Tue Aug 18 2026

Logo

આ ભારતીય ક્રિકેટરને રવિવારે મળશે વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર

2026-03-12 16:31:04
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપના દોઢ મહિનાના માહોલમાં ઘણા લોકોના મનમાંથી શુભમન ગિલ (Shubhman Gill) થોડો ભુલાઈ ગયો હશે, પણ રવિવાર 15મી માર્ચે ફરી ચર્ચામાં આવી જશે, કારણકે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) તરફથી તેને `ક્રિકેટર ઑફ ધ યર'નો પુરસ્કાર-વિજેતા જાહેર કરવામાં આવશે એ લગભગ નકકી છે.

26 વર્ષના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન ગિલે 2025ની સાલમાં ટેસ્ટ ક્રિકેટમાં કુલ 983 રન કર્યા હતા જેમાંના 754 રન ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં તેણે 70.00ની સરેરાશે બનાવ્યા હતા.

2025ની સાલમાં તેણે વન-ડે ફૉર્મેટમાં કુલ 490 રન કર્યા હતા જેમાંના 188 રન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં બન્યા હતા. ભારત એ ટૂર્નામેન્ટ રોહિત શર્માના સુકાનમાં જીત્યું હતું.

શુભમન ગિલે એકંદરે કુલ 1,764 રન 49.00ની સરેરાશે કર્યા હતા જેમાં સાત સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરી સામેલ હતી. ગિલ ટી-20 ઇન્ટરનૅશનલમાં ખાસ કંઈ ચમક્યો નથી, પરંતુ 2025ની આઇપીએલમાં તેણે ગુજરાત ટાઇટન્સ વતી 50.00ની સરેરાશે 650 રન કર્યા હતા.

ભૂતપૂર્વ હેડ-કોચ રાહુલ દ્રવિડને રવિવારના સમારોહમાં કર્નલ સી. કે. નાયુડુ લાઇફટાઇમ અચિવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરાશે. તેના કોચિંગમાં ભારત 2024માં ટી-20નો વિશ્વ કપ જીત્યું હતું.

મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ને ડોમેસ્ટિક ક્રિકેટના સર્વશ્રેષ્ઠ અસોસિયેશન તરીકે જાહેર કરવામાં આવશે એવું પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું.