Thu Jul 23 2026

Logo

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત-દમણને રૂ. 22 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપી

2026-06-05 19:08:41
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી)ની હજીરા ફેસિલિટીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કાર્યરત ઔદ્યોગિક કામગીરી અને માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ એલ એન્ડ ટીના અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ 'એ. એમ. નાઈક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્સ'ની મુલાકાત લીધી, જ્યાં કંપનીના ઉચ્ચ અધિકારીઓએ તેમને સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ કરાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનને ખાસ કરીને ચીન સરહદે ઝડપી તૈનાતી માટે ડીઆરડીઓ અને એલએન્ડટી ડિફેન્સ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી 25 ટનની એર-ટ્રાન્સપોર્ટેબલ ‘જોરાવર’ લાઈટ ટેન્ક અને અન્ય સ્વદેશી સંરક્ષણ સાધનો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

પોતાના એક દિવસીય ગુજરાત અને દમણ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી આશરે રૂ. 22000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું તેમજ એક વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી. આ અંતર્ગત પીએમ મોદી માત્ર સુરતમાં જ રોડ, પાવર અને ઔદ્યોગિક ક્ષેત્રના રૂ. 18800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા.  

જેમાં સુરતમાં નવનિર્મિત 200 બેડની સુવિધા ધરાવતી ઇએસઆઈસી હોસ્પિટલનું લોકાર્પણ મુખ્ય હતું. આ ઉપરાંત, તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રૂ. 2970  કરોડના વિકાસકાર્યોની શરૂઆત કરાવી હતી, જેમાં દમણના નવનિર્મિત 'નમો એરપોર્ટ'ના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ભવ્ય ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. 

સુરત મુલાકાત દરમિયાન વડાપ્રધાને ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તેમજ પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડના કુલ રૂ. 4950.39 કરોડના ખર્ચના ચાર મહત્વપૂર્ણ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં સુરત અને નવસારી જિલ્લામાં પાવરગ્રિડ દ્વારા રૂ. 4546  કરોડના ખર્ચે તૈયાર થયેલ 'ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટ' મુખ્ય છે. આ પ્રોજેક્ટ થકી રાજ્યનું ટ્રાન્સમિશન નેટવર્ક મજબૂત બનશે અને ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ઉચ્ચ-ક્ષમતાવાળો વીજ પ્રવાહ પહોંચાડવો અત્યંત સરળ બની જશે.

લોકાર્પણ કાર્યક્રમ બાદ જનમેદનીને સંબોધિત કરતા પીએમ મોદીએ સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર કનુભાઈ માવાણીને અંજલિ આપી હતી અને સુરતના લોકોના 'સ્પિરિટ'ના વખાણ કર્યા હતા. એક સમયે પ્લેગનો ભોગ બનેલું સુરત આજે સ્વચ્છતામાં અગ્રેસર છે તે બદલ તેમણે એક લાખ લોકો દ્વારા એકઠા કરાયેલા કચરાના અભિયાનને બિરદાવ્યું હતું.

આ સાથે જ તેમણે કેમિકલમુક્ત ખેતી અપનાવવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાતે ક્લાઈમેટ ચેન્જ વિભાગ બનાવીને ગ્રીન ફ્યુચર તરફ વર્ષો પહેલા જ કદમ ઉઠાવ્યા હતા. સુરતમાં દાયકાઓ સુધી પાણી મળે તે માટે મંજૂર થયેલો તાપી બેરેજ પ્રોજેક્ટ, મેટ્રો, ઇલેક્ટ્રિક બસો અને હજીરા ગ્રીન સ્ટીલ ઉત્પાદન તેનું ઉત્તમ ઉદાહરણ છે.

પોતાના સંબોધનમાં વડાપ્રધાને તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ઐતિહાસિક જનસમર્થન અને રેકોર્ડબ્રેક જીત બદલ ગુજરાતની પ્રજાનો આભાર માન્યો હતો. તેમણે નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને લોકોની વધુ સેવા કરવા ટકોર કરી હતી. ઉપરાંત, કોરોના અને યુદ્ધ જેવી વૈશ્વિક કટોકટીઓના કારણે ઊર્જા અને ઇંધણની સપ્લાય પર પડેલી અસરનો ઉલ્લેખ કરીને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો અને ગર્વભેર જણાવ્યું હતું કે આજે ભારત સૌર ઊર્જા અને ઇથેનોલ ઉત્પાદનમાં વિશ્વમાં ઉચ્ચ ક્રમાંકે છે.

અંતમાં પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશમાં કેટલાક નિરાશાવાદી લોકો આત્મનિર્ભર ભારતના અભિયાનની મજાક ઉડાવે છે અને દેશને હંમેશા અન્ય પર નિર્ભર માને છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે લોકો હવે અરાજકતા અને અનિશ્ચિતતાને પસંદ કરતા નથી, જેના કારણે ગુજરાતે કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી છે અને કર્ણાટકમાં તેમણે મુખ્યપ્રધાન બદલવા પડ્યા છે. બુલેટ ટ્રેન અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે જેવા પ્રોજેક્ટ્સને વિકાસના પરિણામ ગણાવીને તેમણે દેશની જનતાને રાષ્ટ્રહિતમાં થાક્યા વિના પરિશ્રમ કરતા રહેવાની અપીલ કરી હતી.