Thu Apr 23 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: કથા એક તરુણ હૅકરની...

2026-04-23 08:52:00
Author: Shweta Joshi Antani
Article Image

 

 

 

-  શ્ર્વેતા જોષી અંતાણી 

 

મધરાતે બે વાગ્યા છે. લોકો ઘરોમાં ઘસઘસાટ ઊંધી રહ્યાં છે. ત્યારે ટચૂકડાં એવાં ફિનલેન્ડ દેશના એક નાનકડાં રૂમમાં કમ્પ્યુટર સ્ક્રીનની બ્લુ લાઈટ પંદરેક વર્ષના છોકરાના ચહેરા પર ચમકી ઊઠી, જે એના કી-બોર્ડ વડે અમુક બટન્સ દબાવી દુનિયાના સૌથી તાકતવર ગણાંતા લોકોની ઊંઘ હરામ કરવાની તૈયારી કરી રહ્યો હતો.

 

આ છોકરો એટલે જૂલિયસ ક્વિમ્કી. એ ઈન્ટરનેટના સૌથી ખતરનાક અને નિર્દયી હેકર તરીકે જાણીતો બનેલો. એક એવું નામ, જેણે પોતાની ટીનએજમાં ડિજિટલ દુનિયાને ઘમરોળી નાખી. એણે  એવો હાહાકાર મચાવ્યો જેની કલ્પનાં મોટી-મોટી સુરક્ષા એજન્સીઓએ પણ નહોતી કરી.

 

જે ઉંમરે બાળકો સ્કૂલ હોમવર્ક કે પછી વીડિયો ગેમ્સમાં ગોથે ચડેલા હોય, એ સમયે જૂલિયસ દુનિયાની દિગ્ગજ ટેક્નોલોજીકલ કંપનીઓ તેમજ અરબપતિઓના અભેદ્ય મનાતા સાયબર કિલ્લાઓમાં બાકોરા પાડી રહ્યો હતો. એનું મગજ શતરંજના ખેલાડી જેવું હતું. તેના માટે ઈન્ટરનેટ કોઈ સેવા નહીં, પરંતુ રમતનું મેદાન હતું અને દુનિયા આખીમાં ફેલાયેલા એના પ્યાદાં. નાનપણથી જ એને માણસ કરતાં મશીનની ભાષા વધુ સમજમાં આવતી. ટીનએજ આવતાં એને કોડિંગની તાકાત સમજાય ગયેલી. જૂલિયસે નવું નામ ધારણ કર્યું. એ હવે ‘જીકીલ’ બની નીકળી પડ્યો વર્ચ્યુઅલ દુનિયામાં પોતાનો સિક્કો જમાવવા. એનું સૌથી મોટું હથિયાર હતું નીડરતા.એને પકડાય જવાનો ડર નહોતો. એને લાગતું કે પોતે એક એવી અદ્રશ્ય તાકત ધરાવે છે, જેને અડકવાની કોઈની ત્રેવડ નથી. આ પ્રકારની લાક્ષણિકતા દરેક ટીનએજર્સ ધરાવતાં હોય છે. માત્ર એની તીવ્રતા વધતી-ઓછી હોય. જૂલિયસના કિસ્સામાં એ ચરમ પર હતી.

 

જૂલિયસ ખૂબ હોશિયાર હતો. કોઈ જ નિશાન છોડ્યા વગર એ દુનિયાના કોઈ પણ સર્વરમાં ઘૂસી જતો. ત્યાંથી બધાં ડેટા ચોરી ગાયબ થઈ જતો. એને અરાજકતા ફેલાવવી પસંદ હતી. લોકોને પરેશાન કરવામાં, મોટી-મોટી કંપનીઓને ઘૂંટણીયે લાવી દેવામાં એને અજબ આનંદ આવતો. એણે અનેકનાં નેટવર્ક ઠપ્પ કર્યાં, એરલાઈન્સને ધમકીઓ આપી, મનોચિકિત્સા કેન્દ્રના ડાટા ચોરી લોકોને બ્લેકમેલ કર્યા. આ બધું જ એ માત્ર પોતાના ઘરના એક આરામદાયક સોફા પર બેસીને કરી રહ્યો હતો. જૂલિયસે એ સાબિત કરી દીધેલું કે આ ડિજિટલ યુગમાં કોઈ જ સુરક્ષિત નથી. એ પછી દુનિયાનો સૌથી મોટો ધનવાન વ્યક્તિ હોય, કોઈ સામાન્ય કલાર્ક  કે પછી માનસિક રીતે બીમાર દર્દી.

 

જોવાની ખૂબી એ છે કે જૂલિયસે પોતાની હરકતોને છુપાવવાની કોશિશ નહોતી કરી. એ સોશ્યલ મીડિયા પર પોતાની જીતનો ઢંઢેરો પીટતો, કાયદા અને સુરક્ષાની મજાક ઉડાવતો. એનું માનવું હતું કે,પોલીસ એને ક્યારેય પકડી નહીં શકે. એને પોતાની આવડત કોઈ મહાન ઉપલબ્ધિ હોય એમ લાગતું. એનામાં એક અહંકાર હતો, પરપીડન વૃત્તિ હતી. એણે અનેક સુરક્ષા એજન્સીઓને મ્હાત આપી ચારેકોર એવો ફેલાવો કરેલો કે ડિજિટલ જંગલનો સાચો રાજા પોતે જ છે. ટીનએજ આમ પણ આવા અનેક વહેમોને મગજમાં સ્થાન આપી દેતી હોય છે. અને અહીં તો એનો સંગમ થયો હતો અપ્રતિમ સાહસ અને બુદ્ધિપ્રતિભા સાથે.

 

 એની વાર્તામાં કાળો અધ્યાય ત્યારે જોડાયો જ્યારે ફિનલેન્ડના સૌથી મોટા મનોચિકિત્સા કેન્દ્રના ડેટાબેઝ પર એણે નિશાન સાધ્યું. ત્યારે સાબિત થઈ ગયું કે એ માત્ર શરારતી તરુણ નહોતો, પરંતુ એક એવો અપરાધી હતો જેની અંદર સંવેદના નામની કોઈ ચીજ બચી નહોતી. પ્રતિભા હોવી એ સારી બાબત છે, પણ આ પ્રતિભાને સાચી દિશા મળવી વધારે જરૂરી હોય છે. જૂલિયસ પાસે તેજ દિમાગ અને તકનીકી સમજ લાજવાબ હતાં, પરંતુ નૈતિકતાના અભાવે ઇતિહાસના પાનામાં એ નાયકને બદલે ખલનાયક સ્વરૂપે ચીતરાય ગયો.

 

આ ટીનેજ હેકરની વાત અહીં એટલા માટે કરી કે જુલિયસ ક્વિમ્કીની જિંદગી આપણને વિચારવા મજબૂર કરે છે કે કઈ રીતે એક અસાધારણ પ્રતિભા સાચા માર્ગદર્શનના અભાવમાં વિનાશનું કારણ બની શકે. જો એણે પોતાની ક્ષમતાને સાચી દિશા આપી હોત તો આજે દશા કંઈક અલગ હોત.

 

અંતે જૂલિયસ પકડાયો, પરંતુ આજે પણ જ્યારે સાયબર સુરક્ષાની વાત આવે ત્યારે જુલિયસના નામની એક ડરામણી યાદ તરી ઊઠે છે. એક એવો ટીનએજર છોકરો જેણે પોતાની જુવાની જેલના સળિયાં પાછળ વિતાવી. માત્ર એટલા માટે કે એને પોતાની તાકાતનો નશો ચડી ગયેલો. એણે એલન મસ્ક જેવાં  નામો સાથે પોતાનું નામ જોડવાની કોશિશ કરી, પરંતુ અંતમાં એક અપરાધી બનીને રહી ગયો, કારણકે એને ખ્યાલ નહોતો કે, સાચી સફળતા દુનિયાને ડરાવવાથી નહીં, મદદ કરવાથી મળે છે. જુલિયસે દુનિયાને પોતાની આંગળીઓ પર નચાવવાની કોશિશ કરી, પરંતુ અંતે કાનૂનની સાંકળમાં જકડાય ગયો.

 

આ એક એવી વાર્તા છે જે દરેક યુવાને જોવી અને સમજવી જોઈએ. શોર્ટકટ અને અપરાધનો રસ્તો ક્યારેય ધ્યેય સુધી નથી પહોંચાડી શકતો. ઊલ્ટું તમારી આઝાદી, પ્રતિષ્ઠા અને સોનેરી ભવિષ્ય પર કાળી ટીલી  લગાવતો જાય છે. જૂલિયસ ક્વિમ્કીની વાર્તા હેકિંગની સાથોસાથ અહંકાર અને બૌદ્ધિક ક્ષમતાના ભયાનક મિશ્રણની કથની છે,  જે તરુણોને એવો જૂઠ્ઠો અહેસાસ કરાવતી રહે કે પોતે કાનૂન અને નૈતિકતાથી પર છે.