રાજકોટઃ રાજકોટમાં એક 23 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 23 વર્ષીય યુવતી નંદની બોસમિયા પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. મહત્વની વાત એ છે કે, નંદની જેતપુર નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની પૂર્વ ઉમેદવાર હતી. પોલીસે જણાવ્યું કે, આ યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. જો કે, નંદનીના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે. આ આત્મહત્યાને પરિવારે હત્યા ગણાવીને તેના લિવ-ઈન પાર્ટનર અસલમ સમા પર ગંભીર આક્ષેપો લગાવ્યાં છે.
ફ્લેટ નંબર 501ના હોલમાં તેનો મૃતદેહ મળી આવ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, નંદની બોસમિયા મેડિકલ રિપ્રેઝેન્ટિવ તરીકે કામ કરતી હતી. ગત સોમવારે સાંજે 7.30 વાગ્યો ગોંડલ ચોકડી પાસે આવેલા આગમન રેસિડેન્સીમાં આવેલા ફ્લેટ નંબર 501ના હોલમાં તેનો મૃતદેહ ફાંસી સાથે લટકેલો જોવા મળ્યો હતો. આ મામલે 108ને જાણ કરવામાં આવતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડૉક્ટરોની ટીમ દ્વારા નંદનીને મૃત જાહેર કરવામાં આવી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
પરિવારે તેના પુરૂષ મિત્ર અસલમ હુસૈન સમા પર લગાવ્યો આરોપ
પોલીસના જણાવ્યાં પ્રમાણે આ કેસમાં પરિવારનું કહેવું છે કે, નંદની રાજકોટમાં પોતાના પુરૂષ મિત્ર અસલમ હુસૈન સમા સાથે લિવ-ઈનમાં રહેતી હતી. જ્યારે તે જૂનાગઢમાં અસલમના મકાનમાં ભાડે રહેતી હતી ત્યારે અસલમ સાથે તેની ઓળખાણ થઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી અસલમ તેની સાથે ઝઘડો કરવા લાગ્યો અને તેની સાથે મારપીટ કરી હોવાનું પણ પરિવારે આક્ષેપ કર્યો છે. આ બનાવ પછી તે નજીર રહેતા જેને તે ભાઈ માનતી હતી, તે રવિના ઘરે પહોંચી હતી. જો કે, ત્યાથી પાછી પોતાના ફ્લેટમાં આવી ગઈ હતી.
પરિવારે સોમવારે વારંવાર ફોન કર્યો પરંતુ નંદનીઓ ફોન ઉપાડ્યો નહોતો. જેથી નંદનીના પિતાએ રવિ જોષીને તેના ફ્લેટમાં જોવા માટે મૂક્યો હતો. પરંતુ જ્યારે રવિ અહીં આવ્યો ત્યારે નંદનીએ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના આક્ષેપ બાદ આ કેસમાં તપાસ વધારે તેજ બની ગઈ છે. પરિવારનું કહેવું છે કે, અસલમના લગ્ન થયેલા હતા છતાં પણ નંદની સાથે લિવ-ઈનમાં રહેતો હતો. નંદની તેનો વિરોધ કરતી પરંતુ અસલમ તેની પત્ની પાસે જશે તેવું કહેતો હતો. આ વાતે બંને વચ્ચે ઝઘડો થયો અને અસલમ મારપીટ કરતો હતો.
આક્ષેપ એવો પણ છે કે, જૂનાગઢમાં અસલમની માતા, સસરા, સાસ અને તેની પત્ની સહિતી અન્ય લોકોએ નંદની પર છરીથી જાનલેવા હુમલો પણ કર્યો હતો. આ સાથે નંદનીના પિતાએ આરોપ લગાવ્યો કે, અસલમ બુટલેગર છે. અને અનેક પ્રકારના ગેરકાનૂની કાર્યોમાં સામેલ છે. જેથી તેણે જ નંદનીની હત્યા કરી હશે અને પછી આત્મહત્યા ગણાવી રહ્યો છે. પરિવારે આ કેસમાં અસલમ સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે. પ્રાથમિક તબીબી તપાસમાં મૃતકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પરંતુ પરિવાર દ્વારા કરવામાં આવેલા આરોપોને ધ્યાનમાં રાખીને, પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું છે. હવે તેનો રિપોર્ટ આવે તેના પછી સાચી હકીકત સામે આવશે.