Thu Jul 02 2026

Logo

સૌરાષ્ટ્રમાં મેઘમહેર: માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ, દામોદર કુંડમાં નવા નીર આવ્યા

2026-07-02 20:52:01
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
ગુજરાત મોડે મોડે પણ મેઘરાજાએ ધમાકેદાર રીતે રાજ્યમાં પ્રવેશ કર્યો છે, ત્યારે જુલાઇના બીજા દિવસે મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર તેનું હેત વરસાવ્યું હતું. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી સહિત વિવિધ જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 9.65 ઇંચ, કેશોદમાં 9.53 ઇંચ, માણાવદરમાં 8.39 ઇંચ અને માળિયા હાટિનામાં 7.05 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 7.2 ઇંચ, વેરાવળમાં 5.71 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જામનગરના જામજોધપુરમાં 6.22 ઇંચ અને પોરબંદરના કુતિયાણામાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો હતો.  

સમગ્ર સોરઠ પંથકમાં પડેલા વરસાદને લીધે ગીરનારની તળેટીમાં આવેલા ઐતિહાસિક અને પવિત્ર દામોદર કુંડમાં નવા નીરની આવક થતા શ્રદ્ધાળુઓમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી. ગીરનારનું વરસાદી પાણી સોનરખ નદી વાટે દામોદર કુંડમાં આવતા આ વિસ્તારની શોભામાં વધારો થયો છે. ચાતુર્માસના પવિત્ર માસમાં થયેલી આ જળવર્ષાથી ગીરનારની હરિયાળી પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. આ તરફ, કેશોદ અને માંગરોળ તાલુકામાં પણ ભારે વરસાદને લીધે જૂનાગઢ-કેશોદ-માંગરોળ સ્ટેટ હાઇવે પર એકથી દોઢ ફૂટ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. ગીર સોમનાથના સુત્રાપાડાના પશનાવડા, બાવાનીવાવ અને વાવડી સહિતના ગામોમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. જામનગરના કાલાવાડ પંથકના નિકાવા, ખરેડી અને ગુંદા સહિતના વિસ્તારોમાં પણ સતત બીજા દિવસે અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખરેડીની નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ભેંસાણ પંથકમાં પડેલા વરસાદને કારણે સ્થાનિક ગાલોળિયો નદીમાં પૂર આવતા દેવકી ગાલોળ પાસેનો હાઇવે ડાયવર્ઝન ધોવાઈ ગયો છે, જેનાથી રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો હતો.

રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીમાં પણ સતત બીજા દિવસે ભારે વરસાદ ખાબક્યો હતો. ઉપલેટા તાલુકાના સાતવડી ડેમની સપાટી 42 ફૂટે પહોંચી હતી, જે 52 ફૂટે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. તાલુકાના મોટી પાનેલી, હરિયાસણ, ચરેલીયા અને ઢાંક સહિતના ગામોમાં બપોરથી જ ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી તરફ, માલિયાસણ ખાતે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ઓવરબ્રિજ પર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા, જેનાથી ટ્રાફિક વ્યવહાર પર સીધી અસર જોવા મળી હતી.

હવામાનની આ સ્થિતિ વચ્ચે તંત્ર પણ સાબદું બન્યું છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાઇટાઇડ એલર્ટ જાહેર કરાયું હતું. દરિયામાં 8 થી 10 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળવાની શક્યતાને પગલે વાડીનારથી ઓખા અને સલાયા સુધીના દરિયાકાંઠાના લોકોને સતર્ક રહેવા અને દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે જનજીવન પ્રભાવિત થયું હોવા છતાં, જળાશયોમાં નવા નીરની આવકથી લોકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.