Thu Jul 23 2026

Logo

જૂનાગઢમાં પરિવાર બાઈક પર નિકળેલો ને અચાનક સ્ટીયરિંગ પર સાપ પ્રગટ થયો, પછી શું થયું ?

2026-07-13 10:31:00
Author: Mayur Patel
Article Image

જૂનાગઢઃ  ચોમાસાની સિઝન દરમિયાન વાહનોમાં સરિસૃપ નીકળવાની ઘટના બનતી હોય છે. આવો જ કિસ્સો જૂનાગઢમાં બન્યો હતો. પરિવાર બાઈક પર નિકળ્યો હતો અને અચાનક સ્ટીયરિંગ પર સાપ પ્રગટ થયો હતો. જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. બાદમાં સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

રવિવારની રજા હોવાથી એક પરિવાર ભવનાથ વિસ્તારમાં ફરવા આવ્યો હતો. તેઓ જ્યારે પસાર થતાં હતા ત્યારે ગાડીના હેન્ડલના ભાગમાંથી સાપ બહાર નીકળતો જોયો હતો. જેને લઈ બાઈક ચાલકે તાત્કાલિક ગાડી ઉભી રાખી હતી અને પરિવાર સાથે સુરક્ષિત ઉતરી ગયા હતા.

બાઈકમાં સાપ હોવાની વાત ફેલાતાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ તરત જ સ્નેક કેચરને જાણ કરી હતી. સ્નેક રેસ્ક્યુઅરે આવીને સાપને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને ગિરનારના જંગલમાં સહી સલામત છોડી મુક્યો હતો.

હાલમાં વરસાદની સીઝન ચાલી રહી છે ત્યારે સાપના દરમાં પાણી જતાં તેઓ બહાર આવે છે અને જગ્યા ન મળવાથી વાહનોના ગેપમાં પહોંચી જાય છે. જેના કારણે વાહન ચાલક ડ્રાઇવિંગ વખતે અચાનક સાપ જુએ તો ઘણી વખત ગભરાઈ જાય છે અને આ કારણે અકસ્માતની પણ શક્યતા રહે છે.

2023માં અમદાવાદમાં પણ બની હતી આવી ઘટના

2023માં અમદાવાદમાં પણ બાઇકમાંથી સાપ નીકળવાની ઘટના સામે આવી હતી. ઈન્કમ ટેક્સ ચાર રસ્તા પાસેથી યુવક બાઇક લઇને પસાર થતો હતો ત્યારે અચાનક બાઇકના બોનેટમાં ફસાયેલો સાપ પેટ્રોલની ટાંકી પર આવી ગયો હતો. જેને લઈ બાઇક ચાલક ગભરાઈ ગયો હતો અને રોડ પર ફેંકી દીધી હતી.  

ઘટના બાદ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક જાણ કરતાં એનિમલ રેસ્ક્યૂ ટીમના વિજય ડાભી ત્યાં પહોંચ્યા હતા. બાઈકચાલક યુવક ખૂબ જ ડરેલો હતો અને લોકોનું ટોળું ઊમટી પડ્યું હતું. સાપ બાઈકના બોનેટના ભાગમાં ફસાઈ ગયેલો હતો. તાત્કાલિક એને સ્નેકટોનની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.