અમદાવાદઃ હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્ર દ્વારા રાજ્ય માટે આગામી સાત દિવસની હવામાન આગાહી અને બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગના અહેવાલ મુજબ, ચોમાસાની ઉત્તરીય મર્યાદા હાલમાં સુરત સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે અને આગામી ૩-૪ દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમગ્ર ગુજરાતમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ સંપૂર્ણપણે અનુકૂળ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૭ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
૭ દિવસનું પૂર્વાનુમાન
૨૭ જૂન સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા વગેરે, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ વગેરે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
૨૭ જૂનથી ૨૮ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે.
૨૮ જૂનથી ૨ જુલાઈના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદી માહોલ વ્યાપક જામશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહિસાગર અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ હળવોથી મધ્યમ વરસાદ યથાવત રહેશે.
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારની સ્થિતિ
તારીખ ૨૬ જૂનના રોજ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની ખૂબ જ વધારે શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન ૪૧°C ની આસપાસ નોંધાઈ શકે છે.
રાહતના સમાચાર એ છે કે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય, દીવ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી માટે હવામાન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી નથી. આથી આગામી અઠવાડિયે ભારે પૂર કે અતિભારે વરસાદ જેવી કોઈ પ્રતિકૂળ સ્થિતિ સર્જાવવાની સંભાવના નથી.