અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર સરકારી કચેરીને બોમ્બની ધમકી આપવામાં આવી છે. ગુજરાતમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. વડોદરાના સ્કૂલ બાદ હવે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તે ઉપરાંત ગાંધીનગર સેસન્સ અને વલસાડ જિલ્લા કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો અનુસાર, આજે વહેલી સવારે આ ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. લંચ ટાઈમ દરમિયાન બ્લાસ્ટ કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી. વલસાડ જિલ્લા કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ કાફલો કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો અને કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. બાદમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે તમામ સંબંધિત કોર્ટની ન્યાયિક કાર્યવાહીને તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવી હતી. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણે-ખૂણે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વકીલો, અસીલો અને કર્મચારીઓને સુરક્ષિત અંતરે ખસેડવામાં આવ્યા હતા.