મુંબઈઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન બાદ હવે રણબીર કપૂરે અયોધ્યામાં જમીન ખરીદી હોવાનું જાણવા મળ્યું છે. બોલિવૂડનો બીજો એવો એક્ટર છે જેણે અયોધ્યામાં જમીન લીધી છે.હાઉસ ઓફ અભિનંદન લોઢાના પ્રીમિયમ એસ્ટેટ ધ સરયૂમાં જમીન ખરીદી છે. બોલિવૂડના સેલેબ્સનું રીયલ એસ્ટેટમાં રોકાણ ઘણું મોટું હોય છે. ફાર્મ હાઉસ અને વિલા બાદ હવે જમીન ખરીદવા માટે રણબીર કપૂર આગળ આવ્યો છે.
અયોધ્યાનો પ્રાઈમ રીયલ એસ્ટેટ પ્રોજેટ
રિપોર્ટ અનુસાર અયોધ્યામાં જે જમીન રણબીર કપૂરે ખરીદી છે એની કિંમત 3.31 કરોડ થાય છે. આ જમીન 2134 વર્ગફીટની છે. આને ધ સરયૂ બાય હોએબલ નામ આપવામાં આવ્યું છે. રીયલ એસ્ટેટ સાથે જોડાયેલો આ પ્રોજેક્ટ સરયૂ નદીના કિનારે આકાર લઈ રહ્યો છે. 75 એકરની જમીન પર આ પ્રોજેક્ટ તૈયાર થશે. જેમાં ક્લબહાઉસ, 35થી વધારે લાઈફસ્ટાઈલ એમિનિટી અને ધ લીલા તરફથી 5 એકરમાં પ્યોર વેજ હોટેલ બની રહી છે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને જમીન પણ વર્ગીકૃત કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી રણબીર કપૂર પોતાની ફિલ્મ 'રામાયણ'ને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે લીડ રોલ પ્લે કરી રહ્યો છે અને રામ અવતારમાં જોવા મળશે.
4 હજાર કરોડનું ફિલ્મનું બજેટ
4 હજાર કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મ બોલિવૂડના સૌથી મોટા પ્રોજેક્ટ પૈકીની એક છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. જ્યારે સની દેઓલ હનુમાનજીનો રોલ પ્લે કરી રહ્યા છે. રવિ દૂબે લક્ષ્મણના અવતારમાં દેખાશે. નિતેશ કુમાર આ ફિલ્મને તૈયાર કરી રહ્યા છે. આ ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે દિવાળી પર રિલીઝ થાય એવું જાણવા મળ્યું છે, જ્યારે ફિલ્મનો બીજોભાગ વર્ષ 2027માં રિલીઝ થશે. હાલમાં રણબીર સિવાય બીજા કોઈ કલાકારોના પાત્રો સામે આવ્યા નથી. માત્ર રણબીર કપૂરનો લૂક જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 'રામાયણ' સિવાય રણબીર 'લવ એન્ડ વોર' ફિલ્મમાં પણ એક અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા છે.

વિક્કી કૌશલ અને રણબીર એક સ્ક્રિન પર
વિક્કી કૌશલ અને રણબીર ભણસાલીના આ પ્રોજેક્ટથી પહેલીવાર સ્ક્રિન પર આવી રહ્યા છે, જોકે ફિલ્મના વિષય કે સ્ક્રિપ્ટ અંગે ખાસ કોઈ વિગત જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે.આ ફિલ્મની પણ ઘણી ચર્ચા છે પણ મેકર્સ તરફથી હાલ કોઈ પ્રકારની વિગત શેર કરવામાં આવી નથી. 'છાવા' બાદ વિક્કી કૌશલની આ બીજી મોટી ફિલ્મ બની રહેશે,જોકે વિક્કીના રોલ કે ફિલ્મની વાર્તા અંગે ખાસ કોઈ વિગત શેર કરાઈ નથી.પણ ભણસાલીની ફિલ્મમાં જે રીતે સેટ દમદાર હોય છે એમ આ ફિલ્મમાં પણ ફિલ્મીસેટનું કામ દમદાર હોવાનું રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે.