રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટના બાદ શાળા, કોલેજ, ટ્યુશન સહિતના જાહેર સ્થળોએ ફાયરની સુવિધાઓ ફરજિયાત કરવામાં આવી હોવા છતાં રાજકોટમાં વલ્લભનગર-2 વિસ્તારમાં આવેલી 'ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ' આ મુદ્દે વિવાદમાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા કરવામાં આવેલી તાજેતરની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, આ સ્કૂલ કોઈપણ પ્રકારના વેલિડ ફાયર NOC વગર ધમધમી રહી છે. આટલું જ નહીં, સ્કૂલ જે બિલ્ડિંગમાં ચાલે છે તે વાસ્તવમાં સાડીના કારખાના તરીકે વપરાતી જગ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં 450 જેટલા માસૂમ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે, જે તેમના જીવ માટે મોટું જોખમ ઉભું કરી રહ્યું છે.

તપાસ દરમિયાન ફાયર વિભાગને જણાયું હતું કે, શાળા પાસે ફાયર સેફ્ટીના પાયાના સાધનોનો પણ અભાવ છે. મનપાની ફાયર શાખાએ તાત્કાલિક ધોરણે આ ગંભીર ત્રુટિઓને ધ્યાને લઈને સંચાલક ગુણવંતભાઈને નોટિસ ફટકારી છે. નોટિસમાં સ્પષ્ટપણે તાકીદ કરવામાં આવી છે કે શાળા સંચાલકોએ તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા ઊભી કરી ફાયર NOC મેળવવું પડશે, સાથે જ RMC દ્વારા મંજૂર કરવામાં આવેલો પ્લાન પણ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ફાયર વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આ નોટિસમાં આકરા શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો નિર્ધારિત સમય મર્યાદામાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં નહીં આવે અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી બિલ્ડિંગના માલિક અને શાળા સંચાલકોની રહેશે. ફાયર વિભાગે પાણી, વીજળી અને ગટર કનેક્શન કાપી નાખવા સુધીની કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્રની આ નોટિસ બાદ શાળા સંચાલકો વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જાગૃત થાય છે કે કેમ.