Fri Jun 12 2026

Logo

રાજકોટ PDU હોસ્પિટલ ફરી વિવાદમાં: ખાનગી લેબ કરતાં સિવિલમાં ટેસ્ટ મોંઘા? ટેન્ડર પ્રક્રિયા પર કોંગ્રેસના ગંભીર આક્ષેપો

2026-06-12 20:07:33
Author: Vimal Prajapati
Article Image

રાજકોટમાં આવેલી સરકારી પીડીયુ હોસ્પિટલ ફરી એક વખત વિવાદોના કેન્દ્રમાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. હોસ્પિટલમાં થતી લેબોરેટરી તપાસના દરોને લઈને કોંગ્રેસના આગેવાનોએ અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. કોંગ્રેસના આક્ષેપ મુજબ, કેટલીક તપાસો ખાનગી લેબોરેટરી કરતાં પણ વધુ દરે કરવામાં આવી રહી છે. જે ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં અંદાજે રૂપિયા 600માં થઈ શકે છે, તે જ ટેસ્ટ માટે હોસ્પિટલમાં આશરે રૂપિયા 800 વસૂલવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો વર્ષ દરમિયાન હજારો ટેસ્ટ કરવામાં આવતા હોય તો કરોડો રૂપિયાના વ્યવહાર અંગે પારદર્શિતા જરૂરી હોવાનું કોંગ્રેસનું કહેવું છે.

રૂપિયા 600નો ટેસ્ટ હોસ્પિટલમાં 800માં?

કોંગ્રેસના આગેવાનો દ્વારા એવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, લેબોરેટરી સંચાલન માટેની ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પારદર્શક હોવી જોઈએ, પરંતુ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે. આ ઉપરાંત, અગાઉનો ટેન્ડર પૂર્ણ થઈ ગયા બાદ પણ નવા ટેન્ડરની જાહેરાત કેમ કરવામાં આવી નથી? ખાસ વાત તો એ છે કે, હજુ સુધી જૂના ટેન્ડર આધારે જ લેબોરેટરીનું સંચાલન શા માટે થઈ રહ્યું છે? આવા અનેક પ્રશ્નો અત્યારે થઈ રહ્યાં છે. 

જૂના ટેન્ડર પર જ વહીવટ કેમ? પ્રક્રિયા પર ઉઠ્યા સવાલો

સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગણી કરવામાં આવી છે. સાથે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, જો આ મુદ્દાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક મહત્વપૂર્ણ વિગતો બહાર આવી શકે છે. જોકે, આક્ષેપોને લઈને હોસ્પિટલ તંત્ર અથવા સંબંધિત અધિકારીઓનો સત્તાવાર પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી. સમગ્ર મામલે સત્તાવાર તપાસ અને સ્પષ્ટતા બાદ જ હકીકત સામે આવશે.

'વહીવટી કૌભાંડોનું કેન્દ્ર બની ગઈ છે સિવિલ!

રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કૃષ્ણ દત્ત રાવલે કહ્યું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ જાણે વહીવટી કૌભાંડો કરવા માટેનું કેન્દ્ર બની ગયું છે. અહીં વારેતહેવારે અલગ અલગ પ્રકારના કૌભાંડો પ્રકાશમાં આવતા રહે છે.  તેમાં એક ટેન્ડરની પ્રક્રિયામાં કૌભાંડ સામે આવ્યું છે. આમાં લોકો પાસેથી રૂપિયા ખંખેરવામાં આવી રહ્યાં છે. આ સાથે રાજકોટ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સંજય લાખાણીએ પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, ટેન્ડર પ્રક્રિયામાં કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. ભાવપત્રમાં પણ ગોલમાલ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ મામલે હવે સત્વરે સચોટ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.