મુંબઈ: રાયગડ જિલ્લામાં કાર પચાસ ફૂટ ઊંડી ખીણમાં પડી હતી, પણ ડ્રાઇવરને નજીવી ઇજા થઇ હતી અને હાઇવે પોલીસે તેને બચાવી લીધો હતો.
ખાલાપુર તાલુકામાં ગરમાલ રોડ પર સોમવારે સવારે આ ઘટના બની હતી, જ્યારે ડ્રાઇવરે બ્રિજની નજીક કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો.
એવું કહેવાય છે કે ડ્રાઇવર નયનરમ્ય દૃશ્યો જોવામાં મગ્ન હોવાથી તે રસ્તા તરફ બેધ્યાન રહ્યો હતો અને કાર રસ્તા પરથી ઊતરીને ખીણમાં પડી ગઇ હતી.
બનાવની જાણ થતાં બોરઘાટ હાઇવે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળ આવી પહોંચ્યો હતો અને રેસ્ક્યુ ઑપરેશન હાથ થર્યું હતું.
દરમિયાન પોલીસ કર્મચારીઓ સંદીપ પવાર, કિરણ શિંદે, ભરત પાવરા, ગણેશ ખાડે, સંતોષ ગુજરવાર અને ગોડસે સ્થાનિક રહેવાસીઓની મદદથી ખીણમાં ઊતર્યા હતા અને કારના ડ્રાઇવરને ઉગારી દીધો હતો, જે કારમાં ફસાયો હતો.
ડ્રાઇવરની ઓળખ મોહિત સ્વરૂપ ભટનાગર (51) તરીકે થઇ હતી, જે હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે. ડ્રાઇવરને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ કહ્યું હતું કે તેને નજીવી ઇજા થઇ છે.
(પીટીઆઇ)