મુંબઈ: સાંતાક્રુઝમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ આરોપીએ ચાકુથી હુમલો કરતાં સગીરનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો સાથી ગંભીર રીતે ઘવાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની રાતે સાંતાક્રુઝ પશ્ર્ચિમમાં જૂહુ કોલીવાડા ખાતે બરબા માઉલી બ્રિજ નજીક બની હતી. મૃતકની ઓળખ પ્રેમ ઓમપ્રકાશ હરિજન (16) તરીકે થઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર પ્રેમ તેના મિત્ર હર્ષ કમલાનંદ ઝા સાથે ઘટનાસ્થળે ઊભો હતો ત્યારે આરોપી ફૈઝાનની પ્રેમ સાથે બોલાચાલી થઈ હતી. બન્ને વચ્ચે ઉગ્ર દલીલો થતાં રોષમાં આવી આરોપીએ ચાકુથી હુમલો કર્યો હતો.
આ ઘટનામાં પ્રેમ અને હર્ષ ગંભીર રીતે ઘવાયા હતા.
બન્નેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે પ્રેમને મૃત જાહેર કર્યો હતો, જ્યારે હર્ષને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે સાંતાક્રુઝ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની હત્યા, હત્યાનો પ્રયાસ અને અન્ય સુસંગત કલમો તેમ જ આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)