જગતનું સૌ પ્રથમ અંગ પ્રત્યારોપણ?
તાજેતરમાં જ એડિનબર્ગ, સ્કોટલેન્ડ (યુકે)ની રોયલ કોલેજ ઓફ સર્જ્યન્સ ખાતે શલ્યચિકિત્સક મહર્ષિ સુશ્રુતની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી તે વેળાની તસવીર.
સનાતન પુરાતન અદ્યતન - મુકેશ પંડ્યા
આજથી લઈને હવે દસ દિવસ સુધી શ્રી ગણેશજીનો ઉત્સવ જોરશોરથી મનાવવામાં આવશે. સનાતન ધર્મના પ્રથમ પૂજનીય દેવ અને વિદેશમાં એલિફન્ટ ગોડ તરીકે પ્રખ્યાત ગણેશજીનું હાથી સ્વરૂપ યુગોથી ભારતમાં પૂજાય છે. પાર્વતીપુત્ર ગણેશને હાથીનું મસ્તક કઈ રીતે મળ્યું એ અંગે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે તેમના પિતા ભગવાન શંકરે આવેશમાં તેમનો શિરચ્છેદ કર્યો હતો અને પછી પાર્વતીના આક્રંદને વશ થઈને હાથીનું મસ્તક ચોંટાડી ગણેશને સજીવન કર્યા હતા.
આવી રીતે એક પ્રાણીનું મસ્તક કોઈ મનુષ્યના ધડ સાથે જોડી શકાય એ વાતને આજનું વિજ્ઞાન હજી નથી માનતું અથવા એમ કહો કે હજી ત્યાં સુધી નથી પહોંચ્યું, પરંતુ અત્યારે એક મનુષ્યના હૃદય, લીવર કે કિડનીના બીજા મનુષ્યમાં પ્રત્યારોપણ કરવા હકીકત બની ગયા છે. કોઈ પ્રાણીના મસ્તક મનુષ્ય શરીર સાથે જોડી શકાય કે નહીં એ આજના વિજ્ઞાને હજી નથી સ્વીકાર્યું પરંતુ ભારતીય પુરાણોમાં આવાં ઘણાં પાત્રો વણી લેવામાં આવ્યાં છે. જેમ કે નરસિંહ (સિંહનું મુખ ), ગોકર્ણ (ગાયનું મુખ), હનુમાન (વાનર મુખ ), જાંબુવંત (રીંછનું મુખ) વગેરે વગેરે.
હજારો વર્ષ પૂર્વે લખાયેલા પુરાણોનાં આ પાત્રો કદાચ કાલ્પનિક હોય તો પણ હકીકત એ છે કે આવી કલ્પનાના પણ `શ્રીગણેશ' તો ભારતમાં જ થયા હતા.
હવે માનવ સર્જરીની હકીકતની વાત કરીએ તો એના શ્રીગણેશ પણ ભારતમાં જ થયા હતા.
ભારતમાં આશરે 2600 વર્ષ પહેલાં જન્મેલા સુશ્રુત ઋષિ માત્ર અહીં જ નહીં વિશ્વભરમાં સર્જરીના પિતામહ તરીકે ખ્યાતિ પામ્યા છે.
સુશ્રુત પ્રાચીન કાળના ભારતના પ્રથમ શલ્ય ચિકિત્સક(સર્જ્યન) હતાં.
તેમણે સર્જરીનું પ્રથમ જ્ઞાન આપતો જે પ્રમાણભૂત ગ્રંથ રચ્યો એ `સુશ્રુત-સંહિતા' નામનો આ ગ્રંથ ભારતના આયુર્વેદ પ્રણાલીની ઉચ્ચતમ કૃતિ છે. તેની રચના ઈ. પૂ. છઠ્ઠી સદીમાં થયાનું માનવામાં આવે છે. ત્યાર બાદ લગભગ 200 વર્ષ પછી રસાચાર્ય નાગાર્જુન વૈદ્યે તેનું સંપાદન કરીને તેને નવા સ્વરૂપે રજૂ કરેલી.
આયુર્વેદ ચિકિત્સાનાં આઠ અંગોમાં શલ્યચિકિત્સાને સુશ્રુતે મહત્ત્વનું સ્થાન આપીને અન્ય સાતેય અંગોનું સંક્ષેપમાં વર્ણન કરીને આખી સંહિતા આપી છે. સુશ્રુતના સમય પહેલાં વિશ્વના અન્ય દેશોમાં ભારત જેવું શલ્યચિકિત્સાનું જ્ઞાન વિકસ્યું ન હતું.
એ સમયે યુદ્ધમાં યોદ્ધાઓના અંગો કપાઈ જતાં કે ઘાયલ થતાં, તનમાં તીર કે ભાલાં જેવાં શસ્ત્રો ઘૂસી જતાં; ત્યારે તેમની ચિકિત્સા શલ્યચિકિત્સકો સારી રીતે કરતા. તે સમયે વિશ્વમાં ભારતનું આયુર્વેદ-વિજ્ઞાન
તબીબી ક્ષેત્રે પ્રથમ કક્ષાનું હોઈ, ભારતની તક્ષશિલા તથા નાલંદા વિશ્વવિદ્યાલયોમાં આયુર્વેદ અને શલ્યતંત્રનું જ્ઞાન લેવા વિદેશીઓ પણ ભારત આવતા હતા.
સુશ્રુત સંહિતામાં ઓપરેશનમાં વપરાતાં લગભગ સો જેટલાં ઓજારોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. શબ વિચ્છેદનની રીત, વિવિધ પાટા તથા ટાંકા લેવાની પદ્ધતિઓ વગેરેનું માર્ગદર્શન પણ આ ગ્રંથમાં છે.
આજના ઍલોપથી વિજ્ઞાને પ્લાસ્ટિક સર્જરીમાં ખૂબ સારી નામના મેળવી છે; પરંતુ આ વિશિષ્ટ જ્ઞાનના આદિગુ સુશ્રુત હતા. તેમની સંહિતામાં નાક, કાન અને હોઠની પ્લાસ્ટિક સર્જ્યરીનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ વિશેષ પ્રકારનું જ્ઞાન `કિતાબે સુશરૂત' નામના અરબી ભાષામાં થયેલા તેના અનુવાદથી આરબો દ્વારા યુરોપમાં ગયું અને પછી યુરોપિયનોએ તેનો પૂરો વિકાસ કરીને આજનું આધુનિક સ્વરૂપ આપ્યું છે.
આજે ભારતની મુખ્ય તમામ ભાષાઓ ઉપરાંત અંગ્રેજી, જર્મન તથા રશિયન ભાષામાં પણ `સુશ્રુત-સંહિતા' નો અનુવાદ થયો છે.
આજે પણ યુરોપ, અમેરિકા સહિતના દુનિયાના અનેક સર્જ્યનો સુશ્રુતને આદિગુરુ તરીકે બિરદાવે છે. એટલું જ નહીં તેમના પૂતળાં ભારત સહિત દુનિયાની અનેક પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાઓમાં ગર્વભેર સ્થાપિત કરવામાં આવ્યાં છે.
તાજેતરમાં જ રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ એડિનબર્ગ, સ્કોટલેન્ડ/યુકેના પરિસરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
આ ઉપરાંત ઓસ્ટે્રલિયાની રોયલ ઓસ્ટે્રલેશિયન કોલેજ ઓફ સર્જયન્સના પ્રવેશદ્વાર પર પણ આરસપહાણની પ્રતિમા મૂકવામાં આવી છે. જેની નીચે તેમને સત્તાવાર રીતે `ફાધર ઓફ સર્જરી' તરીકે બિરદાવવામાં આવ્યા છે.
Ganpati Special : हृता-सारंगच्या खास गणेशोत्सवात रंगली मजेशीर स्पर्धा; आठवणींना उजाळा!#हृता_दुर्गुळे #सारंग_साठ्ये #आलीमोठीशहाणी #गणेशोत्सव #गणेशचतुर्थी #गणपतीबाप्पा #मराठीचित्रपट #मराठीसिनेमा #CandidGappa #GanpatiSpecial #HrutaDurgule #SarangSathaye #AaliMothiShahani pic.twitter.com/KLtlZ1ROpL
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) September 11, 2026
ભારતમાં પણ કેરળ ખાતે આવેલી અમૃતા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં તેમની ખૂબ જ સુંદર મૂર્તિ છે જેમાં તેઓ સુખાસનમાં બેઠેલા જોવા મળે છે અને પ્રાચીન કાળમાં જે રીતે શસ્ત્રક્રિયા થતી હતી, તે આખું દૃશ્ય કંડારવામાં આવ્યું છે.
દુબઈના મ્યુઝિયમમાં પણ તેમની અર્ધપ્રતિમા પ્રદર્શનમાં મૂકવામાં આવી છે જે આરબ દેશોમાં ભારતના તબીબી વારસાની ઓળખ કરાવે છે. આ સિવાય ભારતમાં વારાણસી (જ્યાં તેમણે સુશ્રુત સંહિતા લખી હતી), હરિદ્વાર પતંજલિ યોગપીઠ અને ઉત્તરાખંડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં પણ તેમના પૂતળા મૂકવામાં આવેલ છે.
ભારતની પ્રાચીન વિદ્યાઓ પરદેશ ગઈ અને ત્યાંથી નવા રંગરૂપ સાથે ફરી પાછી આવી તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.