ભુજઃ કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે નૈઋત્યનું ચોમાસું વિલંબમાં મુકાતાં ખેડૂતો ચિંતાતુર છે, ત્યાં બીજીતરફ મગફળીના બિયારણના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા ૩૫થી ૪૦નો ધરખમ ઉછાળો આવતાં જગતના તાત પર મોંઘવારીનો આકરો માર પડ્યો છે. બિયારણના ભાવ આસમાને પહોંચતાં વાવણીનો પ્રાથમિક ખર્ચ જ ખેડૂતોના બજેટ બહાર જતો રહ્યો છે.
બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, મગફળીના બિયારણમાં સીધો ૩૫ થી ૪૦ ટકાનો વધારો થયો છે. ગત વર્ષે જે સાદું બિયારણ પ્રતિ કિલો રૂપિયા ૧૦૫થી ૧૧૦ના ભાવે મળતું હતું, તે ચાલુ વર્ષે વધીને ૧૪૦થી રૂ ૧૪૫ થઈ ગયું છે. તેવી જ રીતે, સર્ટીફાઈડ બિયારણનો ભાવ ગત વર્ષના ૧૩૫થી રૂ.૧૪૦ની સામે ચાલુ વર્ષે રૂ.૧૭૫ને પાર પહોંચી ગયો છે. કૃષિ નિષ્ણાતોના મતે, પ્રતિ હેક્ટરે અંદાજે ૧૦૦ કિલો બિયારણની જરૂરિયાત રહે છે, જેથી ભાવવધારાના કારણે ખેડૂતો પર પ્રતિ હેક્ટરે સીધો રૂ ૩૫૦૦નો વધારાનો આર્થિક બોજો પડ્યો છે.
સંભવત અલ-નીનોની અસરના પગલે વરસાદ ખેંચાવાના કારણે રણપ્રદેશ કચ્છમાં અત્યાર સુધી માત્ર ૧ લાખ હેક્ટરમાં જ વાવેતર થઈ શક્યું છે, જેમાંથી મગફળીનું વાવેતર માંડ ૩૦ હજાર હેક્ટરમાં થયું છે. આ વાવેતર પણ માત્ર એવા જ ખેડૂતો કરી શક્યા છે જેમની પાસે બોરવેલ કે નર્મદા કેનાલના પિયતની સગવડ છે. જોકે, વરસાદ હજુ વધુ ખેંચાશે તો ઊભો પાક સુકાઈ જવાની ભીતિ હોવાથી પિયત આધારિત ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. જ્યારે વરસાદ આધારિત ખેતી કરતા નાના ખેડૂતો હજુ પણ વાદળો તરફ ચાતક નજરે જોઈ રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, એક તરફ કુદરત રૂઠી છે અને બીજી તરફ મોંઘા બિયારણના કારણે સ્થિતિ 'પડતા પર પાટુ' જેવી થઈ છે. મોંઘું બિયારણ ખરીદીને વાવણી કર્યા પછી પણ જો વરસાદ ન પડે તો દેવાદાર બનવાનો વારો આવી શકે છે. ખેડૂતોએ સરકાર બિયારણના ભાવવધારા અને કાળાબજાર પર તાત્કાલિક અંકુશ લગાવે તેવી માંગ કરી છે.
(ઉત્સવ વૈદ્ય)