વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ એક દિવસ ગુજરાતની મુલાકાતે વડોદરા આવવાના છે. જેના પગલે વડોદરામાં પ્રિ- ઇવેન્ટ પણ આયોજિત કરવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી જેન-ઝી સંવાદ પણ કરવાના છે.
જન ભાગીદારી દ્વારા અનેક પ્રવૃત્તિઓનું આયોજન
આ અંગે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરભરમાં જન ભાગીદારી દ્વારા અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરને એક નવી ભવ્યતા આપવાનો, સરકારી યોજનાઓના લાભો જનતા સુધી પહોંચાડવાનો અને વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના વિઝન સાથે જેન-ઝીને સીધા જોડવાનો છે.
'સ્વચ્છતા સે સ્વાગત' અને સ્વચ્છતા સાયક્લોથોનનું આયોજન
પીએમ મોદીના આગમન પૂર્વે પ્રિ-ઇવેન્ટમાં 'સ્વચ્છતા સે સ્વાગત' અને સ્વચ્છતા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન શહેરમાં એક ખાસ સ્વચ્છતા ઝુંબેશ અને સ્વચ્છતા સાયક્લોથોન (રેલી)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રસ્તાઓ, તળાવો, ઐતિહાસિક સ્મારકો, શાળાઓ અને હોસ્પિટલોની સફાઈ કરવામાં આવી રહી છે.
શહેરના ચાર ઝોનમાં ખાસ 'સેવા સેતુ' શિબિરો
આ ઉપરાંત વડોદરા શહેરના ચારેય ઝોનમાં ખાસ 'સેવા સેતુ' શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ શિબિરોનો મુખ્ય ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને યુવાનો માટે સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ અપાવાનો છે. જેનાથી જરૂરિયાતમંદોને સીધા વહીવટી લાભો મળી શકે.
યુવાનોને જોડવા માટે ચોક્કસ વ્યૂહરચના
આ ઉપરાંત આ વખતે પીએમ મોદીની વડોદરાની આ મુલાકાત પરંપરાગત જાહેર સભાઓથી અલગ છે. જે મુખ્યત્વે જેન-ઝી અને યુવા વ્યાવસાયિકો પર કેન્દ્રિત છે. જેમાં વહીવટીતંત્ર અને સરકારે યુવાનોને જોડવા માટે ચોક્કસ વ્યૂહરચના ઘડી છે.
સિલેક્ટિવ રજીસ્ટ્રેશન આધારિત કાર્યક્રમ
વડાપ્રધાનનો મુખ્ય કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન મેદાનમાં યોજાઈ રહ્યો છે. આ સિલેક્ટિવ રજીસ્ટ્રેશન આધારિત કાર્યક્રમ છે. જેમાં 6,000 થી વધુ વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ સ્થાપકો અને યુવા ઇનોવેટર્સ હાજરી આપશે.
વડાપ્રધાન અને જેન-ઝી વચ્ચે સીધી વાતચીતને સરળ બનાવશે
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજીકલ નવીનતાને પ્રોત્સાહન આપવા અને 'આત્મનિર્ભર ભારત' માં યુવાનોની ભૂમિકા અંગે વડાપ્રધાન અને જેન-ઝી વચ્ચે સીધી વાતચીતને સરળ બનાવવાનો છે. પીએમ મોદી આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશની આગામી પેઢીને રાષ્ટ્રનિર્માણના મિશન અને વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે જોડવા માટે કરશે.