- હેમુ ભીખુ
એમ જણાય છે કે ભગવદ્ ગીતામાં સમાધિસ્થ વ્યક્તિના લક્ષણમાં ‘અનાસક્તિ’ને વધુ મહત્ત્વ અપાયું છે. ‘દુ:ખમાં ઉદ્વેગ ન પામવો અને સુખમાં આસક્ત ન થવું’ તે તેનું લક્ષણ છે. માંડુક્ય ઉપનિષદમાં તુરીય અવસ્થાને સમાધિ તરીકે દર્શાવાઈ છે. અદ્વૈત સિદ્ધાંત પ્રમાણે સૃષ્ટિમાં પ્રવર્તમાન શાશ્વત ઐક્યની અનુભૂતિ એટલે સમાધિ. શિવ પરંપરામાં શિવ અને શક્તિના મિલન સ્વરૂપ ચૈતન્યાવસ્થા એટલે સમાધિ. એકંદરે એમ કહી શકાય કે સમાધિમાં અલિપ્તતા હોય, જાગૃતિ હોય, જ્ઞાન હોય, શાંતિ હોય, પરમ આનંદ હોય, આત્મ સાક્ષાત્કાર હોય, અલૌકિક પ્રકાશ હોય, પવિત્ર પારદર્શિતા હોય અને પૂર્ણતાની અનુભૂતિ હોય. યોગસૂત્ર મુજબ ‘યોગશ્ર્ચિત્તવૃત્તિ નિરોધ:’ અર્થાત્ ચિત્તની વૃત્તિઓનો નિરોધ એટલે યોગ, જે અંતે સમાધિ તરફ લઈ જાય. આ ચિત્તની એવી અવસ્થા હોય છે જેમાં મનની વૃત્તિઓ શાંત થઈ જાય અને દ્રષ્ટા પોતાનાં શાશ્વત સ્વરૂપમાં સ્થિર થાય.
પતંજલિ યોગસૂત્રનાં સમાધિ પાદમાં જણાવ્યાં મુજબ સમાધિના બે મુખ્ય પ્રકાર હોય છે; સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિ એ સમાધિનો પ્રાથમિક તબક્કો છે જ્યારે વિકસિત તબક્કામાં અસંપ્રજ્ઞાત સમાધિની સ્થિતિ પ્રાપ્ત થાય. સંપ્રજ્ઞાત સમાધિમાં ઇન્દ્રિયોનો આવેગ વીરમી જાય, મન શાંત થાય, બુદ્ધિ સ્થિરતાને પામે, કલેશ નાશ પામે, ચિત્તની વૃત્તિ શૂન્યવત થાય, એકાગ્રતા સાધી શકાય, વૈરાગ્યનો ભાવ દ્રઢ થાય અને આ બધાંથી અસંપ્રજ્ઞાત સમાધિની ભૂમિકા તૈયાર થાય. અસંપ્રજ્ઞાત સમાધિ એ પરમ જાગૃતિ, પરમ ચેતના, પરમ આંતરિકતા અને પરમ પ્રકાશની સ્થિતિ છે. એમ કહી શકાય છે સંપ્રજ્ઞાત સમાધિ સબીજ છે જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિ નિર્બીજ છે. સંપ્રજ્ઞાત સમાધિ એ પ્રારંભ છે જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિ એ અંતિમ મુકામ છે.
સંપ્રજ્ઞાત એટલે પ્રજ્ઞાને કારણે પ્રાપ્ત થતું બોધ. જ્યારે પ્રજ્ઞા જાગ્રત હોય ત્યારે નિર્વિકલ્પ સ્થિતિ મુશ્કેલ બની રહે. અહીં વિષયનો બોધ જાગ્રત રહે. એમ કહી શકાય કે અહીં ધ્યાન, ધ્યેય અને ધ્યાતાનો ભેદ પરખાય. અહંકાર અને સમાધિ પ્રાપ્ત કરવાની કામના હજુ પણ સૂક્ષ્મ અંશે બાકી રહે.
સંપ્રજ્ઞાત સમાધિને કોઈ સૂક્ષ્મ આધારની આવશ્યકતા રહે છે. અહીં ચિત્ત એક વિષય પર સ્થિર હોય અને તે વિશે સભાનતા પણ હોય. આ પ્રકારની સભાનતા સૂક્ષ્મ અવરોધ પણ બની રહે. યોગસૂત્રમાં ચિત્ત જે પ્રકારના વિષયોમાં સંલગ્ન થાય છે તેનાં વર્ગીકરણને આધારે સંપ્રજ્ઞાત સમાધિનાં ચાર ભેદ દર્શાવાયાં છે. વિતર્કાનુગત સમાધિ, વિચારાનુગત સમાધિ, આનંદાનુગત સમાધિ અને અસ્મિતાનુગત સમાધિ. વિતર્કાનુગત સમાધિમાં મૂર્તિ, મંત્ર, શ્વાસ, હૃદયનાં ધબકાર કે ઈશ્વરના કોઈ સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરાય છે. ધ્યાનના આ વિષયોમાં સ્થૂળ બાબતનો આધાર રહેતો હોય છે તેમ કહી શકાય. વિચારાનુગત સમાધિમાં આવો આધાર તન્માત્રા, પ્રાણ, શરીરનાં ચક્રો તથા વાયુ જેવી સૂક્ષ્મ બાબતો હોય છે. આનંદાનુગત સમાધિમાં અંત:કરણ અત્યંત શુદ્ધ ભાવથી થતાં આનંદ પર ધ્યાન કેન્દ્રિત રહે છે. એક રીતે આ બ્રહ્માનંદ નહીં પરંતુ સત્ત્વગુણની પરમ સ્થિતિથી અનુભવમાં આવેલો શુદ્ધ આનંદ હોય છે. અસ્મિતાનુગત સમાધિમાં ‘હું’નો અત્યંત સૂક્ષ્મ અહંભાવ હજુ જાગ્રત હોય છે. અહીં જ્ઞાન અને જ્ઞેય લુપ્ત થઈ જાય પરંતુ જ્ઞાતા હાજર હોય. વળી અહીં ‘હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું’ તેનાં પર ધ્યાન રહે. એક વિચારધારા પ્રમાણે વિતર્કાનુગત સમાધિને બે વિભાગમાં વર્ગીકૃત કરાય છે; સવિતર્ક વિષય જેમાં તર્કને આધારે સ્થૂળ બાબત ધ્યાનમાં રહે અને નિર્વિતર્ક વિષય જેમાં તર્ક વિના સ્થૂળ બાબત ધ્યાનમાં રહે. તેવી જ રીતે વિચારાનુગત સમાધિમાં સુવિચાર વિષય જેમાં વિચારને આધારે સૂક્ષ્મ તત્ત્વ ધ્યાનમાં રહે, નિર્વિચાર વિષય જેમાં વિચાર વિના સૂક્ષ્મ તત્ત્વ પર ધ્યાનની ચર્ચા થતી હોય છે. આ બંને પ્રકારનાં તર્ક, બંને પ્રકારનાં વિચાર, આનંદ અને અસ્મિતા સાથે પ્રાપ્ત થયેલી સમાધિને સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. કેટલાંક શાસ્ત્રમાં આને સવિકલ્પ સમાધિ પણ કહેવાય છે.
અસંપ્રજ્ઞાત સમાધિને સમાધિની અંતિમ અને સર્વોચ્ચ અવસ્થા ગણાય છે. અહીં નથી રહેતો કોઈ વિચાર કે વિષય, અહીં નથી હોતો જ્ઞાતા કે તે પ્રમાણેનો અહંકાર, અહીં નથી હોતી જે તે પ્રકારનાં સંધાનની ઈચ્છા કે સંધાનથી મુક્તિની ચાહના; આ એક પૂર્ણ ચૈતન્યના અસ્તિત્વ માત્રની સ્થિતિ છે. આ સમાધિને કેટલાક શાસ્ત્રમાં નિર્વિકલ્પ સમાધિ પણ કહેવામાં આવે છે. સરળતાથી સમજવા માટે આ પ્રકારની સમાધિને કૈવલ્ય, નિર્વાણ, મોક્ષ, તુરીયાતીત, બ્રહ્મ-સાક્ષાત્કાર, અપરોક્ષાનુભૂતિ, મુક્તિ અને બ્રહ્મસ્થ શબ્દો વડે વર્ણવાય છે. અહીં નથી રહેતું સ્થૂળ અસ્તિત્વનું ભાન કે નથી રહેતી સૂક્ષ્મ અસ્તિત્વની ઉપયોગિતા. કારણ સ્વરૂપની અનુભૂતિથી અહીં શુદ્ધ આંતરિક પ્રકાશ, અકલ્પનીય શાંતિ, પ્રત્યેક સાંસારીક બાબતથી અલિપ્તતા, અદભુત જ્ઞાન, સંપૂર્ણ પૂર્ણતા અને વાસ્તવિક નિર્લેપતા અનુભવમાં આવે છે. એમ કહી શકાય જ્યાં તમામ ચિત્તવૃત્તિઓ વિરામ પામે છે અને અસ્તિત્વનો માત્ર સૂક્ષ્માતિસૂક્ષ્મ અંશ શેષ રહે તે અસંપ્રજ્ઞાત સમાધિ. અહીં પ્રજ્ઞા એટલે કે બુદ્ધિની કોઈ આવશ્યકતા નથી હોતી. અસંપ્રજ્ઞાત સમાધિમાં જ્ઞાતા-જ્ઞાન-જ્ઞેયનો ભેદ નષ્ટ થતાં ચિત્ત સંપૂર્ણ નિવૃત્ત બને છે અને વ્યક્તિ પોતાનાં સ્વ-સ્વરૂપમાં સ્થિત થાય છે.
યોગસૂત્રમાં અસંપ્રજ્ઞાત સમાધિના બે પ્રકાર વર્ણવાયા છે; ભવપ્રત્યય સમાધિ અને ઉપાયપ્રત્યય સમાધિ. ભવપ્રત્યયમાં પૂર્વજન્મના સંસ્કારોને કારણે સમાધિની ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થતી હોય છે. ગીતામાં પણ જણાવાયું છે કે જો કોઈ યોગીનું તેની સાધના પૂર્ણ થાય તે પહેલા મૃત્યુ થાય તો, એક સંભાવના તરીકે, તેનો પછીનો જન્મ કોઈ સંસ્કારી આધ્યાત્મિક વૃત્તિવાળા કુટુંબમાં થાય; અને અહીં તેની આગળની સાધના-યાત્રા વધે અને સંપન્નતાને પામે. કહેવાય છે કે કેટલીક દિવ્ય શક્તિ ધરાવનાર વિદેહી-યોગી આ પ્રકારની સમાધિ સહજતાથી પ્રાપ્ત કરી શકે. ઉપાયપ્રત્યય સમાધિમાં વૈરાગ્ય અને અભ્યાસની આવશ્યકતા રહે. શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, ધ્યાન, પ્રજ્ઞા, એકાગ્રતા, નિશ્ર્ચયતા, નિષ્ઠા, સાતત્યતા અને સદગુરુના માર્ગદર્શન જેવી બાબતો અહીં આધારભૂત ગણાય.
સંપ્રજ્ઞાત સમાધિમાં વિષય, વિચાર, અસ્તિત્વ અને તેનું જ્ઞાન હાજર હોય જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં તે લુપ્ત થઈ જાય. સંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્તવૃત્તિ સૂક્ષ્મરૂપે સ્થાપિત રહે જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્તવૃત્તિ શૂન્યતામાં પ્રવેશે. સંપ્રજ્ઞાત સમાધિમાં સૂક્ષ્મ અહંકાર હજુ શેષ હોય જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં જ્ઞાતાની અહંકાર-યુક્ત હાજરી પણ શેષ ન વધે. એમ કહી શકાય કે અવસ્થાની દ્રષ્ટિએ સંપ્રજ્ઞાત સમાધિ આગળનાં પ્રવાસ માટેનું એક સાધન બને જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં પ્રવાસના અંતિમ મુકામની જાણે પરાકાષ્ઠા પ્રાપ્ત થાય. એકંદરે એમ કહી શકાય કે
સંપ્રજ્ઞાત સમાધિમાં દ્વૈત ભાવ સૂક્ષ્મ સ્વરૂપે હજુ હાજર હોય જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં અદ્વૈતની અનુભૂતિ થાય. વેદાંતના અભિપ્રાય પ્રમાણે આ નિર્વિકલ્પ સમાધિ છે. મહર્ષિ વ્યાસના ભાષ્ય પ્રમાણે સંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્ત હજુ પણ પ્રકાશિત રહે છે જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં ચિત્તના તમામ પ્રવાહો વિરામ પામે છે. એમ કહી શકાય કે સંપ્રજ્ઞાત સમાધિ એટલે સત્યની નજીક પહોંચવું અને અસંપ્રજ્ઞાત સમાધિ એટલે સત્યમાં વિલીન થવું. બ્રહ્મારૂઢ યોગીની સ્થિતિ એટલે અસંપ્રજ્ઞાત સમાધિ.