અમદાવાદઃ સૌરાષ્ટ્રના શહેર પોરબંદરમાં ફર્નિચર પાર્ક બનાવવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી. પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન ડો. મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ શનિવારે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર આ સમિટમાં પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઈટ નક્કી કરવામાં આવી છે. આ માટે 100 હેક્ટર જમીનની પણ પસંદગી કરવામાં આવી છે. અને તેને સંપાદન કરવાની કાર્યવાહી થઈ રહી છે .પોરબંદર નજીક શિપ બિલ્ડીંગ ક્લસ્ટર કુછડી પાસે તૈયાર કરવાનો પણ પ્રસ્તાવ નક્કી કરવામાં આવ્યો હતો. આજે ભારવાડા કુછડી સહિતના વિસ્તારોની ઉદ્યોગકારો મુલાકાત લેશે.
પોરબંદર ખાતે આયોજિત 'વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ' માં કેન્દ્રીય કેબિનેટ પ્રધાન ડો.મનસુખભાઈ માંડવીયાએ ભારતની વર્તમાન વૈશ્વિક સ્થિતિ, આર્થિક તકો અને પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસની વિપુલ સંભાવનાઓ પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે ફર્નિચર પાર્કના કોન્સેપ્ટને સમજાવતા કહ્યું કે અહીં ડિઝાઇનિંગ, સ્કીલિંગ સેન્ટર અને તમામ જરૂરી સુવિધાઓ એક જ છત્ર હેઠળ ઉપલબ્ધ બનશે. તેમણે તમામ સહભાગીઓને પોરબંદરમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરતા ખાતરી આપી કે સરકાર તેમના દરેક મૂલ્યવાન સૂચનોની નોંધ લઈને આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તમામ જરૂરી સુવિધાઓ અને સંપૂર્ણ સહયોગ આપવા કટિબદ્ધ છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના વન- પર્યાવરણ અને સાયન્સ ટેકનોલોજી પ્રધાન અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ ફર્નિચર પાર્કનો વિચાર કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખભાઈ માંડવિયાની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાપી-અમદાવાદ ગોલ્ડન કોરિડોરની સરખામણીએ અહીં જમીનની કિંમત ઘણી ઓછી છે, જેના લીધે સૌથી સસ્તી જમીન અને સસ્તા શ્રમિકો અહીં ઉપલબ્ધ છે. પવન અને સૌર ઉર્જાનું હબ હોવાથી અહીં ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત પાવર સપ્લાય મળશે. કનેક્ટિવિટીના મામલે પોરબંદર અજોડ છે, જે ૫ નેશનલ હાઈવે, બ્રોડગેજ રેલ્વે અને ૯ મીટર ડ્રાફ્ટ ધરાવતા સમુદ્રી પોર્ટની સુવિધાથી સજ્જ છે, જ્યાં આગામી સમયમાં શિપ બિલ્ડિંગ અને રિપેરિંગની સુવિધાઓ વધારાશે. હવાઈ પરિવહન ક્ષેત્રે, અહીંના ઐતિહાસિક એરપોર્ટની રનવે પટ્ટીને ૧,૩૦૦ મીટરથી વધારીને ૩,૦૦૦ મીટર સુધી લંબાવવામાં આવી રહી છે અને આગામી ૨૫ જૂનથી અમદાવાદ તેમજ મુંબઈ માટેની દૈનિક ફ્લાઈટ્સ પણ શરૂ થઈ જશે.
આ તકે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સ્ટીવ હિકલીંગે પોરબંદરને 'ગ્લોબલ ફર્નિચર હબ' તરીકે વિકસાવવાના પ્રોજેક્ટને અદભુત ગણાવી અભિનંદન પાઠવ્યા હતા.