ઝુબૈદા વલિયાણી
એક વખત હું મારે ગામ ચીત્રાવડ, ગીર ગઈ હતી. વળતી વખતે વેરાવળથી મુંબઈ આવવા હું રેલવેમાં મુસાફરી કરતી હતી. વેકેશનનો સમય હતો અને ઉનાળાના દિવસો! મારી સામેની સીટ પર એક વૃદ્ધ માજી બેઠાં હતાં. એમના ખોળામાં માથું રાખીને એક તરુણી સૂતી હતી.
- રાતની મુસાફરી. એમાંય ઉનાળાનો તાપ.
- તરુણીને ઊંઘ આવતાં જ ડોશીના ખોળામાં માથું નાખીને સૂઈ ગઈ.
- ડોશીએ તેને હળવેથી પંખો નાખવા માંડ્યો અને બીજા હાથે તેનું માથું દાબવા માંડ્યું. તેમની મમતાએ મને પૂછવા પ્રેરી:
- ‘માજી આ કોણ છે?’
* ‘મારી દીકરી છે!’ વૃદ્ધાએ ટૂંકો જવાબ વાળ્યો.
- આ દૃશ્ય જોતાં જ મને વિચાર સ્ફૂર્યો કે
* આ દીકરી જ્યારે સાસરે જશે ત્યારે આ મમતામયી માના હૃદયમાં કેવો આઘાત થશે!
* આ ઘરડાં મા આવી પ્રેમાળ દીકરીનો વિયોગ શી રીતે સહન કરી શકશે?
- રાતના ત્રણેક વાગ્યા એટલે તરુણીએ જાગીને માના હાથમાંથી પંખો લઈ લેતાં કહ્યું:
* બા, હવે તમે સૂઈ જાવ. તમે તો જરાય આડે પડખે થયાં જ નથી. હવે આરામ કરો...!
- ‘વહુ! અમને ઘરડાંને આમેય ઊંઘ ઓછી હોય. તું તારે આરામ કર...!’
- વહુએ લાડભર્યા સ્વરમાં કહ્યું,
* ‘ના બા. હવે તમે સૂઈ જાઓ. ઊંઘ ન આવે તો કંઈ નહીં, જરા આડાં તો પડો...!’
- વહુએ આગ્રહ કરતાં કહ્યું અને વૃદ્ધાએ તરુણીના ખોળામાં માથું મૂક્યું.
* તરુણીએ પોતાની વૃદ્ધ સાસુનું માથું દબાવતાં પંખો નાખવા માંડ્યો.
- બંને વચ્ચેનો વાર્તાલાપ સાંભળીને હું ચમક્યો.
* આ મા-દીકરી નથી.
* આ તો સાસુ-વહુ છે.
* વાહ... વાહ... જે ઘરમાં સાસુ-વહુ વચ્ચે આવો નિર્મળ પ્રેમ હોય તે ઘરમાં જગતભરનું સુખ આવીને વસ્યું હશે!
- મારાથી રહેવાયું નહીં એટલે મેં પૂછયું:
* ‘મા તમે તો કહેતાં હતાં કે આ મારી દીકરી છે, પણ તમે તો એને વહુનું સંબોધન કરો છો!’
- જવાબમાં વૃદ્ધાએ હસતાં ચહેરે જે કહ્યું તે દરેક સાસુએ સ્મરણમાં રાખવા જેવું છે:
* ‘ભાઈ! દીકરી અને વહુ એ બેમાં મોટું અંતર શું છે એજ મને સમજાતું નથી...!
- ‘દીકરીને આપણે પાળી-પોષીને મોટી કરીએ છીએ અને ઉંમર લાયક થતાં તેને પારકે ઘરે વળાવી દઈએ છીએ. એ દીકરીના બદલામાં આપણે બીજાના ઘરમાંથી કોઈની દીકરી લાવીએ છીએ!’
- ‘હવે તો જ્યારે મારી દીકરી સાસરેથી આવે છે ત્યારે મારે ત્યાં મહેમાન બનીને આવે છે. પણ સદાય મારી સાથે આ મારી વહુ દીકરી જ રહે છે...!’
- ‘મને તો મારી વહુમાં જ મારી દીકરીનાં દર્શન થાય છે.
- ‘પહેલાં હું મારી દીકરીઓની સારસંભાળ લેતી હતી. હવે હું વહુની સંભાળ લઉં છું. એના સુખમાં મને મારું સુખ દેખાય છે. એને પ્રસન્ન જોઈને મારું મન મલકાઈ ઊઠે છે.
* ‘ચાર દિવસના ચાંદરણા જેવી આ જિંદગીમાં મારે શા માટે કોઈનું દિલ દુભવવું જોઈએ...?’
- વૃદ્ધાનો જવાબ સાંભળીને મને એમ થઈ ગયું કે,
* દરેક સાસુના દિલમાં આવી સમજણ પ્રગટે તો?
* ‘આંતરે દિવસે ઘરઘરમાં જે હોળી સળગે છે એને બદલે દિવાળીના દહાડા જેવો આનંદ થાય ને!’
- સાસુ સમતાવાન હતાં. * તેમના હૈયે પુત્રી અને વહુ વચ્ચે કોઈ અંતર ન હતું અને તેથી જ વહુમાં તેને પોતાની દીકરીનું દર્શન થયું...!
- થાકને લઈને વહુને તેમના ખોળામાં નીંદર આવી ગઈ ત્યારે તેમને પહેલાં પોતાની પુત્રી યાદ આવી ગઈ. * તેમને વિચાર આવ્યો કે મારી પુત્રી યાદ આવી ગઈ. * તેમને વિચાર આવ્યો કે મારી પુત્રી આ જગ્યાએ હોય તો હું શું કરત? * પોતાના આત્માએ જે જવાબ આપ્યો તે પ્રમાણે જ તેઓએ વહુ સાથે વ્યવહાર કર્યો અને પરિણામે વહુ તેમના માટે સગી દીકરી બની રહી.
- ‘લાડકી પૂર્તિ’ની વ્હાલી વાચક બહેન-દીકરીઓ!
* ગીતામાં ભગવાને કહેલો બોધ- ‘સમત્વં યોગ ઉચ્ચયતે.’
...સમતા એ પરમાત્માને પામવાનો માર્ગ છે.
- પરમાત્મા અર્થાત્ પરમ આનંદ-આ કથાનકના સંદર્ભમાં શત પ્રતિશત યથાર્થ લાગે છે.