Tue Oct 06 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ યુકેમાં પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ કેમ સફળ થાય છે?

2026-09-07 07:27:42
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ યુકેમાં પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ કેમ સફળ થાય છે?

ભરત ભારદ્વાજ

યુકેમાં એક પંજાબી યુવતીને પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગે ફસાવી હોવાનો યુવતીની માતાએ આક્ષેપ કરતાં ગ્રૂમિંગ ગેંગ ફરી ચર્ચામાં છે. આ યુવતીની માતાએ એક પંજાબી ચેનલને આપેલી માહિતી પ્રમાણે, આ 19 વર્ષની સિમરન પહેલાં ગુરુદ્વારા જઈને સેવા કરતી હતી અને શીખ ધર્મના નિયમોને અનુસરતી હતી પણ ગ્રૂમિંગ ગેંગે તેને ફસાવતાં તેણે બધું છોડી દીધું અને હવે મુસ્લિમ તરીકે વર્તી રહી છે. 

માતાનો આક્ષેપ છે કે, યુનિવર્સિટીમાં એક મુસ્લિમ છોકરા સાથે સંપર્કમાં આવ્યા પછી તેનું વર્તન બદલાઈ ગયું. લંડનમાં જન્મેલી પણ ભારતીય દીકરીઓની જેમ જ ઉછરેલી સિમરન સપ્ટેમ્બર 2025માં યુનિવર્સિટીમાં ભણવા ગઈ ત્યાં સુધી મા-બાપને માન આપતી અને પરિવારને પ્રેમ કરતી. કદી મા-બાપ સામે બોલતી પણ નહીં પણ યુનિવર્સિટીમાં ગયા પછી અચાનક આક્રમક બનીને સામે ને સામે બોલવા લાગી ને વધારે મહત્ત્વની વાત એ કે, અમારી ધાર્મિક માન્યતાઓ સામે શંકા કરવા લાગી. 

યુવતીની માતાનો આક્ષેપ છે કે, કંઈક ખોટું હોવાની શંકા જતાં તપાસ કરી ત્યારે જૂન 2026માં ખબર પડી કે એક મુસ્લિમ છોકરા સાથે સંપર્કમાં આવ્યા પછી તેનું વર્તન બદલાઈ ગયું છે. યુવતીનું બ્રેઈનવોશ કરીને મગજમાં શીખ-હિંદુઓની વિરુદ્ધ મગજમાં ઝેર ભરી દેવાયું હોવાથી શીખ ધર્મની વિરુદ્ધ બોલી રહી છે. પરિવારે સમજાવવાનો પ્રયાસ કર્યો તો યુવતીએ લંડન પોલીસમાં પરિવાર વિરુદ્ધ જ ફરિયાદ કરી દીધી. માતા-પિતા પોતાને મારતાં હોવાનો ખોટો આક્ષેપ પણ પોલીસ ફરિયાદમાં કર્યો હતો. 

યુવતી પુખ્ત હોવાથી પરિવાર તેને રોકી શકે નહીં એવું પોલીસે સાફ શબ્દોમાં કહ્યું પછી પરિવાર પાસે ચૂપ રહેવા સિવાય વિકલ્પ નહોતો. પરિવારની ચુપકીદીના કારણે તેને ફસાવનારાંને મોકળું મેદાન મળ્યું એટલે યુવતીના દિલોદિમાગ પર એવો કબજો કરી લીધો કે, છોકરી પરિવારને છોડીને જતી રહી અને મુસ્લિમો સાથે જ રહે છે.

છોકરી પુખ્ત વયની હોવાથી પોતાની જિંદગીને લગતા નિર્ણયો લેવા માટે મુક્ત છે. પરિવાર તેના પર કોઈ નિયંત્રણ લાદી શકે તેમ નથી કે કાનૂની રીતે પગલાં પણ લઈ શકે તેમ નથી એટલે યુવતીની માતાએ ઇંગ્લેન્ડમાં રહેતા શીખો પાસે મદદ માગી છે અને પોતાની દીકરી પાછી અપાવવા માટે ખોળો પાથર્યો છે. 

યુકેમાં રહેતા શીખો યુવતીની માતાને કેટલી મદદ કરી શકશે એ સવાલ છે પણ આ આક્ષેપોએ વિદેશમાં રહેતા ભારતીયોની  રૂડીરૂપાળી લાગતી જિંદગીની એક ગંદી વાસ્તવિકતા ફરી આપણી સામે છતી કરી દીધી છે. લંડન અને યુકેમાં રહેતા પાકિસ્તાનીઓ દ્વારા હિંદુ, શીખ સહિતની બિન-મુસ્લિમ યુવતીઓને ફસાવીને તેમનો ઉપયોગ પોતાની હવસ સંતોષવા માટે કરાય છે એ આક્ષેપો નવા નથી. આ આક્ષેપોને સમર્થન આપતી ઘટનાઓ પણ બન્યા જ કરે છે. 

હજુ છ મહિના પહેલા ઈંગ્લેન્ડમાં રહેતા પંજાબી નવદીપ સિંહે એક યુવતીનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ યુવતીએ દાવો કરેલો કે, બ્રિટનમાં કૌર-ટુ-ખાન મૂવમેન્ટ ચાલી રહી છે અને તેના ભાગરૂપે શીખ છોકરીઓને ફસાવીને મુસલમાન બનાવવામાં આવી રહી છે. યુકેમાં સક્રિય પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગની આ ગંદી હરકતનો પોતે પણ ભોગ બની છે. યુવતીએ દાવો કર્યો હતો કે, કોઈ પાકિસ્તાની પુરુષ યુકેમાં કૌર એટલે કે શીખ છોકરીને ખાન બનાવે તો ગ્રૂમિંગ ગેંગ તેને 10 હજાર પાઉન્ડ આપે છે. આ રીતે હજારો યુવતીઓને વટલાવીને મુસ્લિમ બનાવાઈ રહી છે. 

ગ્રૂમિંગ ગેંગનો ભોગ બનેલી છોકરીઓમાંથી ઘણી છટકીને પણ આવે છે અને તેમણે કરેલા આક્ષેપો તો થથરાવી નાંખે એવા છે. 2026ના જાન્યુઆરીમાં જ ઇંગ્લેન્ડના વેસ્ટ લંડનમાં પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગે એક 14 વર્ષની શીખ છોકરીનું પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરેલું. આ છોકરીને ફ્લેટમાં બંધ કરીને 5-6 હેવાનોએ દિવસો સુધી તેના પર ગેંગરેપ કરાવ્યો. છોકરીએ ભાગવાનો પ્રયાસ કર્યો પણ ઝડપાઈ ગઈ તેથી અત્યાચારો વધ્યા. 

યુવતીએ ગમે તે રીતે પોતાના એક સગાને જાણ કરી ને તેમણે વેસ્ટ લંડનમાં રહેતા શીખોને જાણ કરતાં 200થી વધારે શીખો બહાર પહોંચી ગયા અને ભારે હોબાળો કર્યો. ધીરે ધીરે ભીડ વધતી ગઈ તેથી મુસ્લિમો ભાગી ગયા ને છોકરીને મુક્ત કરાવાઈ. છોકરી સગીર હતી ને તેના પર ગેંગ રેપ થયેલો તેથી પોલિસ ફરિયાદ થઈ પણ હજુ આરોપી પકડાયા નથી. 

બ્રિટિશ સાંસદ રુપર્ટ લોવે તો યુકેની સંસદમાં કુખ્યાત ‘ગ્રૂમિંગ ગેંગ’ નો ભોગ બનેલી છોકરીઓ જ નહીં પણ નાનાં બાળકોએ વેઠેલી યાતનાઓ અને અત્યાચારોની જે વિગતો રજૂ કરેલી એ કાળજું કંપાવી દે એવી છે. લોવના કહેવા પ્રમાણે, પાકિસ્તાની મૂળના પુરુષો દ્વારા ચલાવાતી ગેંગ છોકરીઓ કૂતરાઓના પાંજરામાં પૂરી રાખતી અને તેમની પર અત્યંત ક્રૂર અત્યાચાર કરાતા હતા. 

એક 13 વર્ષની છોકરી પર તો ત્રણ વર્ષમાં 700 જેટલા પુરુષોએ બળાત્કાર ગુજાર્યો હતો. એક છોકરીને તો કૂતરા સાથે શરીર સંબંધ બાંધવાની ફરજ પડાઈ હતી. આવી તો હજારો કહાનીઓ છે અને હજારો પીડિતાઓ છે. છેક 1990ના દાયકાથી સક્રિય ગ્રૂમિંગ ગેંગનો ભોગ બનેલી છોકરીઓમાંથી મોટા ભાગની મુસ્લિમ બનીને યાતનાની જિંદગી જીવે છે. નસીબદાર હોય એ છટકીને આવી ગઈ પણ પોતે વેઠેલા અત્યાચારોની ભયાનક યાદોમાંથી બહાર આવી શકતી નથી. 

બ્રિટિશ પોલીસ ગ્રૂમિંગ ગેંગ સામે કાર્યવાહી કરે છે, હવસખોરોને જેલમાં ધકેલે છે ને સજા પણ કરાવે છે પણ કેસ નોંધાય તેના કરતાં વધારે પ્રમાણમાં છોકરીઓ ભોગ બને છે. મોટા ભાગની છોકરીએ પુખ્ત હોય છે ને પ્રેમમાં આંધળી થઈ જાય છે તેથી પોલીસ પણ કશું કરી શકતી નથી. ભારતીય મૂળના ઋષિ સુનક વડા પ્રધાન હતા ત્યારે તેમણે તો ગ્રૂમિંગ ગેંગ પર તૂટી પડવા ટાસ્ક ફોર્સ પણ બનાવી હતી પણ સુનક ગયા ને બધું હવાઈ ગયું. 

આ સમસ્યા અતિ ગંભીર છે પણ ગ્રૂમિંગ ગેંગનો ખાતમો નથી બોલાવી શકાતો. પોલીસનો ભ્રષ્ટાચાર અને નિષ્ક્રિયતા એ માટેનું એક કારણ છે પણ તેનાથી પણ મોટું કારણ ભારતીય સમુદાયમાં એકતાનો અભાવ છે. પાકિસ્તાને બહુ સિફતપૂર્વક વિદેશોમાં રહેતા શીખોના માનસમાં ખાલિસ્તાનનું તૂત ભરાવી દીધું તેના કારણે હિંદુઓ અને શીખો વચ્ચે તિરાડ થઈ ગઈ. 1980ના દાયકા પહેલાં દુનિયાના બીજા દેશોમાં જ નહીં પણ ભારતમાં પણ શીખ અને હિંદુઓ એક હતા. શીખ ધર્મને હિંદુ ધર્મનો ભાગ જ માનવામાં આવતો પણ હવે બંને અલગ મનાય છે. 

ખાલિસ્તાનની માગણી સામે કહેવાતા હિંદુવાદીઓ દ્વારા અપાતાં રીએક્શન્સ પણ શીખ અને હિંદુ ધર્મનાં લોકો વચ્ચેની તિરાડ પહોળી કરવા માટે જવાબદાર છે. પાકિસ્તાનીઓ તેનો લાભ ઉઠાવી રહ્યા છે કેમ કે તેમને ખબર છે કે, હિંદુ છોકરીનો મુદ્દો હશે ત્યારે શીખો નહીં આવે ને શીખોની વાત હશે ત્યારે હિંદુઓ નહીં ઊભા રહે. હિંદુ અને શીખો વચ્ચે એકતા હશે તો કશું નહીં થાય તેથી આ એકતા સૌથી જરૂરી છે.