Fri Sep 04 2026

Logo

પુણેમાં આગામી 14 દિવસ માટે લાગુ પડશે કલમ 144, જાણી લો આ કારણ

2026-05-25 21:08:53
Author: Mumbai Samachar Team
પુણેમાં આગામી 14 દિવસ માટે લાગુ પડશે કલમ 144, જાણી લો આ કારણ

પુણે: પુણેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પુણે પોલીસ વહીવટીતંત્રે આગામી 14 દિવસ માટે જમાબંધી લાદવાનો નિર્ણય લીધો છે. આ આદેશ મંગળવાર રાતથી અમલમાં આવશે અને આ સમયગાળા દરમિયાન પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને ઈંધણની અછતની પરિસ્થિતિ સામે દેશભરમાં વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન, મોરચા અને દેખાવો ચાલી રહ્યા છે. પુણે શહેરમાં પણ વિરોધ પ્રદર્શનોની સંખ્યામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખી પોલીસે આ નિર્ણય લીધો છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે, ટ્રાફિક ખોરવાય નહીં અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.

કલમ 144 ફોજદારી દંડ સંહિતા 1973 હેઠળ લાગુ કરવામાં આવી છે. જો કાયદો અને વ્યવસ્થા માટે ખતરો હોવાની શક્યતા હોય અથવા રમખાણો કે હિંસાની સંભાવના હોય ત્યારે વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધના હુકમ જારી થાય છે. 

આ આદેશ જાહેર સ્થળોએ પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકે છે. ખાસ પરિસ્થિતિમાં ચોક્કસ વિસ્તાર માટે અથવા વ્યક્તિ કે જૂથ માટે અલગ નોટિસ પણ જારી કરી શકાય છે.