ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ
શ્વેતા જોષી-અંતાણી
ભૂમિ સ્કૂલમાં હંમેશાં એક જ યુનિફોર્મ પહેરીને આવતી. છઠ્ઠા ધોરણથી લઈને દસમા સુધી એની પાસે બ્લ્યુ રંગની એક જ સ્કૂલ બેગ હતી, જે ધીમે-ધીમે રંગ ઊડી જવાથી ભૂખરી થઈ ગયેલી. એ બેગ બીજા છોકરાઓ માફક માલસામાનથી લદોલદ ના હોતાં ખપ પૂરતાં પુસ્તકો અને એક લંચબોક્સને સમાવી જાણતું. નાસ્તામાંય તે વળી એક જ પ્રકારના માત્ર મીઠું-મરચું છાંટેલા ત્રણ નાના પરાઠાં સિવાય કંઈ નહીં.
સહુ પોતાની બેગમાં ફ્રૂટ્સથી માંડી નિતનવી વાનગીઓથી ભરેલા મોંઘા ઈન્સ્યુલેટેડ ટિફિન લઈ આવતાં, ત્યારે ભૂમિ પોતાનો ડબ્બો તડકામાં રાખી દેતી. બપોરે રિસેસ સમય સુધી એના પરાઠાં ગરમ રહે એ માટે. અને એ પરાઠાંનો આસ્વાદ પોતે એકલી બેસીને માણતી. ક્લાસમાં સહુને ખૂબ નવાઈ લાગતી. અંદરોઅંદર બધાં ગોસિપ પણ કરતાં કે, ભૂમિ કેમ કોઈ સાથે નાસ્તો કરવા નથી બેસતી. બે-ચાર અળવીતરાં છોકરાઓ એને હેરાન કરવાં એનો ડબ્બો ઉઠાવી ભાગી જતાં.
અમુક વખત એમાં રહેલા પરાઠાં ખાલી થઈને આવતાં. ભૂમિ કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર ચૂપચાપ બેગમાં ડબ્બો મૂકી ચાલી જતી. શરૂઆતમાં એ ફરિયાદ કરતી, પણ બિચારીને કોઈ સાંભળતું નહીં. કાળઝાળ ગરમી હોય કે વરસતો વરસાદ કે પછી હાડ થીજાવતી ઠંડી. એ હંમેશાં ચાલીને સ્કૂલે આવતી. એ ના કોઈ સાથે બહુ વાત કરતી, ના કોઈને કંઈ પૂછતી, ના કોઈને કંઈ કહેતી. બસ,પરિણામ આવે ત્યારે એ ખૂબ સારા માર્કસે પાસ થતી એટલે બળતાંમાં ઘી હોમાતું. આમ પણ એ ક્લાસમાં સહુથી અલગ હતી. અને ભણવામાં બધાંને ધોબીપછાડ આપતી એ જોઈ સહુ કોઈ બળી મરતાં.
આમ, વર્ષોથી સાથે ભણતાં એટલે બધાં એકબીજાથી ટેવાય ગયેલા તો પણ ભૂમિ થોડી અળગી રહેતી. શા માટે એનો જવાબ સહુને સમય જતાં મળી ગયો. હકીકતમાં ભૂમિએ આવી મોંઘી સ્કૂલમાં આર.ટી.આઈ. એટલે કે, `રાઈટ ટુ એજ્યુકેશન' હેઠળ એડમિશન લીધેલું. એના પિતા રીક્ષા ચલાવતાં. મા પણ અન્યોને ત્યાં ઘરકામ કરતી.
નાના ભાઈઓ ભૂમિ જેટલાં ભણવામાં હોશિયાર નહોતા. સાથોસાથ એમને ભણવાની ધગશ પણ ઓછી એટલે એમણે સરકારી સ્કૂલનો સહારો લીધેલો, પણ ભૂમિ અલગ હતી. ખૂબ હોશિયાર, મહેનતુ, મા-બાપના સંઘર્ષને સમજનારી અને એક દિવસ પોતે પણ અન્યોની માફક ગરમ ટિફિનમાં અવનવી વાનગી લઈ આવશે એવા સપનાં સેવનારી લાગણીશીલ છોકરી.
દસમું ધોરણ પૂરું થયું અને બધા મિત્રો અલગ અલગ ફિલ્ડ તરફ વળી ગયા. ભૂમિ પણ આગળ ભણવા માગતી હતી, પરંતુ ઘરનું ભારણ હવે વધતું ગયું. પિતાની કમાણી અનિશ્ચિત, માતાના હાથમાં કામ ઘણું પણ પગાર ઓછો. નાના ભાઈઓની ફી, ઘરનું ભાડું, ઘરખર્ચ. તેમ છતાં એણે મનોમન નક્કી કર્યું, હું અટકવાની નથી.
સાયન્સમાં ભણવાની ફી વધારે હતી, છતાં એણે સ્કોલરશિપ માટે અરજી કરી. રાત્રે સહુ ઊંઘી જાય પછી એ નાના બલ્બના પીળાં પ્રકાશ નીચે બેસીને ભણતી. ઘણી વાર પેટમાં ભૂખ હોય, પણ મનની આગ વધુ તીવ્ર હતી. મીઠું-મરચું છાંટેલા ત્રણ પરાઠાં હવે એને ગરીબીનું પ્રતીક નહોતા લાગતાં. એ એને યાદ અપાવતા કે, એનું લક્ષ્ય શું છે.
સપનાં જોવાની ઉંમરે, એણે સપનાં સાચાં કરવાં તરફ ડગ માંડ્યા. ભૂમિને સ્કોલરશિપ મળી ગઈ. એ દિવસ એના ઘરે ઉત્સવ જેવો માહોલ બન્યો. સ્કૂલમાં એની ઉંમરની તરુણીઓ મોજમજા કરતી ત્યારે ભૂમિ જીવનમાં એ મજાનો આસ્વાદ લાવવા મહેનતની મજૂરીએ ચડી. સમય વીતતો ગયો, કોલેજમાં પણ એની આસપાસ લોકો બ્રાન્ડેડ કપડાં અને મોંઘા ગેજેટ સાથે આવતાં. ભૂમિ પાસે હજુ પણ એ સાદગી હતી, પરંતુ હવે એ ટીનએજના અંતિમ તબક્કામાં હતી. એનામાં પોતાની ગરીબીના છૂપાવવાની વૃતિ ઓછી થયેલી.
એક પ્રેઝન્ટેશન દરમિયાન એણે ખુલ્લેઆમ કહ્યું કે, એ `આર.ટી.ઈ.' હેઠળ ભણી છે. અને લંચબોક્સમાં વર્ષોથી માત્ર પરાંઠાં જ લાવે છે. ક્લાસ શાંત થઈ ગયો. જે લોકો ક્યારેક એના પર હસતાં તે બધા ભૂમિની જર્નીથી રીતસર ઈન્સપાયર થયાં હોય એમ એને તાકી રહ્યાં. અંતે ભૂમિએ મહેનતથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી. એનું ધ્યેય હતું શિક્ષિકા બનવાનું, કારણ કે એને ખબર હતી કે ગરીબ ઘરની દીકરી માટે શિક્ષણ કેટલું જરૂરી છે.
વર્ષો પછી, જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે શહેરની એક સારી સ્કૂલમાં ભૂમિએ ડગ માંડ્યા. ક્લાસમાં જઈ એણે બાળકોને પૂછ્યું, `આજે તમારા ટિફિનમાં શું છે?' બાળકો ઉત્સાહથી બતાવવા લાગ્યા. ત્યારે એક નાની છોકરી ડબ્બો સંતાડતી બેસી રહી. ભૂમિ શાંતિથી એની પાસે ગઈ અને પોતાના ટિફિનમાંથી એક પરાઠું કાઢી બોલી, `મારી સાથે ખાઈશ?' એ ક્ષણે એને પોતાના બાળપણની ભૂખ, એકલતા અને મૌન યાદ આવ્યા, પરંતુ આજે પરિસ્થિતિ અલગ હતી. આજે એ કોઈ ગરીબડી, બિચારી છોકરી નહોતી. એ `ડીઈઓ' હતી. એ ક્ષણે સપના પૂર્ણ થયાના સંતોષનો આનંદ એવો હતો કે જેની ભરપાઈ ક્યારેય ના થઈ શકે.
આજે પણ જ્યારે કોઈ આ `ડિસ્ટ્રિક ઍજ્યુકેશન ઓફિસર' ભૂમિને એમ પૂછે કે, `મેમ, તમારી સફળતાનું રહસ્ય શું છે?' ત્યારે ભૂમિ હસીને જવાબ આપે છે કે `ત્રણ નાના પરાંઠાં અને એક મોટું સ્વપ્ન...!'