Wed Aug 19 2026

Logo

બોગસ ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ ‘વેચવા’ બદલ પુણે યુનિવર્સિટીનો કર્મચારી સસ્પેન્ડ

2026-07-30 19:00:18
Author: Yogesh C. Patel
Article Image

પુણે: વિદ્યાર્થી પાસેથી નાણાં લઈને બોગસ બી.કૉમ માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ પૂરા પાડનારા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી (એસપીપીયુ) દ્વારા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીને ફરિયાદ મળી હતી કે એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા રમેશ મુખેકરે એક વિદ્યાર્થી પાસેથી 70 હજાર રૂપિયા કથિત રીતે સ્વીકાર્યા હતા અને સાચું ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ પૂરી પાડવાનું વચન આપ્યું હતું, એવું યુનિવર્સિટીએ એક નિવેદનમાં બુધવારે જણાવ્યું હતું.

મુખેકરે વૉટ્સઍપ પર વિદ્યાર્થીને દસ્તાવેજોની તસવીરો મોકલી હતી. તે ઑરિજિનલ જેવી દેખાતી હતી, પરંતુ વાસ્તવમાં દસ્તાવેજો સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં.
યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે એ કર્મચારી યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સાથે સંકળાયેલો નથી. તેણે જે દસ્તાવેજો તૈયાર કરીને વૉટ્સઍપ પર મોકલ્યા તે પરીક્ષા વિભાગના ઑફિશિયલ રેકોર્ડ્સ સાથે સુમેળ સાધતા નથી.

આ મામલાની ગંભીર નોંધ લઈ યુનિવર્સિટીએ તાત્કાલિક ધોરણે મુખેકરને સસ્પેન્ડ કરી દીધો છે. બોર્ડ ઑફ એક્ઝામિનેશન ઍન્ડ ઈવેલ્યુએશનના ડિરેક્ટર ડૉ. રાજેન્દ્ર તલવારેએ આ પ્રકરણે ચતુર્શ્રીંગી પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી.

(પીટીઆઈ)