવાદ બાદ ટ્રકની વીમા કંપનીને શરૂઆતમાં દાવેદારને રકમ ચૂકવવા અને બાદમાં વાહનમાલિક પાસેથી તે વસૂલવાના નિર્દેશ આપ્યા હતા.

કંપનીમાં સિનિયર સોફ્ટવેર ડેવલપર તરીકે કાર્યરત કિરણ સુરેશ માળી (35) 30 માર્ચ, 2019ના રોજ થાણેના ઘોડબંદર રોડ પર આનંદનગર ખાતેથી મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે ટ્રકે પાછળથી તેની મોટરસાઇકલને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કિરણ માળીનો ડાબો પગ કાપવો પડ્યો હતો અને તેને 65 ટકા દિવ્યાંગતા આવી ગઇ હતી. ટ્રકનો માલિક ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થયો નહોતો અને મામલો તેની વિરુદ્ધ એકતરફી ચાલ્યો હતો. વીમા કંપનીએ દાવાનો વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ઇન્શ્યૂરન્સ પોલિસી બોગસ હતી. 

ટ્રિબ્યુનલે કિરણ માળીની કાર્યાત્મક દિવ્યાંગતાનું મૂલ્યાંકન પચીસ ટકા કર્યું અને માસિક આવક 45 હજાર નક્કી કરી, કારણ કે દાવેદારે તેનો પગાર 84 હજાર રૂપિયાથી વધુ હોવાનો દાવો કર્યો હતો અને તેને સાબિત કરવા આઇટી રિટર્ન અથવા બૅંક સ્ટેટમેન્ટ રજૂ કર્યા નહોતા. (પીટીઆઇ)