Tue Oct 06 2026

Logo

પ્રાસંગિકઃ ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું દબાણ

2026-09-30 07:41:16
Author: Amul Dave
પ્રાસંગિકઃ ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું દબાણ

અમૂલ દવે

અમેરિકા-ડેન્માર્ક- ગ્રીનલેન્ડ વચ્ચે તાજેતરમાં ન્યૂ યોર્કમાં યોજાયેલી યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભા દરમિયાન થયેલી ત્રિપક્ષીય સુરક્ષા સમજૂતી વૈશ્વિક ભૌગોલિક, રાજકારણ અને આર્કટિક ક્ષેત્રના વ્યૂહાત્મક સમીકરણોમાં એક અત્યંત નિર્ણાયક મોડ દર્શાવે છે. 

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગ્રીનલેન્ડ પર અમેરિકી સૈન્ય અને રાજકીય નિયંત્રણ સ્થાપિત કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ દબાણની વ્યૂહરચનાના પરિણામ સ્વરૂપે સપ્ટેમ્બર 22, 2026ના રોજ આ મહત્ત્વપૂર્ણ સુરક્ષા કરાર પર અંતિમ હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ સમજૂતીથી અમેરિકાને આર્કટિક ક્ષેત્રમાં તેની સૈન્ય હાજરી અને મિસાઈલ ડિફેન્સ ક્ષમતામાં અભૂતપૂર્વ વિસ્તાર કરવાની સત્તા મળે છે, જ્યારે બીજી તરફ ગ્રીનલેન્ડ પર ડેન્માર્કની રાજકીય સાર્વભૌમત્વ પણ યથાવત્ રહે છે.

આ સમજૂતી પાછળનો મુખ્ય પૃષ્ઠભૂમિ સંઘર્ષ અને ટ્રમ્પ તંત્રની આક્રમક કૂટનીતિ રહી છે. ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકાના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષા માટે અનિવાર્ય ગણાવીને નાટોના સાથી દેશ ડેનમાર્ક પર ભારે રાજદ્વારી દબાણ બનાવ્યું હતું. તેમણે આર્કિટક ક્ષેત્રમાં રશિયા અને ચીન જેવા વૈશ્વિક પ્રતિસ્પર્ધી દેશોના વધી રહેલા પ્રભાવ સામે આશંકા વ્યક્ત કરી હતી. 

સાથે દાવો કર્યો હતો કે ડેન્માર્ક એકલું આ વિશાળ અને વ્યૂહાત્મક ટાપુનું સંરક્ષણ કરવા માટે સક્ષમ નથી. એટલું જ નહીં, આ પ્રક્રિયા દરમિયાન બળ પ્રયોગ કે આકરા પગલાં લેવાની ચર્ચાઓએ ‘નાટો’ના ઉત્તર એટલાન્ટિક સાથી દેશો વચ્ચે તણાવ અને યુરોપિયન યુનિયનમાં ઊંડી ચિંતા જન્માવી હતી. જોકે, આ આક્રમક વ્યૂહરચના આખરે ડેન્માર્ક અને ગ્રીનલેન્ડના નેતૃત્વને વાટાઘાટોના ટેબલ પર લાવવામાં સફળ રહી.

આ કરાર હેઠળ થયેલી મુખ્ય ક્ષેત્રીય અને સૈન્ય જોગવાઈઓ મુજબ અમેરિકાને ગ્રીનલેન્ડમાં બે નવા મહત્ત્વપૂર્ણ લશ્કરી બેઝ સ્થાપવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. એમાંથી એક સૈન્ય મથક ગ્રીનલેન્ડના દક્ષિણ ભાગમાં આવેલા નારસરસુઆક ખાતે અને બીજું પૂર્વ ભાગમાં આવેલા મેસ્ટર્સવિગ ખાતે સ્થાપિત કરવામાં આવશે. 

આ ઉપરાંત, ઉત્તરીય ક્ષેત્રમાં સ્થિત અમેરિકાના ઐતિહાસિક પિટુફિક સ્પેસ બેઝને પણ વધુ આધુનિક બનાવીને તેનો વિસ્તાર કરવામાં આવશે. આ નવા સૈન્ય મથકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણથી અમેરિકી વાયુસેના અને નૌકાદળના વિમાનો તથા યુદ્ધ જહાજોને ગ્રીનલેન્ડના આકાશ, જમીન અને દરિયાઈ સીમામાં મુક્ત અને અપ્રતિબંધિત પ્રવેશનો અધિકાર મળશે, જે આર્કિટક ક્ષેત્રમાં અમેરિકાના હવાઈ અને સમુદ્રી ચોકીયારાને વધુ મજબૂત બનાવશે.

રાજકીય અને કૂટનીતિક દૃષ્ટિકોણથી આ સમજૂતી 1951માં અમેરિકા અને ડેન્માર્ક વચ્ચે થયેલા જૂના સંરક્ષણ કરારનું એક વ્યાપક અને અપડેટ કરેલું સ્વરૂપ છે. 

ડેનમાર્કના વડા પ્રધાન મેટ ફ્રેડરિકસેન અને ગ્રીનલેન્ડના વડા પ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સેન દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરતી વખતે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ સમજૂતી ડેન્માર્કના રાજ્ય બંધારણ હેઠળ ગ્રીનલેન્ડની સાર્વભૌમત્વ અને ત્યાંના સ્થાનિક લોકોના આત્મનિર્ણયના અધિકારને પૂર્ણપણે માન્ય રાખે છે. 

કરાર મુજબ ટાપુનો માલિકી હક કે ક્ષેત્રીય સાર્વભૌમત્વ અમેરિકાને ટ્રાન્સફર કરવામાં આવ્યો નથી, પરંતુ સુરક્ષા અને સૈન્ય નિયંત્રણ સંબંધિત વ્યાપક અધિકારો અમેરિકાને સોંપવામાં આવ્યા છે. વધુમાં, જો ભવિષ્યમાં ગ્રીનલેન્ડ સ્વતંત્ર રાષ્ટ્ર બને તો પણ આ સંરક્ષણ કરારની શરતો અમલમાં રહેશે અને ગ્રીનલેન્ડ ‘નાટો’ જોડાણનો હિસ્સો બની રહેશે.

આ સમજૂતીનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ પાસું વિદેશી રોકાણો અને બિન-નાટો દેશોની હાજરી પર મૂકાયેલો કડક પ્રતિબંધ છે. સમજૂતી અનુસાર, અમેરિકાની લેખિત પૂર્વ મંજૂરી વિના કોઈપણ વિરોધી કે બિન-નાટો દેશ ગ્રીનલેન્ડમાં લશ્કરી હાજરી સ્થાપી શકશે નહીં કે સંવેદનશીલ આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રોકાણ કરી શકશે નહીં. ગ્રીનલેન્ડમાં વિદેશી રોકાણોની આકરી ચકાસણી માટે એક વિશિષ્ટ મિકેનિઝમ ઊભું કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ આર્કટક ક્ષેત્રમાં ચીન અને રશિયાના વધી રહેલા સૈન્ય અને આર્થિક પગપેસારાને અટકાવવાનો છે.

ગ્રીનલેન્ડ ભૌગોલિક રીતે ઉત્તર અમેરિકા અને યુરોપની વચ્ચે આર્કટિક મહાસાગરમાં સ્થિત એક અત્યંત વ્યૂહાત્મક ક્ષેત્ર છે. તે પૃથ્વી પરના વિરલ ખનિજો, યુરેનિયમ, તેલ અને કુદરતી વાયુના સમૃદ્ધ ભંડારો ધરાવે છે. ગ્લોબલ વોર્મિંગ અને આર્કિટક બરફ પીગળવાને કારણે નવા દરિયાઈ વેપાર માર્ગો ખૂલવાની શક્યતાઓ વચ્ચે આ ક્ષેત્રનું વૈશ્વિક મહત્ત્વ ખૂબ વધી ગયું છે. અમેરિકા માટે ગ્રીનલેન્ડ તેની પ્રારંભિક મિસાઇલ ચેતવણી પ્રણાલી અને બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ નેટવર્ક માટે મધ્યવર્તી સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.

આંતરરાષ્ટ્રીય રાજકીય વિશ્ર્લેષકો આ સમજૂતીને બહુવિધ પરિમાણોથી જુએ છે. એક તરફ, ટ્રમ્પ તંત્ર આને પોતાની આક્રમક અને પરિણામલક્ષી ‘અમેરિકા ફર્સ્ટ’ કૂટનીતિની મોટી જીત તરીકે રજૂ કરી રહ્યું છે, જેનાથી અમેરિકાને આર્કિટકની સુરક્ષા પર કાયમી અને પ્રત્યક્ષ સૈન્ય પ્રભાવ મળ્યો છે. 

બીજી તરફ, ડેન્માર્ક અને ગ્રીનલેન્ડ તેને એક સફળ રાજદ્વારી મધ્યસ્થી તરીકે જોઈ રહ્યા છે, કારણ કે તે બન્ને સૈન્ય ગતિરોધ અને સંભવિત એકતરફી કાર્યવાહી ટાળીને ટાપુની સાર્વભૌમત્વ અને સ્વાયત્તતા જાળવી રાખવામાં સફળ રહ્યા છે. ત્રણેય દેશની સરકારો દ્વારા સ્વીકારવામાં આવેલી આ કાયમી સુરક્ષા સમજૂતી સંબંધિત દેશોની સંસદ દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ પૂર્ણપણે અમલમાં મૂકવામાં આવશે, જે નાટોના ઇતિહાસમાં અને આર્કિટક ક્ષેત્રની ભૌગોલિક સત્તા સંતુલનમાં એક નવો અધ્યાય અંકિત કરે છે.