સ્કીમ વધુ લંબાવવામાં આવે તેવી શક્યતા
નવી દિલ્હીઃ પ્રધાન મંત્રી ફોર્મલાઈઝેશન ઑફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ (પીએમએફએમઈ) સ્કીમ હેઠળ બે લાખ એકમને મંજૂરી આપવાનો લક્ષ્યાંક હાંસલ થઈ ગયો છે. જોકે, કામચલાઉ ધોરણે આ સ્કીમ પૂરી થવાની અવધી આગામી 30મી સપ્ટેમ્બર છે. તેમ છતાં આ સ્કીમને આ જ સ્વરૂપે અથવા તો તેમાં સુધારા કરીને વધુ લંબાવવામાં આવે તેવી શક્યતા છે.
આ સંદર્ભે મિનિસ્ટ્રી ઑફ ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝે કેન્દ્ર સમક્ષ આ સ્કીમને વધુ પાંચ વર્ષ અથવા તો વર્ષ 2026-31 સુધી અર્થાત્ 16માં નાણાં પંચની મર્યાદા સુધી લંબાવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવમાં ધિરાણ આધારિત સબસિડીની મર્યાદા જે હાલ એકમદીઠ રૂ. 10 લાખની છે તે વધારવા અને મહિલા એન્ટરપ્રિન્યોર અને ટેકરાળ વિસ્તારોના એકમોને અગ્રતાક્રમ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
અગાઉ વર્ષ 2020-21માં રૂ. 10,000 કરોડના યોજનાકીય ખર્ચ સાથે વર્ષ 2024-25ના સમયગાળા માટે સ્કીમ અમલી બનાવવામાં આવી હતી, ત્યાર બાદ આ સ્કીમને વર્ષ 2025-26 સુધી લંબાવવામાં આવી હતી અને હાલમાં આ સ્કીમ આગામી 30મી સપ્ટેમ્બર સુધી માન્ય છે.
અત્રે 25 રાજ્યોનાં લાભાર્થીઓએ તેના ઉત્પાદનો પ્રદર્શિત કરેલા બજારનું ઉદ્ઘાટન કર્યા બાદ રાષ્ટ્રીય સંમેલનને સંબોધતા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગનાં પ્રધાન ચિરાગ પાસવાને આ યોજનાને એક દુલર્ભ યોજનાઓ પૈકીની એક યોજના તરીકે લેખાવતા યોજનાએ જીવનને યોગ્ય રીતે બદલવાનું કાર્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે લાભાર્થીઓના દૃષ્ટાંત આપતા કહ્યું હતું કે બિહારના એક યુવાને કોવિડ 19 મહામારી પછી ઘરે પાછો ફરીને આ યોજનાનો ઉપયોગ કર્યો હતો અને હવે તે તેનાં ઉત્પાદનોની નિકાસ કરે છે. આ સિવાય લદાખની એક મહિલા જે મહિને રૂ. 8000નું વેતન મેળવતી હતી તે હવે કરોડોનો બિઝનૅસ ચલાવી રહી છે.
અમે બે લાખ એકમોનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે, હજુ તો આ શરૂઆત છે અને ઘણી લાંબી મજલ કાપવાની છે, એમ જણાવતા તેમણે તમામ રાજ્યોની સમતુલિત હિસ્સેદારીની આવશ્યકતા પર ભાર મૂકવાની સાથે જણાવ્યું હતું કે બિહાર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશે મજબૂત કામગીરી કરી છે. તેમણે આ રાજ્યોમાંથી પદાર્થપાઠ લઈને અન્ય રાજ્યોને પણ પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકો બનાવવા માટે હાકલ કરી હતી.
વધુમાં તેમણે પીએમએફએમઈ 2.0નાં અસરકારક અમલીકરણ માટે ઉદ્યોગ પાસેથી ભલામણો પણ માગી હતી. તેમ જ દેશમાં બગાડ અટકાવવા, ખેડૂતોની આવક વધારવા વૈશ્વિક ફૂડ બાસ્કેટમાં ભારતનું સ્થાન બનાવવા માટે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગની મહત્ત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો, પરંતુ સાથે સાથે પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનો સામે થતાં દુષ્પ્રચારનો સામનો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
ભારતના 27 દેશો સાથે થયેલા મુક્ત વેપાર કરારને કારણે ઘણી તકો સર્જાય છે અને પ્રોસિસિંગ ઉદ્યોગે વૅલ્યૂ ચેઈન મજબૂત કરવા અને નિકાસ વિસ્તરણ કરવા પર વધુ ધ્યાન આપવા તેમણે આહ્વાન કર્યું હતું. વધુમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયના સચિવ અવિનાશ જોશીએ જણાવ્યું હતું કે આ સ્કીમ કામચલાઉ ધોરણે 30મી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે, પરંતુ મને વિશ્વાસ છે કે આ સ્કીમનું આ જ સ્વરૂપે અથવા તો સુધારા સાથે ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે. આ સ્કીમના લાભાર્થીઓમાં અંદાજે 41 ટકા મહિલા એન્ટપ્રિન્યોર છે અને 80 ટકા સૌ પ્રથમ બિઝનૅસકર્તાઓ છે.
આ સ્કીમ હેઠળ અંદાજે 10 લાખ કરતાં વધુ લોકોને સીધા રોજગાર મળ્યા છે અને મંજૂર કરવામાં આવેલા 35થી 40 ટકા એકમોમાં ઔપચારીકીકરણ પ્રાપ્ત થયું છે. તેમ જ છેલ્લાં બે વર્ષમાં આ સ્કીમ પાછળનો ખર્ચ કુલ યોજનાકીય ખર્ચ અડધા કરતાં વધુ છે જે સ્કીમના અસરકારક અમલીકરણનો નિર્દેશ આપે છે, એમ તેમણે ઉમેર્યું હતું.