Thu Jul 23 2026

Logo

અમદાવાદમાં વરસાદની બેટિંગ શરૂ, જાણો ક્યાં સુધી છે ભારે વરસાદની આગાહી

2026-07-04 10:54:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં લાંબી રાહ જોવરાવ્યા બાદ ગઈકાલથી વરસાદનું આગમન થયું હતું. મોડી રાત્રે હળવું વરસાદી ઝાપટું પડ્યું હતું. જે બાદ આજે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં 5 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે.
શહેરના કયા વિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં વરસાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા, ઓઢવ, ઈન્ડિયા કોલોની, સુભાષબ્રિજ, માધુપુરા, શાહીબાગ, દિલ્હી દરવાજા, પ્રહલાદનગર, બોપલ, ઈસ્કોન, શિવરંજની, પંચવટી સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

અંબાલાલ પટેલે પણ અમદાવાદમાં ભારે વરસાદની કરી છે આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ મુજબ, આજે અને આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની  શક્યતા છે. વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ભરૂચ અને મહીસાગર તેમજ સુરતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સતત વરસાદને કારણે કેટલીક નાની નદીઓ અને સ્થાનિક જળાશયોમાં પાણીના સ્તરમાં વધારો થઈ શકે છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના પણ છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં વધુ એક નવી હવામાન પ્રણાલી સક્રિય થઈ શકે છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા છે.

અમદાવાદમાં કેમ શરૂ થયો વરસાદ

ગુજરાતમાં  અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સીઝનલ ટ્રફ, શિયર ઝોન, અને લૉ-પ્રેશર સહિતની વરસાદી સિસ્ટમો એકસાથે સક્રિય થતાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જેના કારણે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે.

ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધીના વરસાદી આંકડા

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે ચાર કલાકમાં એક પણ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો નથી. વલસાડના કપરાડામાં સૌથી વધુ 0.83 ઇંચ વરસાદ નોંધાયો છે. કવાંટમાં 0.59 ઇંચ, ગણદેવીમાં 0.55 ઇંચ વરસાદ પડ્યો છે. 45 તાલુકામાં અડધા ઇંચથી ઓછો   વરસાદ પડ્યો છે.