Tue Oct 06 2026

Logo

બેંગ્લૂરુ: આજે દિલ્હી કૅપિટલ્સના રાહુલની હોમટાઉન બેંગ્લૂરુમાં આરસીબી સામે કસોટી

2026-04-18 12:11:00
Author: Ajay Motiwala
બેંગ્લૂરુ: આજે દિલ્હી કૅપિટલ્સના રાહુલની હોમટાઉન બેંગ્લૂરુમાં આરસીબી સામે કસોટી

બેંગ્લૂરુઃ વિકેટકીપર-બૅટ્સમૅન કે. એલ. રાહુલ અગાઉ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) વતી રમી ચૂક્યો છે, પણ આજે (બપોરે 3.30 વાગ્યાથી) તે હોમટાઉન બેંગ્લૂરુમાં દિલ્હી કૅપિટલ્સ (DC) વતી આરસીબી વિરુદ્ધ રમતો જોવા મળશે. બીજી તરફ, વિરાટ કોહલીને આઇપીએલમાં 300મી સિક્સર પૂરી કરવા ફક્ત એક બિગ શૉટની જરૂર છે. તેના નામે 299 છગ્ગા છે અને જો ઈજામુક્ત થઈને આજે રમશે તો તે 300મી સિક્સરનું સેલિબ્રેશન કરતો જરૂર જોવા મળશે.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુ (BENGALURU) ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી અત્યારે રજત પાટીદારની કૅપ્ટન્સીમાં બહુ સારી સ્થિતિમાં છે, જ્યારે અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હીની ટીમ સંઘર્ષ કરી રહી છે. ખુદ અક્ષર પટેલે આ વખતની ટૂર્નામેન્ટમાં ફક્ત ત્રણ રન કર્યા છે અને ત્રણ વિકેટ લીધી છે.

દિલ્હી પાસે પથુમ નિસાન્કા, રાહુલ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, ડેવિડ મિલર અને નીતીશ રાણા જેવા અનુભવી ખેલાડીઓ છે છતાં આ ટીમ હજી સુધી અસરદાર પર્ફોર્મ નથી કરી શકી. માત્ર સમીર રિઝવી દમદાર પર્ફોર્મન્સ બતાવી ચૂક્યો છે. તે પહેલી બન્ને મૅચમાં અવૉર્ડ જીત્યો હતો.

આરસીબીનો કેપ્ટન કૅપ્ટન પાટીદાર મુંબઈ સામેની દમદાર ઇનિંગ્સ બાદ હવે દિલ્હી સામે પણ સારું રમશે એવી તેના ચાહકોને અપેક્ષા છે. જોકે એ માટે તેણે ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ટીમના બે સ્પિનર અક્ષર પટેલ અને કુલદીપ યાદવનો સામનો કરવો પડશે.
 

પિચ કેવી છે?

છેલ્લે 15મી એપ્રિલે બેંગ્લૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના મેદાન પરની મૅચ લૉ-સ્કોરિંગ રહી હતી. જોકે સામાન્ય રીતે આ મેદાન પર હાઈ-સ્કોરિંગ મુકાબલા જોવા મળતા હોય છે એટલે આજે પણ 200-પ્લસના સ્કોર્સ જોવા મળશે તો નવાઈ નહીં લાગે. બુધવાર 15મી એપ્રિલે અહીં લખનઊની ટીમે માત્ર 146 રન કર્યા બાદ બેંગ્લૂરુએ 15.1 ઓવરમાં પાંચ વિકેટે 149 રન કરીને મૅચ જીતી લીધી હતી.

બંનેની સંભવિત ટીમ 

બેંગ્લૂરુ: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન),  જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જૉશ હેઝલવૂડ, રસિખ સલામ, (12મો પ્લેયર) સુયશ શર્મા.

દિલ્હી: પથુમ નિસાન્કા, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ રાણા/આશુતોષ શર્મા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, વિપ્રજ નિગમ/આકિબ નબી, લુન્ગી એન્ગીડી, કુલદીપ યાદવ, ટી. નટરાજન, (12મો પ્લેયર) મુકેશ કુમાર.