લાફ્ટર આફ્ટરઃ
પ્રજ્ઞા વશી
કટકી ખાવાની અનેક રીત હોય છે અને એના વિશે આ દેશના લોકોને બધી જ ખબર છે. આ દેશનાં બાળકોથી લઈ વૃદ્ધો સુધીનાને કટકી ખાવાની રમત જન્મજાત (ઇન બિલ્ટ) મળી હોય છે. બાળકના પેઢી દર પેઢી વડવાઓ આના ખૂબ માહિર હોવા જોઈએ. તો જ આજની હિંદુસ્તાનની ફસલ ‘કટકી... કટકી’ નામની રમત રમવામાં આટલાં પાવરધાં પેદાં થાય છે.
સિઝેરિયન નામની કટકી પ્રથા કે પછી વારેવારે બ્લડ અને એક્સ-રેથી લઈને જાતજાતનાં ચેકિંગ, એક ડોક્ટર જે ડોક્ટર પાસે કે લેબમાં મોકલે અને જે દવાની દુકાને કહે ત્યાંથી જ દવા લેવા જવાની રમતને ‘કટકી... કટકી’ રમત કહેવામાં આવે છે. આ રમતમાં અનેક લોકોનાં અનેક સંગઠનો ચૂપચાપ કાર્યરત છે.
ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ બધા આંખ, કાન, મોં બંધ રાખીને એમનો આ ધંધાને ધમધોકાર ચલાવી રહ્યા છે અને એની શાખા-પ્રશાખાઓ દિન પ્રતિદિન ચારે દિશામાં ફેલાવી રહ્યા છે. કોરોનાકાળમાં પણ ‘કટકી... કટકી’ વાળી રમત કેટલી ફૂલી ફાલી હતી! જેની પાસે સ્ટેથોસ્કોપ લેવાના પૈસા નહોતા તેમણે ફાઇવસ્ટાર જેવી હોસ્પિટલો બાંધી. વગર સ્ટેથોસ્કોપ ગળામાં લટકાવ્યે નવોદિત ડોક્ટરોનેમ ‘કટકી... કટકી’ પાર્ટનર બનાવે છે અને પછી રાતોરાત હોસ્પિટલની શાખા-પ્રશાખાઓ ખોલતાં જાય છે. કુકરી ફટકારતા આવડે એ ફાવે. જેવાં જેનાં નસીબ!
આમ તો કટકીવાળી રમત ક્યાં નથી રમાતી તે તમે કહો. પાસ થઈને આ વરસે બતાવી દઈશ, પણ પહેલાં આઇફોન લઈ આપ તો મહેનત કરવાની શરૂ કરું ... ’ચાર વાર દસમીમાં ફેલ થતાં બાળકને કારણે શરમથી ઘરની બહાર જવાનું બંધ કરી દીધેલ મા-બાપે આઇફોન લઈ આપ્યો અને બાપાએ સામે શરત મૂકી કે ‘આ ફોન લઈ તો લીધો, પણ મારી કસ્ટડીમાં રહેશે. રોજ એક કલાક માટે મળશે અને જ્યારે તું પાસ થશે ત્યારે કાયમ માટે તને અર્પણ કરવામાં આવશે.’ બાપ-દીકરા વચ્ચે પણ આ કેવી રમત?
રોજ રોજ મહેમાન આવે કે મમ્મી મુન્નાને મહેમાન આગળ ટિ્ંવકલ... ટિ્ંવકલ ગાવા કહે. પણ પછી મુન્નો પણ એ... એ... એ... કરી રોતલ મુદ્રા શરૂ કરે. એટલે મમ્મી કેડબરીની કટકી આપવા (ફ્રીજમાંથી લાવે પછી જ) હાથ આગળ કરે કે ટ્વિંકલ.. ટ્વિંકલ શરૂ થાય. દીકરો મારો સુપર છે એ બતાવવા માટે કેટલીય વાર કટકી આપી હતી, એટલે મોટા થયા પછી મોબાઇલ, કાર, ફાઇવસ્ટાર, યુરોપની ટૂર જેવી કટકીઓનો ઉદભવ થયો અને આ કટકી દાવના આકાઓ દ્વારા ઠેઠ સ્વીસ બેંકમાં સંતાડવી પડે એવો...
પહેલાંના જમાનામાં કેટલીક જ્ઞાતિઓમાં પણ કારભારીઓને વચમાં રાખીને કન્યાપક્ષે વરપક્ષનું તરભાણું ભરવાનું, અને એમાં પણ ભાવતાલ કરવામાં કારભારીનું તરભાણું પણ ભરાતું. ઘણીવાર લાકડે માંકડું જોડવામાં ઉસ્તાદોં કે ઉસ્તાદ એવા સુપર કારભારીઓની પણ બોલબાલા હતી. એમના તો ભારે માનપાન હતાં. કેટલાક ગોર મહારાજો પણ કારભારીની ભૂમિકા ભજવવામાં વિશારદ થયા હતા. વેવાઈ કરતાં પણ વધારે માન એ ભૂદેવને મળતું હતું.
જો કે દરેકે પોતપોતાનાં ઘર ચલાવવાનો ઉદ્યમ તો કરવો જ પડે ને! પછી ચાહે રમત ગમે તેવી હોય. કુકરી ફરકાવતાં આવડે તે જીતે. એમાં આપણે હું!.