ભુજ: પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં સ્પાની આડમાં ધમધમતા દેહવિક્રયના કાળા કારોબાર પર પોલીસે લાલ આંખ કરી છે. ગાંધીધામ-ભચાઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાન્સપોર્ટ નગર નજીક સર્વિસ રોડ પાસે આવેલી ‘ગોકુલ હોટેલ’માં ચાલતા ‘એરોમા ધી સ્પા’માં પોલીસે દરોડો પાડીને હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી બે મહિલા મેનેજરોની અટકાયત કરી છે, જ્યારે સ્પાની મુખ્ય સંચાલિકાને ઝડપી લેવા તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, આ હોટેલમાં મસાજ પાર્લરના બહાને દેહવિક્રયનો કારોબાર ચાલતો હોવાની ચોક્કસ પૂર્વ બાતમી મળતાં પોલીસે એક વ્યુહરચના ગોઠવી હતી. પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરી તેને 4,000ની રોકડ આપીને સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહકે અંદર જઈને સોદો નક્કી કર્યા બાદ બહાર વોચમાં ઊભેલી પોલીસ ટુકડીને ઈશારો કર્યો હતો. સંકેત મળતાં જ પોલીસે સ્પામાં ત્રાટકીને તપાસ કરતાં એક બંધ કેબિનમાંથી ડમી ગ્રાહક અને એક યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી કાઉન્ટર પર હાજર સ્પાની મહિલા મેનેજર શીતલ રાજપાલસિંઘ (રહે. સુંદરપુરી, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, ગાંધીધામ) તથા શાલુ રાની પ્રમોદકુમારની અટકાયત કરી હતી. જ્યારે સ્પાની મુખ્ય સંચાલિકા સંગીતા વિકાસ ડગલા હાલ પોતાના વતન રાજસ્થાન ગઈ હોવાથી તેને ફરાર જાહેર કરાઈ છે. પકડાયેલી મહિલા મેનેજરોએ કબૂલાત કરી હતી કે, તેઓ બહારના રાજ્યોમાંથી મહિલાઓને બોલાવી દેહવ્યાપાર કરાવતી હતી. ગ્રાહક દીઠ 4,000 રૂપિયા વસૂલીને તેમાંથી રુ.500 યુવતીને અપાતા અને બાકીની રકમ મેનેજર અને સંચાલિકા રાખી લેતા હતા.
દરોડા દરમિયાન સ્પામાંથી છત્તીસગઢની બે અને મહારાષ્ટ્રની એક મળી કુલ ત્રણ પીડિત યુવતીઓ મળી આવી હતી. કાર્યવાહી દરમિયાન સૂર્યાસ્ત થઈ ગયો હોવાથી કાયદાકીય જોગવાઈ મુજબ પાંચેય મહિલાઓને નોટિસ આપી પોલીસ મથકે હાજર રહેવા જણાવાયું હતું. પોલીસે ઘટનાસ્થળેથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર,વાંધાજનક અશ્લીલ સામગ્રી અને રોકડ સહિત કુલ રુ.9,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર ગોરખધંધામાં હોટેલ માલિક કે સંચાલકોની કોઈ સંડોવણી છે કે કેમ, તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.