રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે વધુ એક મોટી ડિમોલિશનની તૈયારી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જંગલેશ્વરમાં થયેલી ઐતિહાસિક અને ચર્ચાસ્પદ કામગીરી બાદ, હવે તંત્રએ વેસ્ટઝોન હેઠળ આવતા પોશ વિસ્તાર અમીન માર્ગ પર લાલ આંખ કરી છે. અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક નવનિર્મિત ટ્વીન્સ ટાવર પાસે આવેલા હિંગળાજનગરમાં લાંબા સમયથી ખડકાયેલા અંદાજે 70 જેટલાં ઝુપડાંઓ ખાલી કરવા માટે મહાપાલિકા દ્વારા સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે.
તંત્ર દ્વારા વિજીલન્સ વિભાગને સાથે રાખીને આ કિંમતી પ્લોટનું હદ નક્કી કરવાની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ ડિમોલિશન દ્વારા કોર્પોરેશન કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવા જઈ રહ્યું છે. જોકે, ચોમાસાની સીઝન બરાબર જામી છે તેવા સમયે જ તંત્ર દ્વારા આ નોટિસ આપવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં રહેતા લોકો છેલ્લા 50 વર્ષ કરતાં વધુ સમયથી વસવાટ કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે, તેમ છતાં તેમને માત્ર 15 દિવસમાં જગ્યા ખાલી કરવાનો આદેશ અપાતા લોકો આકરા પાણીએ છે. સ્થાનિકોની માંગ છે કે આ કામગીરી કાં તો ચોમાસા પછી કરવામાં આવે અથવા તો તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલાં જ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું અને અત્યંત સંવેદનશીલ ગણાતું ડિમોલિશન ઓપરેશન જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. આજી નદીના પટ્ટા અને 15 મીટરના ટી.પી. રોડ પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્રએ વિશાળ સ્તરે તબક્કાવાર ઓપરેશન ચલાવ્યું હતું. આ કામગીરી એટલી વ્યાપક હતી કે તેના માટે 64 જેસીબી, 7 હિટાચી, 90 ટ્રેક્ટર, 90 બ્રેકર, 50 ગેસ કટર અને 42 ડમ્પર સહિત 260થી વધુ વાહનો-મશીનરીનો કાફલો મેદાને ઉતારવામાં આવ્યો હતો અને અંદાજે 1400થી 1500 જેટલાં ગેરકાયદે મકાનો તથા અતિક્રમણોને જમીનદોસ્ત કરી દેવાયા હતા. તે સમયે ભારે ઉહાપોહ મચ્યો હતો અને આ સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.
આ જંગલેશ્વર ડિમોલિશનની અસર માત્ર ભૌગોલિક જ નહીં, પરંતુ રાજકીય સ્તરે પણ જોવા મળી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીના પ્રાથમિક ટ્રેન્ડ મુજબ ભલે સમગ્ર શહેરમાં ભાજપ આગળ ચાલી રહ્યું હોય, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માં ભાજપને મોટો ફટકો પડ્યો છે અને ચારેય બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. ગત ચૂંટણીમાં જે વોર્ડ પર ભાજપનો કબજો હતો, ત્યાં આ વખતે જંગલેશ્વર ડિમોલિશન નડી જતાં સ્થાનિક લોકોની નારાજગીના કારણે કોંગ્રેસની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. રાજકીય ગરમાવા વચ્ચે હવે અમીનમાર્ગ પરના નવા ડિમોલિશનની નોટિસે શહેરમાં ફરી ચર્ચા જગાવી છે.