અમદાવાદઃ આણંદના વાસદમાં થોડા દિવસ પહેલાં ચાર વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટનાનો આરોપી ઝડપાયા બાદ રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાતો હતો ત્યારે તેણે પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે એન્કાઉન્ટરમાં તેને ઠાર કર્યો હતો. ગુજરાતમાં પોલીસના એન્કાઉન્ટમાં વધારો થયો છે. 15 મહિનામાં 18 અપરાધીઓને ગોળી મારી હતી.
રાજ્યમાં દુષ્કર્મ અને હત્યાના આરોપીઓ પર ગુજરાત પોલીસ દ્વારા હથિયારોના વધી રહેલા ઉપયોગ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. સત્તાવાર રેકોર્ડ મુજબ મે 2025 થી જુલાઈ 2026 વચ્ચે ગુજરાત પોલીસે 18 અલગ-અલગ ઘટનાઓમાં ગોળીબાર કર્યો હતો. જેમાં બે એન્કાઉન્ટરમાં આરોપીઓના મોત થયા હતા, જ્યારે બાકીના 16 કિસ્સાઓમાં આરોપીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં મોટાભાગના લોકોને પગમાં ગોળી વાગી હતી.
2025માં બનેલી ઘટના
* 19 મે, રાજકોટઃ ગેરકાયદેસર પશુબલિ અટકાવવા ગયેલી પોલીસ ટીમ પર કથિત રીતે હુમલો થતાં, દેવીપૂજક સમુદાયના લોકોને વિખેરવા પોલીસે ગોળીબાર કર્યો હતો.
* 17 ઓગસ્ટ, વલસાડ: હત્યાના આરોપી અશફાક શેખ ધરપકડથી બચવા માટે પોલીસ પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
* 12 સપ્ટેમ્બર, અમદાવાદ: ખંડણીનો આરોપી સંગ્રામસિંહ સિકરવાર પોલીસની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
* 24 સપ્ટેમ્બર, ગાંધીનગર: દુષ્કર્મ અને હત્યાનો આરોપી વિપુલ પરમાર પોલીસની સર્વિસ રિવોલ્વર છીનવીને ગોળીબાર કરતા પોલીસ ફાઇરિંગમાં માર્યો ગયો હતો.
* 6 નવેમ્બર, નવસારી: 15 ગુનાઓમાં વોન્ટેડ હિસ્ટ્રીશીટર સલમાન મિર્ઝા ધરપકડથી બચવા પોલીસ પર હુમલો કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
* 8 ડિસેમ્બર, અમદાવાદ: મોઇનુદ્દીન બાદશાહને કોર્ટમાં રજૂ કરતી વખતે થયેલી બબાલ દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો હતો.
* 10 ડિસેમ્બર, રાજકોટ ગ્રામ્ય: દુષ્કર્મનો આરોપી રામસંગ સકાડિયાએ ધારદાર હથિયાર વડે પોલીસ પર હુમલો કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
* 16 ડિસેમ્બર, સુરત: ડબલ મર્ડરના આરોપી શિવકાંત યાદવ ભાગવાનો પ્રયાસ કરતી વખતે પોલીસ પર પથ્થરમારો કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
* 20 ડિસેમ્બર, ગાંધીનગર: દુષ્કર્મના આરોપી રમનિત યાદવે ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
* 30 ડિસેમ્બર, દાહોદ: દારૂના કેસનો આરોપી અશોક પંવાર ધરપકડથી બચવા માટે પોલીસ પર હુમલો કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
* 30 ડિસેમ્બર, સુરેન્દ્રનગર: પંચનામા દરમિયાન દિવ્યરાજસિંહ બોરાણા નામના આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કરતા તેને ગોળી મારવામાં આવી હતી.
2026માં બનેલી એન્કાઉન્ટરની ઘટનાઓ
* 13 માર્ચ,અરવલ્લી: સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રાજસ્થાનથી સુખલાલ જાટને લાવી રહી હતી ત્યારે તેણે પોલીસ પર હુમલો કરતા પોલીસે તેના પર ગોળીબાર કર્યો હતો.
* 7 મે, દેવભૂમિ દ્વારકા: ધાર્મિક શોભાયાત્રા દરમિયાન કથિત રીતે પથ્થરમારો કરનાર ટોળા પર પોલીસે ગોળીબાર કર્યો હતો.
* 8 મે, સુરત ગ્રામ્ય: હથિયાર રિકવરી ઓપરેશન દરમિયાન છુપાવેલી પિસ્તોલ વડે પોલીસ પર હુમલો કરનાર સુભાષ ઠાકુર પર પોલીસે ગોળીબાર કર્યો હતો.
* 11 મે, સુરત શહેર: હત્યાનો આરોપી રાહુલકુમાર જોગીએ ધરપકડથી બચવા પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં તેને ગોળી મારી હતી.
* 25 જૂન, અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચે ભાગવાનો પ્રયાસ કરતી વખતે પોલીસ પર હુમલો કરનાર હત્યાના આરોપી ધમા બારડ પર ગોળીબાર કર્યો હતો.
* 20 જુલાઈ, આણંદ: દુષ્કર્મ અને હત્યાનો આરોપી સુરેશ પરમાર છરી વડે પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે એન્કાઉન્ટરમાં તેને ઠાર કર્યો હતો