Fri Sep 04 2026

Logo

પીએમ મોદીએ સ્લોવાકિયામાં કહ્યું, ટેક્નોલોજી ભાગીદારીનો મહત્વનો આધારસ્તંભ

Bratislava   2026-06-15 17:23:00
Author: Chandrakant Kanoja
પીએમ મોદીએ સ્લોવાકિયામાં કહ્યું, ટેક્નોલોજી ભાગીદારીનો મહત્વનો આધારસ્તંભ

બ્રાતિસ્લાવા : પીએમ મોદી અને સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોએ બ્રાતિસ્લાવા કિલ્લા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ  બેઠક બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું કે ટેક્નોલોજી એ આપણી ભાગીદારીનો મહત્વનો આધારસ્તંભ છે. તેમણે આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી અને ભારત-EU FTA ને અંતિમ સ્વરૂપ આપવામાં સ્લોવાકિયાના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. ભારત અને સ્લોવાકિયા વચ્ચે અનેક મુદ્દે સમજૂતી પણ કરવામાં આવી છે. 

વહેલી તકે તેના અમલીકરણ માટે કામ કરીશું 

પીએમ મોદીએ કહ્યું કેઅમે શક્ય તેટલી વહેલી તકે તેના અમલીકરણ માટે કામ કરીશું જેથી બંને દેશોના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓ તેનો મહત્તમ લાભ લઈ શકે. તેમણે કહ્યું કે વડાપ્રધાન અને મેં અમારા સહયોગને નવી દિશા અને ગતિ આપવા પર વિગતવાર ચર્ચા કરી. અમે અમારા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક ભાગીદારીમાં થયેલી પ્રગતિથી સંતુષ્ટ છીએ. જો કે, અમારી સંભાવના અપાર છે અને અમારી આકાંક્ષાઓ વધુ મોટી છે.

ભારતીય વડાપ્રધાન દ્વારા સ્લોવાકિયાની પ્રથમ મુલાકાત

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો એક અનુભવી નેતા અને ભારતના સાચા મિત્ર છે. તેમની મિત્રતા અને અતૂટ પ્રતિબદ્ધતાએ ભારત-સ્લોવાકિયા સંબંધોને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ મુલાકાત કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા સ્લોવાકિયાની પ્રથમ મુલાકાત છે.

સ્લોવાકિયાની યુનિવર્સિટીમાં AI ને સમર્પિત 'ઇન્ડિયા ચેર' ની સ્થાપના

આ ઉપરાંત ડિજિટલ ટેકનોલોજી અંગે આજે થયેલા કરારો ડિજિટલ જાહેર માળખાગત સુવિધામાં સહયોગ માટે નવા માર્ગો ખોલશે. મને ખુશી છે કે સ્લોવાકિયાની એક યુનિવર્સિટીમાં AI ને સમર્પિત 'ઇન્ડિયા ચેર' ની સ્થાપના થઈ રહી છે. અમારું વિઝન એ છે કે AI માનવતાની પ્રગતિ અને સુખાકારી માટે એક શક્તિશાળી સાધન તરીકે સેવા આપે. અમે માનીએ છીએ કે AI નું ભવિષ્ય ફક્ત નવીનતા પર જ નહીં, પરંતુ વિશ્વાસ, જવાબદારી અને માનવીય ગૌરવ પર આધારિત હોવું જોઈએ.