(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે લાલ આંખ કરી સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત ફૂડ વિભાગની ટીમોએ 87 જેટલા રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની પેઢીઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર સામે આવી હતી, જેમાં તંત્રએ કુલ 1503 કિલોગ્રામ વાસી અને અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત, સ્ટોરેજ, લાયસન્સ અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર 25 પેઢીઓને નોટિસ ફટકારી કુલ રૂ. 1,11,300 નો વહીવટી દંડ વસૂલવામાં આવતા ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
આ તપાસ દરમિયાન સૌથી મોટી કાર્યવાહી જામનગર રોડ અને માધાપર ચોકડી વિસ્તારમાં કરવામાં આવી હતી. માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી 'શ્રીનાથજી ફૂડ પ્રોડક્ટ્સ' નામની પેઢીમાંથી તબીબી તપાસ દરમિયાન પડતર પડેલો સિરિયલ પ્રોડક્ટનો અધધ 800 કિલોગ્રામ અખાદ્ય જથ્થો મળી આવતા તેનો તાત્કાલિક નાશ કરી રૂ.10,000નો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત, જય ખોડિયાર રેસ્ટોરન્ટમાંથી 25 કિલો અને શ્રી બાલાજી રેસ્ટોરન્ટમાંથી 10 કિલો વાસી જથ્થો પકડી પાડી બંને સંચાલકોને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મનપાની ટીમે કોઠારીયા, પુનિત નગર અને મવડી વિસ્તારની સાથે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાછળની નામાંકિત પેઢીઓમાં પણ સપાટો બોલાવ્યો હતો. મવડી ચોકડી પાસે આવેલ યુ. કે. ડાઈનિંગ હોલમાંથી 30 કિલો સડેલી ડુંગળી-કેળાં અને શુભમ ફેમિલી રેસ્ટોરન્ટમાંથી 15 કિલો વાસી ચટણી-શાકભાજીનો નાશ કરાયો હતો. બસ સ્ટેન્ડ પાછળ ઠાકોરજી રેસ્ટોરન્ટ, શ્રી ચાઇનીઝ & પંજાબી, સુનિલ રેસ્ટોરન્ટ અને માં શક્તિ ગાંઠિયા જેવી જગ્યાઓએથી વાસી લોટ, મસાલા, ગ્રેવી અને અખાદ્ય તેલનો નાશ કરી સંચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત પુનિત નગર રોડ અને કોઠારિયા રોડ પરના ફેમિલી ફેન્સી ઢોસા સહિતના વિવિધ ફાસ્ટફૂડ સેન્ટરોમાંથી પણ વાસી ખોરાક પકડી પાડવામાં આવ્યો હતો.
આ ઝુંબેશ અંતર્ગત રૈયા રોડ, કાલાવડ રોડ અને પેડક રોડ પર પણ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. પેડક રોડ પર મહાવીર પાઉંભાજીમાંથી 16 કિલો વાસી પાઉં-પુલાઉ અને વિન્ટેજ ઢોસામાંથી 5 કિલો વાસી નૂડલ્સ-કોબીનો નાશ કરાયો હતો, જ્યારે શિવમ ફાસ્ટ ફૂડમાંથી હાનિકારક ગણાતા 'આજીનો મોટો'નો જથ્થો પકડી તેનો નાશ કરવામાં આવ્યો હતો. કાલાવડ અને રૈયા રોડ પર આવેલી શ્રી રામ દાળપકવાન, શ્રી હરી નમકીન, જે.કે. થાળ સહિતની અનેક પેઢીઓમાં હાઇજિન અને લાઇસન્સ બાબતે સઘન ચેકિંગ કરી નોટિસ આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.