Thu Jul 23 2026

Logo

ગાંધીધામમાં 'ચકલા-પોપટ' નામે રમાતા હાઇટેક જુગારધામ પર SMCના દરોડાથી ફફડાટ

2026-07-10 13:06:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ સપનાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં સ્થાનિક પોલીસ બેડા સહિત જુગારી તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ દરોડો ઇલેક્ટ્રોનિક યંત્ર આધારિત ગેમ અને 'ચકલા-પોપટ' નામે રમાતા હાઇટેક ઓનલાઇન જુગારના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પાડવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે.

અંતરંગ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તાજેતરમાં રાજકોટ અને ભાવનગર ખાતે ડિજિટલ ગેમિંગ અને ચકલા-પોપટના જુગારના અડ્ડાઓ પર વ્યાપક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કૌભાંડની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન આ હાઇટેક જુગારના તાર ગાંધીધામ સુધી લંબાતા હોવાની ચોક્કસ કડીઓ પોલીસને મળી હતી. જેના આધારે એસ.એમ.સી.ની રાજ્ય સ્તરની વિશેષ ટુકડીએ ગાંધીધામના સપનાનગર સ્થિત એક મકાનને રડારમાં લઈને ઓપરેશન હાથ ધર્યું હતું.

આ હાઇટેક જુગાર નેટવર્ક ડિજિટલ અને ઓનલાઇન માધ્યમોથી ઓપરેટ થતું હોવાથી તેમાં મોટા પાયે કરોડો રૂપિયાના હવાલા વ્યવહારો થયા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ સમગ્ર ઓપરેશન એટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે સ્થાનિક પોલીસને પણ તેની કાનોકાન ખબર નહોતી, જેથી સ્થાનિક પોલીસ પણ વિગતો મેળવવા દોડતી થઈ ગઈ હતી.

મોડી રાત સુધી આ દરોડા દરમિયાન કેટલો મુદ્દામાલ જપ્ત કરાયો છે, કેટલા શખ્સોની અટકાયત થઈ છે અને આ આખું નેટવર્ક કોણ ચલાવતું હતું, તે અંગે પોલીસ તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, આ પ્રકરણમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. 

(ઉત્સવ વૈદ્ય)