રાજકોટઃ શહેર-જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાઈ રહ્યો છે. જિલ્લાના અતિ ધમધમતા ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. શાપર ગામમાં તસ્કરોએ એક વૃદ્ધને બંધક બનાવીને કરોડો રૂપિયાની લૂંટ ચલાવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, ગત રાત્રે આશરે 12.30 વાગ્યાના સમયે 5 થી 7 જેટલા અજાણ્યા શખ્સો મોઢા પર બુકાની બાંધીને શાપર ગામમાં આવેલા જયવીરસિંહ જાડેજાના ઘર પર ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ ઘરમાં ઘૂસીને ત્યાં હાજર વૃદ્ધને બંધક બનાવી લીધા હતા, જેથી તેઓ બૂમાબૂમ કે પ્રતિકાર ન કરી શકે.
વૃદ્ધને લાચાર બનાવીને તસ્કરોએ ઘરમાં રાખેલી તિજોરીઓ અને કબાટ ફંફોળ્યા હતા. તસ્કરો ઘરમાંથી અંદાજે રૂ. 2.47 કરોડની માતબર રોકડ રકમ, 7 તોલા સોનું તેમજ ચાંદીના દાગીના અને અન્ય કિંમતી સામાન સહિત કુલ 2.60 કરોડથી વધુની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
આટલી મોટી લૂંટની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને રાજકોટ ગ્રામ્ય એસપી, ગોંડલ ડીવાયએસપી અને ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો રાત્રે જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
રેકી કે કોઈ અજાણ્યા ભેદુનો હાથ?
શાપર જેવા ચોવીસ કલાક ચાલુ રહેતા ઔદ્યોગિક વિસ્તારમાં આટલી મોટી રકમની લૂંટ થતાં અનેક સવાલો ઊભા થયા છે. તસ્કરોને ઘરમાં આટલી મોટી રોકડ રકમ હોવાની માહિતી ક્યાંથી મળી? શું લૂંટારૂઓએ અગાઉ ઘરની રેકી કરી હતી કે પછી કોઈ નજીકના ભેદુએ જ આ આખી ટીપ આપી હતી? તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.
હાલમાં પોલીસ દ્વારા ઘટનાસ્થળ અને આજુબાજુના તમામ સીસીટીવીફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ફોરેન્સિક એક્સપર્ટ અને ટેકનિકલ ટીમની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજકોટ જિલ્લાને ધ્રુજાવી દેનારી આ લૂંટનો ભેદ ઉકેલવો હવે પોલીસ માટે પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે.
રેન્જ IG નિર્લિપ્ત રાયનું નિવેદન
રાજકોટમાં રાત્રિના સમયે બનેલી ધાડની ઘટનાને લઈને રેન્જ આઈજી નિર્લિપ્ત રાયએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં FSL, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. ઉપરાંત, આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. રેન્જ આઈજીએ જણાવ્યું કે આરોપીઓને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત છે અને તમામ ટેકનિકલ તેમજ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.