મુંબઈ: ગોરેગામના સિનિયર સિટીઝનને આંતકવાદ સંબંધી તપાસમાં ધરપકડની ચીમકી આપી સાયબર ઠગ ટોળકીએ 2.25 કરોડ રૂપિયા પડાવ્યાના કેસમાં પોલીસે ગુજરાતના યુવાનની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ કિશન ભાવેશભાઈ મકવાણા તરીકે થઈ હતી. મકવાણાએ બૅન્ક ખાતાં ખોલાવીને સાયબર ઠગ ટોળકીને પૂરાં પાડ્યાં હતાં. આ જ બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ ફરિયાદીને પડાઈ હતી, એમ સાયબર પોલીસે જણાવ્યું હતું.
આ પ્રકરણે ગોરેગામમાં રહેતા 77 વર્ષના સિનિયર સિટીઝને નૉર્થ રિજન સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન ટેક્નિકલ એનાલિસીસને આધારે મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર ગયા વર્ષના નવેમ્બરમાં સાયબર ઠગે ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો.
આતંકવાદીઓ માટે ફરિયાદીએ જમ્મુ-કાશ્મીરમાં બૅન્ક ખાતું ખોલાવ્યું હતું તેમાં કમિશન પેટે 70 લાખ રૂપિયા મળ્યા હોવાનું જુઠ્ઠાણું આરોપીએ ચલાવ્યું હતું. આરોપીએ પોતાની ઓળખ મુંબઈ પોલીસ મુખ્યાલયના વરિષ્ઠ અધિકારી આકાશ શર્મા તરીકે આપી હતી. શર્માએ ફરિયાદીને પૂછપરછ માટે હાજર રહેવાનું કહ્યું હતું. ફરિયાદીએ પૂછપરછ માટે હાજર રહેવાની અક્ષમતા દર્શાવતાં કૉલ લખનઊ એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં બૅન્ક ખાતું ખોલાવવા માટે ફરિયાદીના આધાર કાર્ડનો ઉપયોગ થયો હતો. આ ખાતામાં આતંકવાદીઓ માટે ભંડોળ ટ્રાન્સફર કરાયું હતું, જેમાંથી 70 લાખ રૂપિયાનું કમિશન ફરિયાદીને મળ્યું હોવાનો દાવો આરોપીએ કર્યો હતો.
બાદમાં એનઆઈએ ચીફ સદાનંદ દાતેની સાઈનવાળો નોટિસનો લેટર ફરિયાદીના વૉટ્સઍપ પર મોકલવામાં આવ્યો હતો. સહકાર ન આપે તો 10 વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાના દંડની ધમકી ફરિયાદીને આપવામાં આવી હતી. બનાવટી ધરપકડ વૉરન્ટ અને જપ્તિના આદેશની નકલ પણ ફરિયાદીને મોકલવામાં આવી હતી.
ફરિયાદીને ડરાવ્યા પછી કેસમાંથી તેમનું નામ કાઢી નાખવા માટે આરોપીએ નાણાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. ધરપકડના ડરે વિવિધ ટ્રાન્ઝેક્શન મારફત ફરિયાદીએ 18 નવેમ્બરથી 3 ડિસેમ્બર, 2025 દરમિયાન 2.25 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. નાણાં પ્રાપ્ત થયા પછી આરોપીએ ફરિયાદીના જામીન મંજૂર થયા હોવાથી તેમની ધરપકડ નહીં થાય એની ખાતરી આપી હતી.
પોતે છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ નૉર્થ રિજન પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ ગુનામાં મકવાણાની ભૂમિકા સામે આવતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ ધરપકડ કરાયેલા મકવાણાને મુંબઈ લાવવામાં આવ્યો હતો.