સુરત: સુરતમાં પીએમ મોદીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીતને ઉલ્લેખ કરીને લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું લોકોએ ભાજપને આપેલા સમર્થનના લીધે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. તેથી હું ખૂબ ખુશ થયો છું. પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 1987 માં સુરતમાં શરૂ થયેલી મારી રાજકીય જીતની સફર હજુ પણ અવિરત ચાલુ છે.
સુરત અને અમદાવાદ કોર્પોરેશન મારી પ્રથમ ચૂંટણી હતી
પીએમ મોદીએ સુરતમાં સભાને સંબોધતા જણાવ્યું હતું કે, હું રાજકારણમાં ખૂબ મોડો આવ્યો. હું વર્ષ 1987માં રાજકારણમાં આવ્યો હતો. તેની બાદ સુરત અને અમદાવાદ કોર્પોરેશન મારી પ્રથમ ચૂંટણી હતી. પ્રથમ ચૂંટણીમાં જીત મેળવી હતી. ત્યારથી લઇને આજ દિન સુધી અવિરત વિજય યાત્રા ચાલી રહી છે.
ગુજરાતની જનતાએ આપણા સેવાભાવને સમર્થન આપ્યું છે
તેમણે કહ્યું કે કોઇ પણ લોકશાહી સમાજ આવું ઓછું જોવા મળે છે. જેમાં કોઇ એક રાજકીય પક્ષને લાંબા સમય સુધી જનતાનું સમર્થન મળ્યું હોય. તેમજ લોકોની સેવાનો અવસર મળવો પણ મોટી વાત છે. સુરત અને નવસારીના જન પ્રતિનિધિઓ આ સભામાં સામેલ છે. આ તમામને શુભકામનાઓ. ગુજરાતની જનતાએ આપણા સેવાભાવને સમર્થન આપ્યું છે આ વાત યાદ રાખવાની છે.
સુરત શહેર નહિ એક સ્પિરિટ
આ ઉપરાંત પીએમ મોદીએ સુરત શહેરે સ્વચ્છતા અંગે મળેલા એવોર્ડનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સુરત શહેર નહિ એક સ્પિરિટ છે. તેમજ સ્વચ્છતા એવોર્ડ મેળવ્યા બાદ તે હું અનુભવી શકું છું. પીએમ મોદીએ કહ્યું કે ક્યારેક પ્લેગ જેવી જીવલેણ બીમારીથી ત્રસ્ત સુરત આજે સ્વચ્છતાનું ઉદાહરણ બન્યું છે. જેની માટે અઢી દાયકા સુધી સતત પ્રયાસ કરવામાં આવ્યા છે. જેનો તમામ શ્રેય જનતા, અધિકારીઓ, જન પ્રતિનિધિઓ અને કર્મચારીઓને જાય છે.